• સોમવાર, 19 મે, 2025

હવે હરિયાણાને પાણીનું એક ટીપું વધુ નહીં મળે!

પાકિસ્તાની આતંકી હુમલા પછી ભારત સરકારે પાકિસ્તાનને સિંધુ નદીનાં પાણીનો પુરવઠો કાપવાનો નિર્ણય લીધો છે ત્યારે ભારતમાં જ પંજાબે હરિયાણાને ભાખરા ડેમમાંથી અપાતો પાણીપુરવઠો વધારવાનો ઇન્કાર કર્યો છે અને ઉપરથી કાપ મૂક્યો છે તેના પરિણામે હરિયાણામાં જળકટોકટી ઊભી થઈ છે - તેની પાછળ રાજકારણ છે? અર્થકારણ છે કે પછી માત્ર કમનસીબી છે? હરિયાણાને જરૂરિયાતના માત્ર પંદર ટકા પાણી મળે છે. હરિયાણા અને પંજાબ વચ્ચે ‘પાણીની લડાઈ’ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી છે.

આ વધારાનો પુરવઠાનો વિવાદ શરૂ થયો તે પહેલાં પણ પંજાબે પુરવઠામાં પચાસ ટકા કાપ મૂક્યો હતો. હરિયાણાએ કેન્દ્ર સરકારને ફરિયાદ કર્યા પછી મળેલી બેઠકમાં કેન્દ્ર સરકારે હરિયાણાની માગણી વાજબી ઠરાવીને પંજાબે 8500 ક્યુસેક પાણી આપવું જોઇએ એમ જણાવ્યું હતું. આમ છતાં પંજાબની ‘આમ આદમી પાર્ટી’ના મુખ્ય પ્રધાન ભગવંત માને સર્વપક્ષી બેઠક બોલાવીને પાણીકાપના નિર્ણય માટે સર્વાનુમતે સમર્થન મેળવ્યું હતું અને હરિયાણા સરકારે પણ સર્વપક્ષી બેઠક બોલાવી અને સર્વાનુમતે રાજ્ય સરકારને ટેકો આપ્યો. હવે હરિયાણાને કેન્દ્ર સરકારનું સમર્થન મળ્યા પછી પંજાબના મુખ્ય પ્રધાને પક્ષના કાર્યકરોને હાકલ કરી છે કે જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરો. ભાજપ હરિયાણાને વધુ પાણી આપવા માટે દબાણ કરે છે તેનો વિરોધ કરે. હવે પંજાબ સરકાર કાનૂની લડત શરૂ કરનાર છે. મુખ્ય પ્રધાને પણ કહ્યું છે કે, હવે એક ટીપું પણ વધારાનું પાણી નહીં અપાય...