ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકરની સુરક્ષામાં થયેલી ચૂક કોઈ સામાન્ય ઘટના નથી. આ બાબત ભારતીય વિદેશ વિભાગે ગંભીરતાથી પગલાં લેવાં જોઈએ. લંડનમાં કોઈ આતંકવાદી ભારતીય વિદેશપ્રધાનની આટલી નજીક પહોંચી જાય તે ચિંતાજનક છે. આ બ્રિટિશ પોલીસની લાપરવાહી છે. ભારતવિરોધી અલગતાવાદીએ જાહેરમાં તિરંગાનું અપમાન કર્યું છે. બ્રિટિશ પોલીસે સચેત રહેવું જોઈતું હતું કે એસ. જયશંકરની નજીક કોઈપણ અવાંછિત વ્યક્તિ પહોંચે નહીં. બ્રિટિશ પોલીસે અલગતાવાદીઓને પોતાના ઝંડા સાથે બેઠકની પાસે વિરોધ પ્રદર્શન કરવા દીધું. શું ભારત પોતાની સુરક્ષા પ્રતિ વધુપડતું ઉદારવાદી વલણ અપનાવે છે? શું બ્રિટન ભારતમાં આતંકવાદીઓનાં કરતૂતથી અજાણ છે?
લંડનમાં
ખાલિસ્તાની ઉગ્રતાવાદીઓએ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરના કાફલા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો છે. ઉગ્રતાવાદીઓનું એક ટોળું ભારતવિરોધી સૂત્રો પોકારી રહ્યું હતું ત્યારે એક ખાલિસ્તાની સમર્થકે બેરિકેડ તોડવાનો અને તેમના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેણે તિરંગો ફાડી નાખ્યો હતો. ભારતે આ સુરક્ષા ભંગના આકરા પ્રત્યાઘાત આપીને બ્રિટનને તેની રાજદ્વારી જવાબદારીઓનું સંર્પૂણ પાલન કરવાની તાકિદ કરી છે.
એ
વાત છૂપી નથી કે આવા અલગતાવાદીઓના કારણે જ ભારત અને કૅનેડા વચ્ચે તાણ છે અને બ્રિટન પણ આ તાણને વધતી રોકવા માટે સક્રિય નથી. જો બ્રિટિશ સુરક્ષા વ્યવસ્થાના અધિકારી સચેત હોત તો તેઓ ભારતીય વિદેશપ્રધાન વિરુદ્ધ થયેલા પ્રદર્શનને રોકી શક્યા હોત. શું બ્રિટિશ અધિકારીઓને જાણ નથી કે આવા અલગતાવાદીઓને કયા આતંકવાદી દેશ દ્વારા મદદ મળી રહી છે? બ્રિટિશ સામ્રાજ્યએ ભારતના વિભાજનનો માર્ગ તૈયાર કર્યો હતો અને હજુ પણ ભારતના વિભાજનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો જારી છે. બેશક, બ્રિટિશ શાસન-તંત્રએ પોતાના કૂટનીતિક દાયિત્વનું પાલન કર્યું નથી.
આજે
દુનિયા જે મુકામ પર છે, તેમાં ભારતે વધુ સતેજ રહેવું પડશે. ભારતનું ભલું માનસ ખોટું નથી, પણ તેના દુરુપયોગની પરવાનગી કોઈને ન મળવી જોઈએ. ભારત રાષ્ટ્ર અને તેનાં પ્રતીકોનાં સન્માનની રક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. ભારતે પોતાનાં આર્થિક અને કૂટનીતિક હિતો માટે વધુ સક્રિય અને દૃઢ રહેવું પડશે. વિદેશપ્રધાન એસ. જયશંકરે લંડનમાં કાશ્મીરના ઉકેલ સંબંધમાં ટૂંકમાં જવાબ આપ્યો છે કે અમે જેની પ્રતીક્ષા કરી રહ્યા છીએ, તે કાશ્મીરના ચોરવામાં આવેલા હિસ્સાની વાપસી છે, જે ગેરકાયદે પાકિસ્તાનના કબજામાં છે જ્યારે વાપસી થઈ જશે, તો હું તમને આશ્વાસન આપું છું કે કાશ્મીરની સમસ્યાનો પણ ઉકેલ આવી જશે. આવી જ દૃઢતાથી અલગતાવાદીના મુઠ્ઠીભર સમર્થકોને સંદેશ આપી શકાય છે.