• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

પાક સામે જીત્યા, હવે વિશ્વ કપ

કોલંબોમાં ટી-ટવેન્ટી વિશ્વ કપની ગ્રુપ મૅચમાં ભારત સામે સજ્જડ પરાજય ખમ્યા પછી પાકિસ્તાની ક્રિકેટ સદમામાં છે, તો તેના લાખો ચાહકો માતમ મનાવતાં સરકારને કોસી રહ્યા છે કે ભારત સામેની મૅચનો બહિષ્કાર પાછો ખેંચવાની કોઈ જરૂર જ નહોતી. ભારત સામે તમામ મોરચે તેજોદ્વેષથી પીડાઈ રહેલા પાકિસ્તાનને હકીકતમાં તેની નકારાત્મકતા જ આડી આવી રહી છે. અતિ હાઈ પ્રોફાઇલ મૅચમાં ટૉસ જીત્યા પછી પહેલાં બૉલિંગ કરવાનો ખોટો નિર્ણય લીધો. કદાચ તેના કપ્તાન સલમાન આગાને અતિ આત્મવિશ્વાસ હતો કે ગમે તેવું ટાર્ગેટ અમે પહોંચી વળીશું.

ક્રિકેટ મેદાનમાં ભારત-પાકિસ્તાનની ટક્કરનો ઇતિહાસ તેણે જાણી લેવાની જરૂર હતી. અનેક પ્રસંગોએ 50 ઓવરની મૅચમાંય સવાસો-દોઢસોના મામૂલી લક્ષ્યને ભારતે ડિફેન્ડ કર્યું છે ને જીત મેળવી છે. એશિયા ઉપખંડની આ બે ટીમ મેદાનમાં સામસામે હોય ત્યારે ભારતનો જુસ્સો સાતમા આસમાને પહોંચતો હોય છે.

61 રને ભવ્ય જીત સાથે ટીમ ઇન્ડિયાએ સુપર એઇટ ગ્રુપમાં પ્રવેશ કરી લીધો છે. પાકિસ્તાન માટે પણ હજુ દરવાજો ખુલ્લો છે. સૂર્યકુમાર યાદવની ટીમની જીત માટે મહાશિવરાત્રિના દિવસે કરોડો ભારતીયોએ પ્રાર્થના કરી હતી એ ખરું, પણ નિર્ધારિત પરિણામ પ્રાપ્ત કરવા માટે લડવું પડતું હોય છે. અભિષેક શર્મા પહેલા દડામાં ખાતું ખોલાવ્યા વિના પૅવિલિયનમાં પાછો ફર્યો તેમ છતાં ઈશાન કિશન અને તિલક વર્માએ બીજી વિકેટની ભાગીદારીમાં 87 રનની ઝડપી ભાગીદારી કરી જે નિર્ણાયક પુરવાર થઈ. એ પછી ઝડપી બૉલરો, સ્પિનરોએ કમાલ કરી. આપણા ફિલ્ડરોએ દરેક તકને ઝડપી લઈને પાક બૅટધરોને એક પછી એક પૅવિલિયન ભેગા કરી દીધા.

સિંહાલી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખૂબ મોટું છે. સ્લૉ ટર્ફને લીધે સિક્સર મારવી જોખમભર્યું બની રહે છે. પાકિસ્તાને રણનીતિ જુદી બનાવી હતી. છ સ્પિનર પાસે બૉલિંગ કરાવીને ભારતના નૈસર્ગિક ફટકાબાજોને બાંધી રાખવામાં સફળતા જરૂર મેળવી, પણ બંને ટીમ વચ્ચે ઈશાન કિશનના તોફાની 77 રન મોટો તફાવત હતો.

આ મૅચના પરિણામ પછી બંને ટીમે આત્મમંથનની જરૂર છે. પાકિસ્તાને સુપર એઇટમાં ક્વૉલિફાય થવા નામીબિયા સામે જીતવું પડશે. ભારતનું હવે પછીનું લક્ષ્ય વિશ્વ કપ જ હોવાનું. અતિ આત્મવિશ્વાસમાં આવ્યા વિના એ માટેની રણનીતિ અમલમાં મૂકવી રહી. સુપર એઇટ રાઉન્ડ છઠ્ઠા કોઠા જેવો છે. વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, દ. આફ્રિકા, અૉસ્ટ્રેલિયા એ બધી ધરખમ ટીમો છે. ફાઇનલ કે વર્લ્ડ કપ જીતનું સપનું જોવા પહેલાં એમાંથી સાંગોપાંગ-મજબૂતાઈ સાથે પાર ઊતરવાનું છે. સૂર્યસેનાનું ઉત્કૃષ્ટ ફૉર્મ જોતાં મુશ્કેલ ન લાગવું જોઈએ.