• શનિવાર, 11 એપ્રિલ, 2026

ચૂંટણી કમિશનર સામે દેખાવો : હતાશાનું પરિણામ

પશ્ચિમ બંગાળની શેરીઓમાં ચૂંટણી પંચ અને કમિશનર સામે શરૂ થયેલી `જેહાદ' હવે નવી દિલ્હીમાં ચૂંટણી કમિશનરના કાર્યાલયમાં પહોંચી છે. ચૂંટણી પંચે દેશભરમાં મતદાર યાદીઓની ફેરતપાસ - ચકાસણી કરીને `નકલી' નામ રદ કર્યાં છે તેમાં બંગાળની યાદી મોખરે - સૌથી ઉપર રહી છે! લગભગ એક કરોડ ફર્જીનામ રદ થયાં પછી મમતાદીદીની ખુરસી ડગુમગુ થઈ રહી છે તેથી એમના પક્ષના નેતાઓ ભુરાટા થયા છે અને કમિશનર ઉપર શાબ્દિક આક્રમણ કરી રહ્યા છે પણ હવે મર્યાદાનો ભંગ કરી રહ્યા છે. કમિશનરની અૉફિસમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતાઓએ જે વર્તાવ કર્યો અને બૂમબરાડા પાડયા તે એમની હતાશા અને હારની `ચાડી' ખાય છે - સંભવિત પરિણામ ભણી આંગળી ચીંધે છે.

વાસ્તવમાં હજુ બે દિવસ પહેલાં જ રાજ્યસભાના અધ્યક્ષ અને લોકસભાના સ્પીકરે ચૂંટણી કમિશનર સામે મહાભિયોગની દરખાસ્ત નામંજૂર કરી હોવાથી મમતાજીનું પ્રતિનિધિમંડળ કમિશનર જ્ઞાનેશકુમારને રૂબરૂમાં મળીને અવિશ્વાસ વ્યક્ત કરવા પહોંચ્યું હતું. સાત-આઠ મિનિટ ચાલેલી આ `મુલાકાત' પછી બહાર નીકળીને રાજ્યસભામાં તૃણમૂલ કૉંગ્રેસના નેતા ડેરેક ઓબ્રિયને પત્રકારો સમક્ષ બાકી રહેલો ઊભરો ઠાલવ્યો.

ચૂંટણી કમિશનર સામે બૂમબરાડા પાડવામાં આવ્યા અને તેઓ ભાજપની તરફદારી કરે છે એવા આક્ષેપ થયા. આ મતદાન યાદીમાં થયેલી કાપકૂપ ઉપરાંત રાજ્ય સરકારના માનીતા અધિકારીઓની બદલી કરવામાં આવી તેનાં પરિણામે આ હતાશા - બળાપો છે! હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચની સત્તા સ્વીકારી અને સમર્થન આપ્યું છે. કમિશનર જ્ઞાનેશકુમારે તૃણમૂલ કૉંગ્રેસના પ્રતિનિધિઓને સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી ભય અને ભ્રષ્ટાચારથી મુક્ત રહે અને અધિકારીઓ પ્રામાણિકતાથી ફરજ બજાવે તે ધ્યાનમાં રાખીને બદલી કરવામાં આવે છે. આ ખુલાસો નેતાઓને માન્ય ન હતો. સંસદમાં બૂમબરાડા પાડવા ટેવાયેલા નેતાઓએ કમિશનરની સામે `ઍક્શન રિપ્લે' કરી બતાવ્યું અને ભાજપની તરફેણ થતી હોવાના આક્ષેપ કર્યા ત્યારે કમિશનરે એમને `બહાર જાવ' - ગેટ લૉસ્ટ કહ્યું!

સંવિધાન બચાવોના સૂત્ર પોકારતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ હવે મમતાદીદીના વિરોધી હોવા છતાં ચૂંટણી કમિશનરની ટીકા કરે તો તેની નવાઈ નથી. અગાઉ સંસદ ભવનના પ્રાંગણમાં ઊભા રહીને કેટલાક નેતાઓએ તત્કાલીન અધ્યક્ષના ચેનચાળા કર્યા હતા. વિરોધ પક્ષોની રક્તવાહિનીઓમાં જ આ આચરણ છે તેથી આશ્ચર્ય નથી, પણ લોકતંત્ર માટે આઘાત છે.