દિવસે કાળઝાળ ગરમી અને રાત્રે પ્રમાણમાં ઠંડકનો કુદરતનો ક્રમ ખોરવાઈ રહ્યો છે. સૂર્યાસ્ત પછી તાપમાનમાં થવા યોગ્ય ઘટાડો થતો નથી. હવામાન ખાતાના આંકડા મુજબ 35 શહેરોનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ જેવી ગરમી રાતના સમયે પણ યથાવત રહે છે, જેમાં નવી દિલ્હી, અમદાવાદ, કોલકાતા, મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદનો સમાવેશ થાય છે. દિવસનું તાપમાન અનેક દિવસો સુધી સતત 40થી 45 ડિગ્રીની આસપાસ રહે ત્યારે જમીનની સપાટી અને હવામાં ગરમી કેદ રહે છે અને આ કારણથી રાતના સમયે પણ તાપમાનમાં ઘટાડો થતો નથી. આની સૌથી મોટી અને સીધી અસર લોકોની ઊંઘ પર થાય છે. ઊંઘમાં વારંવાર ખલેલ પહોંચે તો એની સીધી અસર રોગ પ્રતિકારશક્તિ પર પડે છે અને પરિણામે હીટ વૅવ સામે શરીરને સ્થિતિસ્થાપકતા સાધવામાં મુશ્કેલી પડે છે. આથી, હાલ વધી રહેલી બીમારીઓ, થાક કે નબળા સ્વાસ્થ્ય માટે દિવસની ગરમી કરતાં રાતની ગરમી વધુ મહત્ત્વનું કારણ છે. શહેરોમાં તો વળી ગરમી કાચ, કૉક્રિટ અને પ્રકાશનું પરાવર્તન કરતી સપાટીને કારણે વધે છે. વળી, રાતના સમયે પણ સતત થતાં પરસેવાને કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે. વળી, સમસ્યા એ પણ છે કે, બ્લડપ્રૅશર નીચું થઈ જાય છે અને આના કારણે હૃદયસંબંધી સમસ્યા ધરાવનારાઓ માટે વધારાનું જોખમ નિર્માણ થાય છે. આનો એક ઉપાય ઍર કન્ડિશનર છે, પણ આ કિસ્સામાં તો આ ઉપાય પણ જાલિમ પુરવાર થાય એમ હોવાથી જૂના સમયની રીતો ફરી અજમાવવી રહી. રાતે ઘરની તમામ લાઈટો વહેલી બંધ કરી દેવી, બારી-બારણામાંથી હવાની અવરજવર યોગ્ય છે એની તકેદારી રાખવી, બને તો એસીના બદલે કૂલરનો ઉપયોગ કરવો. નવી સમસ્યાના ઉકેલ ક્યારેક જૂના માર્ગોથી પણ નીકળતા હોય છે અને ગરમી એમાંની એક છે.