• શનિવાર, 30 મે, 2026

ચૂંટણી પંચના અધિકાર પર મહોર

બિહાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે ચૂંટણી પંચની મતદારયાદી સુધારણાની કાર્યવાહી એટલે કે, એસઆઇઆર પર રાજકીય પક્ષો ખાસ કરીને કૉંગ્રેસ અને મમતા બેનરજીએ ખૂબ બબાલ કરી હતી, પણ હવે સુપ્રીમ કોર્ટે સાફ કહી દીધું છે કે, ચૂંટણી પંચે મતદારયાદીના વિશેષ ગહન પરીક્ષણમાં કંઈ ખોટું કર્યું નથી અને તેને આ કામગીરીનો પૂરો અધિકાર છે. બિહારની મતદારયાદીનો એસઆઇઆરનો આદેશ આપી પંચે જનપ્રતિનિધિત્વના અધિનિયમનો પણ કોઈ ભંગ કર્યો નથી. સુપ્રીમે એ સાથે ત્રણ પ્રશ્નની પણ પૂરી તપાસ કરી હતી, જેમાં પહેલો સવાલ એ હતો કે, શું ચૂંટણી પંચ પાસે એસઆઇઆર કરાવવાની શક્તિ છે ખરી? બીજો સવાલ એ હતો કે, શું એસઆઇઆર અંતર્ગત કરાયેલી તપાસ કોઈ માન્ય ઉદ્દેશ પર આધારિત છે? અને ત્રીજો સવાલ એ હતો કે, એસઆઇઆર માટે અપનાવાયેલી પ્રક્રિયા જનપ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓથી ઊલટી કે તેનું ઉલ્લંઘન કરનારી છે? સુપ્રીમ કોર્ટે એસઆઇઆરની તરફેણમાં ચૂંટણી પંચની દલીલો અને તર્ક સાથે સંમતિ દર્શાવી અને સાફ સાફ શબ્દોમાં કહી દીધું કે, મતદારયાદીની શુદ્ધતા સુનિશ્ચિત થઈ છે અને સ્વતંત્ર તેમ જ નિષ્પક્ષ ચૂંટણીમાં મદદ મળી છે.

સુપ્રીમ કોર્ટના આ આદેશથી એસઆઇઆર વિરુદ્ધ ફેલાયેલા નેરેટિવ ધ્વસ્ત થઈ ગયા છે. સર્વોચ્ચ અદાલતે સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, એસઆઇઆર દરમિયાન મતદારયાદીમાંથી નામ હટાવવાની ચરણબદ્ધ પ્રક્રિયા, દાવા અને વાંધા નોંધાવવાની પૂરતી તક અપાઈ હતી. હકીકતે કૉંગ્રેસ અને મમતા સહિતના અન્ય પક્ષોનો વિરોધ રાજકીય જ હતો. આ પક્ષોએ ક્યારેય પણ એસઆઇઆર પ્રક્રિયામાં શું ખોટું થઈ રહ્યું છે એ વિશે પ્રશ્ન નહોતા ઉઠાવ્યા. તેઓ ચૂંટણી પંચના દરેક આંકડાને મનઘડંત બતાવતા રહ્યા હતા. ઘણીવાર તો વિરોધ પક્ષોએ એવા તથ્યો સુપ્રીમ સામે મૂક્યા છે જે તદ્દન ખોટા હતા. તેના પર કોર્ટ નારાજ પણ થઈ.

વિરોધ પક્ષોની શંકાનું સમાધાન કરવા સુપ્રીમ કોર્ટે ઓળખપત્રોની સંખ્યા વધારી, વિરોધ પક્ષોએ સૂચવેલા સલામતી ઉપાય પણ માન્ય રાખ્યા, તેમ છતાં આ પક્ષોએ ક્યારેય એસઆઇઆરની શુદ્ધતા પર જોર આપ્યું નથી. તેમની એકમાત્ર કોશિશ એસઆઇઆરની પ્રક્રિયા અટકાવી દેવાની હતી. આમ તો એસઆઇઆરની કામગીરી બહુ લાંબી છે અને કરોડો લોકોના ડેટાની ખરાઈ કરવી આસાન નથી. બની શકે કે તેમાં કોઈ ખામી રહી શકે, પણ તેને સુધારવાનો વિકલ્પ પણ મતદાતા પાસે હતો જ. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સાફ કર્યું છે કે, એસઆઇઆર એવી બંધારણીય પ્રક્રિયા છે, જેનો ઉદ્દેશ બંધારણની વિભાવનાને જાળવી રાખવાનો છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાએ અન્ય રાજ્યોમાં થનારી એસઆઇઆરની પ્રક્રિયાને અંતિમ મંજૂરી આપી દીધી છે. ભલે આ ચુકાદો બિહારમાં થયેલા મતદાર ગહન પરીક્ષણ માટે અપાયો છે, પણ તેની અસર પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાં ઊભા થનારા વિવાદ પર પણ પડશે. હજી અલબત્ત, પશ્ચિમ બંગાળના અનેક લોકોનાં નામ અંતિમ મતદાતા સૂચિમાં નહોતા આવી શક્યા, એ મામલો હજી વિચારાધીન છે. વિપક્ષોએ જોરશોરથી પોતાના સમર્થકોનાં નામ કપાયાં હોવાનો આરોપ મૂક્યો હતો, પણ ત્યાં સરકાર બદલ્યા પછી જે રીતે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મોટો સમૂહ પરત જવા માટે તૈયાર છે એ જોતાં ચૂંટણી પંચની મોટી સંખ્યામાં ઘૂસણખોરોનાં નામ કાપવાનાં પગલાંની પુષ્ટિ કરે છે. એટલે જ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે, જે લોકોનાં નામ નાગરિકતાને સમર્થન ન મળવાનાં કારણે કપાયાં છે તેનું વિસ્તૃત વિવરણ સંબંધિત વિભાગને આપે જેથી આવા લોકો પર કાર્યવાહી થાય. અંતે તો સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આવ્યા પછી રાજકીય પક્ષોનો વિરોધ સમાપ્ત થવો જોઈએ અને એસઆઇઆરની પ્રક્રિયા સુચારુ રીતે આખા દેશમાં ચાલવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ