પરીક્ષાના પેપર લીક વિરોધી ખરડાને લોકસભા તથા રાજ્યસભામાં પસાર કરાવીને સરકારે નીટ પરીક્ષાના મામલે કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી) નેજા હેઠળના આંદોલનકારીઓને આપેલા વચનનું પાલન કરી બતાવ્યું છે. જંતરમંતર પરના આંદોલનને સમેટવાના બદલામાં અપાયેલા વચનના પાલનમાં સરકારે ભારે ઝડપ બતાવી છે. પરીક્ષાના પેપર લીક વિરોધી આ ખરડાનો મુસદ્દો તૈયાર કરી લોકસભામાં અસાધારણ ઝડપે પસાર કરાવી સરકારે પોતાની વચનબદ્ધતા તથા નિષ્ઠા પુરવાર કરી છે.
લોક
પરીક્ષા (ગેરરીતિ નિવારણ) સુધારા ખરડો 2026 સંસદનાં બન્ને ગૃહે પસાર કરી સરકાર ચાવીરૂપ પ્રવેશ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થાને સુધારવાના ઉદ્દેશ સાથે આ ખરડો લાવી છે. પરીક્ષાના પેપર લીક કરનારાને દસ વર્ષની કેદ અને એક કરોડ રૂપિયાના દંડની સજાની જોગવાઈ ધરાવતા આ ખરડાથી આવાં અસામાજિક તત્ત્વોમાં ભય ઊભો થશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.
વક્રતા
એ છે કે, નવા ખરડા પર લોકસભામાં ચર્ચા દરમિયાન શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા અને તેમાં ખામીઓને દૂર કરવાનાં સૂચન સંસદસભ્યો પાસેથી આવશે એવી અપેક્ષા કમનસીબે ફળીભૂત થઈ શકી નહીં.
સામાન્ય
પ્રણાલી એવી રહેતી હોય છે કે, કોઈપણ ખરડા પરની ચર્ચામાં તેમાં કોઈ ખામી હોય તો તેમાં સુધારની હિમાયત થતી હોય છે, પણ આ વખતે ખરડા પરની ચર્ચામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચેના વિવાદે આ જવાબદારી વિસરાવી દીધી હતી. મોટા ભાગે સંસદમાં કોઈપણ ચર્ચા દરમિયાન મૂળ મુદ્દાને વિસરી જઈને અન્ય બાબતો પર સરકારની સામે આરોપો મૂકતા રહેતા વિપક્ષી સભ્યો પેપર લીક ખરડામાં પણ તેનું પુનરાવર્તન કરીને આ મહત્ત્વની ચર્ચાને આડે પાટે ચડાવી દીધી હતી.
જોકે,
હવે આ ખરડો પસાર કરી દીધો છે અને રાજ્યસભાએ પણ પસાર કરી દેતાં પેપર લીક કરનારા સામે કડક સજાની જોગવાઈનો કાયદો બની જશે. મહત્ત્વની બાબત એ છે કે, અત્યારે પણ આવો કાયદો અમલી છે અને તેમાં હવે સજા વધારવાની જોગવાઈ કરાઈ છે. સરકારે લોકસભામાં સ્વીકાર કર્યો છે કે, આ સંદર્ભનો કાયદો એમ તો છેક 2024થી અમલી છે. તે પછી પણ પેપર લીકની બાવન ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. હવે આ રોકવા સુધારા ખરડો લવાયો હોવાનું સરકારે લોકસભામાં સ્વીકાર્યું છે.
જોકે,
એક વાત ગંભીર છે કે, આવો ખરડો હોવા છતાં પેપર લીક થયાં હતાં ત્યારે હવે નવા કાયદાને વધુ અસરકારક બનાવવા માટે સરકારે હવે ખાસ વ્યવસ્થા ઊભી કરવા પર પણ ધ્યાન આપવાની જરૂરત રહેશે. પેપર લીકના કોઈપણ કેસમાં જવાબદારોને મજબૂત પુરાવા સાથે ઝડપી લઈને તેમની સામે કોઈપણ છટકબારીની તક વગરનો કેસ તૈયાર કરવા માટે સક્ષમ તંત્ર અનિવાર્ય બની જાય છે. મજબૂત પુરાવા સાથેનો કેસ હશે તો જ ગુનેગારોને કડક સજાનો કાયદો કામ લાગી શકશે. હાલ કાયદો હોવા છતાં ગુનેગારો છટકબારી શોધી લેતા હોય છે તે રોકવા માટે પણ પૂરતી કડકાઈ જાળવવી કાયદા જેટલી જ જરૂરી છે. આમ થશે તો પેપર લીકના દોષીઓમાં કાયદાનો સાચો ડર ઊભો થશે.