મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનમાં બાવીસ વર્ષના આશાસ્પદ યુવાનના જીવનની રેખાનો અંત આવ્યો. લોકલ ટ્રેનોમાં સીટ માટે કે ધક્કો લાગવા બાબતે કે અન્ય નાની-મોટી વાતને લઈને તકરાર અને મારામારી સામાન્ય વાત છે. પણ, વરસાદ પડતો હોવાથી દરવાજો ખુલ્લો રાખવો કે બંધ કરવો એ મુદ્દે થયેલી બોલાચાલી હત્યામાં પરિણમી. નાલાસોપારા જતી ફાસ્ટ લોકલમાં અંધેરી સ્ટેશને ચડેલા બે ઉતારુઓ વચ્ચે નજીવી બાબતમાં કોઈનો જીવ જાય એવી ગંભીર પરિસ્થિતિમાં પરિણમી એ દેખાડે છે કે, મુંબઈમાં બધું અૉલરાઈટ નથી અને મુંબઈગરાના વિખ્યાત સ્પિરિટ સામે પણ આ ઘટના પ્રશ્નાર્થ ખડો કરે છે. પોલીસે સારી કામગીરી કરતા હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો, પણ ચાલતી લોકલમાં મોતનો ખેલ ચાલી રહ્યો હતો ત્યારે એકપણ ઉતારુએ બાવીસ વર્ષના યુવાન મયંકને બચાવવાનો પ્રયાસ ન કર્યો. અનેક લોકોએ આ આખી ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ પર લેવાનું ચાલુ રાખ્યું અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને કારણે અરેરાટી પણ ફેલાઈ, પણ એ યુવાનનો જીવ બચાવવો જોઈએ, એવું કોઈને લાગ્યું નહીં.
શહેરી જીવનમાં
માણસની ધીરજ અને સંયમનો દોર બહુ જલદી તૂટી પડતો જોવા મળે છે. આ સમસ્યા વધુ ઘેરી છે
કેમ કે, ચાલુ વર્ષના પહેલા મહિનામાં જ મલાડ રેલવે સ્ટેશન પર સાવ ધૂળ જેવી વાતમાં એક
યુવાને પોતાના સાથી પ્રવાસી એવા 32 વર્ષીય કૉલેજ લૅક્ચરરની ચાકુના ઘા કરી હત્યા કરી
નાખી હતી. મંગળવારે રાત્રે ચાલતી ટ્રેનમાં બનેલી ઘટનામાં વરસાદ હોવાથી ડબાનો દરવાજો
બંધ કરવાની સહ-પ્રવાસીઓની માગને 30 વર્ષના રોશન સુવર્ણાએ નકારી કાઢી એમાં બોલાચાલી
અને કથિતપણે થયેલી મારામારી બાદ, કદાચ નશામાં એવા આ યુવાને પોતાની બેગમાંથી ચાકુ કાઢી
બાવીસ વર્ષના યુવાનના પેટમાં ઉપરાછાપરી હુલાવી બોરીવલી સ્ટેશન આવતાં ચાલુ ટ્રેનમાંથી
ઉતરીને નાસી ગયો હતો. ઘટના નજરે જોનારાઓનું કહેવું છે કે, મૃતક યુવાન તથા અન્ય પ્રવાસીઓ
ભેગા મળી આરોપી પર ધસી ગયા હતા. એ પછી ઉશ્કેરાયેલા આરોપીએ જઘન્ય કૃત્ય કર્યું હતું.
પ્રશ્ન એ થાય કે જે લોકો રોશન પર ધસી ગયા હતા, તેઓ મયંકના બચાવમાં આગળ કેમ ન આવ્યા?
એટલું જ નહીં, આ ઘટના બની એ વખતે ત્રીસેક જણ ડબામાં હતા, પણ એમાંથી એકપણ જણે સામેથી
આવી સાક્ષીદાર બનવાની તૈયારી દેખાડી નથી. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને ફેસ રેકગ્નિશન
ટેક્નૉલૉજીની મદદ લઈ તેમના સુધી પહોંચશે. પણ, તકલીફમાં એકમેકની મદદ માટે જાણીતા મુંબઈગરા
અને તેમના સ્પિરિટ પર આ ઘટનાથી કારમો ઘા થયો છે.