નવરાત્રિ પર્વ અંતિમ ચરણમાં છે, દિવાળી ઢૂંકડી છે પરંતુ બજારમાં મોંઘવારીને લીધે થોડી ઝાંખપ છે. અલબત્ત, આ મોંઘવારી માત્રને માત્ર શાસન- પ્રશાસનને લીધે નથી તે પણ સમજી શકાય, પરંતુ સ્થિતિ સંભાળવાની જવાબદારી તો તેઓની જ છે. ગૃહિણી કે મધ્યમ વર્ગના કર્મચારી-વેપારીથી લઈ ખેડૂતોને આ ચિંતા છે. છૂટક અને જથ્થાબંધ મોંઘવારીના ઊંચા આંકડા આ વાતની ગવાહી આપી રહ્યા છે. વૃદ્ધિના પંથે અર્થતંત્ર જતું હોય ત્યારે ભાવ વધારો સમાંતર પડકાર હોય તે સમજી શકાય, પરંતુ તે એટલો અનિયંત્રિત પણ ન થવો જોઈએ કે પ્રજાની ચિંતા અને ચર્ચાનો મુખ્ય વિષય બને.
ગત
મહિને છૂટક મોંઘવારીનો દર 3.65 ટકા હતો, આ મહિને તે 5.49 ટકા રહ્યો છે. 1.84 ટકાનો આ વધારો એટલા માટે અસરકારક છે કે શાક, ખાદ્યતેલના ભાવમાં ઉછાળો છે અને તે મોંઘી રેસ્ટોરન્ટ્સ કે બંગલાઓને જ નહીં દરેક રસોડાંને અસર કરે છે. જથ્થાબંધ મોંઘવારીનો દર 1.31 ટકા હતો તે વધીને 1.84 ટકાએ પહોંચ્યો છે, 0.53 ટકાનો આ વધારો ખાદ્ય ચીજવસ્તુ, મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રના કાચા માલના ખર્ચમાં થયેલા વધારાને લીધે છે. છૂટક મોંઘવારી દરમાં બે ટકા જેટલો સીધો કૂદકો તાજેતરના મહિનાઓનો સૌથી મોટો માસિક ઉછાળો છે. સરકાર કહે છે કે મોંઘવારી નિયંત્રણમાં છે, પરંતુ શાકભાજી લેવા જતાં બહેનો-વડીલોનાં મનમાં પ્રશ્ન એ છે કે તો પછી શાક સો રૂપિયે કિલો શા માટે છે ?
ટી.વી., ફ્રિઝ, વાહન કે કપડાં મોંઘાં નથી થયાં. રસોડાંના બજેટમાં જ ભડકો છે. ભાવ વધારાને લીધે સામાન્ય જનતાને ફટકો પડયો છે, પરંતુ ઉત્પાદક-ખેડૂતને કોઈ ફાયદો થયો નથી. શાક મોંઘાં છે, પરંતુ પાક ઓછો છે, વધારે વરસાદ જ્યાં થયો ત્યાં પણ નુકસાન છે. ભાવવધારો તો પરિવહન કે વચેટિયાઓને લીધે છે. મોંઘવારી નિયંત્રણમાં રહે, ફુગાવાનો દર વધે નહીં તે માટે થઈને જ રિઝર્વ બૅન્કે ગયા અઠવાડિયે રેપો રેટમાં વધારો કર્યો. ઈએમઆઇ ભરતા લોકો માટે આ પણ નિરાશ કરે તેવી વાત છે પરંતુ સરકાર પાસે તેનો વિકલ્પ ક્યાં? નવેમ્બર-િડસેમ્બરમાં પુરવઠો સામાન્ય થશે ત્યાર પછી વ્યાજદર ઘટવાની આશા લોકો રાખી શકે. સરકારનું પુરવઠા સંચાલન અને રિઝર્વ બૅન્કની નાણાકીય નીતિ વચ્ચેનો મેળ જળવાઈ રહેશે તો તહેવાર પછી બજારની સ્થિતિ સામાન્ય થઈ શકે. કુદરતી કારણ આ વખતે છે જ તો ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધને લીધે ક્રૂડના ભાવ વધ્યા તેણે મોંઘવારીમાં મોટો ભાગ ભજવ્યો છે. હજી સુધી તેની અસર છે. હોર્મુઝ ક્ષેત્ર મહિનાઓ સુધી બંધ રહ્યું, પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા. થોડા દિવસો પહેલાં જ નયારા, રિલાયન્સે પેટ્રોલના ભાવ વધાર્યા. આ તમામ પરિબળો મોંઘવારી માટે જવાબદાર છે. અગાઉના પણ અનુભવ એવા છે કે મોંઘવારી હોય તોય તહેવારો ઉપર ખરીદીનું પ્રમાણ કંઈ સાવ તળિયે જતું હોતું નથી. ઉત્સવપ્રિય પ્રજા જરૂર પૂરતું તો બધું લે જ છે, પરંતુ એક વિચાર સતત ચાલુ રહે કે આ વખતે વસ્તુ મોંઘી પડી. મોંઘવારીની વર્તમાન સ્થિતિ સંપૂર્ણપણે માળખાકીય ખામી નથી, પરંતુ વૈશ્વિક સ્થિતિ, ઋતુચક્ર વચ્ચે સર્જાયેલી ખેંચતાણ છે. આરબીઆઇની નાણાકીય શિસ્ત અને પુરવઠાની વ્યવસ્થા જો આ સ્થિતિને સાચવી લે તો દિવાળી પછી સ્થિતિ સુધરવાની આશા રાખી શકાય તેમ છે.