ગુજરાતમાં ગઈ વિધાનસભા ચૂંટણી દરમિયાન અમદાવાદના બહેરામપુરા ખાતેની એક જાહેરસભામાં કૉંગ્રેસપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દરેક ચૂંટણી માટે મોદી ઉપર જ વધુ પડતો ભરોસો રાખવા બદલ ભાજપ પર પ્રહાર કરતાં નરેન્દ્રભાઈને પૂછયું કે, તમારી પાસે રાવણ જેટલાં દસ માથાં છે? વડા પ્રધાનની તુલના રાવણ સાથે થતાં જ ભાજપનો પારો ચડી ગયો હતો... ગુજરાતીઓનું અપમાન લેખાવી ભાજપે પ્રચાર કર્યો હતો.
ચાર વર્ષે ફરી ખડગેએ ગુજરાતને નિશાન બનાવ્યું છે. કેરળની
જાહેર રૅલીમાં કહ્યું કે, મોદીજી ગુજરાત કે અન્ય સ્થળે અભણ લોકોને મૂર્ખ બનાવી શકે,
પણ કેરળના લોકો મૂર્ખ બને એમ નથી, કેમ કે અહીંની જનતા શિક્ષિત અને હોશિયાર છે. આ બયાને
ઘમસાણ મચાવ્યું છે. કેન્દ્રીય નેતાઓએ તો તેનો જવાબ આપ્યો જ છે. સાથે ગુજરાતના મુખ્ય
પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેને રાજ્યની સાડા છ કરોડ જનતાનું અપમાન લેખાવી કૉંગ્રેસપ્રમુખની
માફીની માગણી કરી છે.
મલ્લિકાર્જુન ખડગે ભૂલી જાય છે કે, ગુજરાત મહાત્મા
ગાંધી અને સરદાર પટેલની ભૂમિ છે. આ ધરતીએ વિક્રમ સારાભાઈ જેવા મહાન વિજ્ઞાની અને પંડિત
શ્યામજી કૃષ્ણ વર્મા જેવા ક્રાંતિકારી દેશને આપ્યા છે. પ્રથમ બિનકૉંગ્રેસી વડા પ્રધાન
મોરારજી દેસાઈ અને કુશળ નેતૃત્વશક્તિથી પ્રભાવિત કરનારા નરેન્દ્ર મોદી પણ ગુર્જર ધરાના
સંતાન છે.
ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ટકોર
સાચી છે કે, કૉંગ્રેસ ચૂંટણીઓમાં મળતી નિરંતર નિષ્ફળતાની હતાશા અનુભવી રહી છે. ખડગે
પરિપક્વ રાજનેતા છે. વિદ્વાન છે. તેમની જીભ વારંવાર લપસે? 2018ની ચૂંટણીમાં ખડગેએ મોદીને
`ચાવાળો' કહ્યા હતા અને એ પછી `ઝેરીલો સાપ' લેખાવ્યા હતા. બફાટ કરવામાં બીજા કૉંગ્રેસી
નેતાઓ પણ પાછળ નથી. અધીર રંજન ચૌધરી રાષ્ટ્રપતિને `રાષ્ટ્રપત્ની' કહી ચૂક્યા છે. મણિશંકર
ઐયરે મોદીને નીચ આદમી કહી દીધા હતા. રાહુલ ગાંધીએ `ગલી ગલી મેં શોર હૈ, ચોકીદાર ચોર
હૈ'નો નારો આપીને એવું માન્યું હતું કે, કૉંગ્રેસ મેદાન મારી જશે, પણ જનતાનો ગુસ્સો
એવો ફૂટયો કે કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં હતાં.
રાજકીય મેદાનમાં વાર-પ્રહાર થાય, વાક્યુદ્ધો થાય, પરંતુ
એનું સ્તર નીચું ન ઊતરવું જોઈએ. ઘણીવાર શિવસેના કે ભાજપના નેતાઓ પણ બફાટ કરી નાખે છે.
મતદારો સમજદાર છે, એમને શાલીનતા અને પ્રામાણિકતા વધુ પસંદ હોય છે. રાજનેતાઓ ભદ્ર વ્યવહાર
રાખે એ તેમના અને તેમના પક્ષનાં હિતમાં છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાદા શબ્દોમાં કૉંગ્રેસને
પૂછયું છે કે, ગુજરાતીઓ અભણ અને મૂર્ખ હોય તો રાજ્યનો આટલો વિકાસ કઈ રીતે થયો? મોદી
ગુજરાતમાં સફળ શાસન કર્યા પછી જ બઢતી મેળવીને દેશની ધૂરા સંભાળવા દિલ્હી પહોંચ્યા.
ગુજરાત આજે દેશના જીડીપીમાં આઠ ટકાથી વધુ યોગદાન આપે છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશના
17 ટકા અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં 40 ટકા હિસ્સો ગુજરાતનો છે. મેડિકલ ફાર્મા,
ગ્રીન એનર્જી, માઇન ઍન્ડ મિનરલ્સમાં ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો વાગે છે. આ હકીકતો
પ્રત્યે મલ્લિકાર્જુન ખડગેનું ધ્યાન જવું જોઈએ.