ગયા વર્ષે જેમના ઘરમાં લાગેલી આગમાં ચલણી નોટોના થોકડા બળેલી હાલતમાં મળી આવ્યા હતા એ અલ્હાબાદ હાઈ કોર્ટના જજ યશવંત વર્માએ ગયા અઠવાડિયે રાજીનામું આપતાં વિવાદાસ્પદ પ્રકરણનો ઔપચારિક અંત આવ્યો છે. જસ્ટિસ વર્માએ રાજીનામું આપતાં તેમની સામે ચાલી રહેલી મહાભિયોગની પ્રક્રિયા નિરર્થક થઈ ગઈ છે અને આ મામલામાં સંસદને નિર્ણય લેવાની ભૂમિકામાંથી રાહત મળી છે. પોતાની સામે ગંભીર આક્ષેપોને લઈને તપાસ ચાલી રહી હોવાથી રાજીનામું આપવું એ જસ્ટિસ વર્માનો બંધારણીય અધિકાર છે, પણ આ પગલાનું ટાઈમિંગ ચિંતા વધારનારું છે. હોદ્દા પર હોય એવા જજ સામેના ગંભીર આરોપો અંગે કોઈ નક્કર ચુકાદો આવવાને બદલે રાજીનામું આવે એ બાબત તંત્ર કેટલું નિક્રિય છે, એવી છબિ ઊભી કરે છે. આ એક વ્યક્તિની નહીં, પણ સામાન્ય લોકોમાં ન્યાયતંત્રના ઉત્તરદાયિત્વ બાબતે આત્મવિશ્વાસ જન્મે એ માટે યોગ્ય માળખું અસ્તિત્વમાં છે કે નહીં એ અંગે ખાતરીની વાત છે. જજીસ (ઈન્ક્વાયરી) ઍક્ટ, 1968 મુજબ કોઈ વર્તમાન જજને તેમના પદ પરથી દૂર કરવા હોય તો સંસદમાં ઠરાવ પસાર કરવો પડે. અૉગસ્ટ, 2025માં આવો ઠરાવ પસાર થયા પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલાના વડપણ હેઠળ ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના તેમની સામેના આરોપોની તપાસ માટે કરાઈ હતી. આ કમિટીને લખેલા પત્રમાં જસ્ટિસ વર્માએ પ્રક્રિયાત્મક ચૂક, પોતાની સામે વિશ્વાસપાત્ર પુરાવાઓનો અભાવ તથા પહેલેથી જ નક્કી હોય એવા અભિગમનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, આના કારણે જનતામાં બદનામી થઈ છે. જોકે, અનેક પ્રશ્નોના જવાબ હજી અનુત્તર છે. જેમ કે, મળી આવેલાં નાણાં કોના હતા? જજના આઉટહાઉસમાં આ રકમ ક્યાંથી આવી? આગ ઈરાદાપૂર્વક લગાડાઈ હતી કે અકસ્માત હતો? કઈ ચોક્કસ પરિસ્થિતમાં આ નાણાં મળી આવ્યાં હતાં? યોગ્ય પ્રક્રિયાને અનુસરવામાં તપાસકર્તાઓએ તત્પરતાનો અભાવ દેખાડ્યો હતો? અને સૌથી મહત્ત્વનો સવાલ એટલે- મહાભિયોગ કવાયતને પગલે આવતા ગુપ્તતાના નિયમને કારણે પ્રક્રિયા દરમિયાન માહિતીનો પ્રવાહ રોકાયો હતો? જસ્ટિસ વર્માએ રાજીનામું આપ્યું હોવાથી હવે જનતાને આ બધા સવાલોના જવાબ મળવા જરૂરી છે. ભીનું સંકેલી લેવાનો પ્રયાસ ન થવો જોઈએ કેમ કે બંધારણીય પદ પરની વ્યક્તિ પાસે ઈમાનદારીની અપેક્ષા રાખવામાં આવતી હોય છે.