• સોમવાર, 13 ઑક્ટોબર, 2025

શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અને ટ્રમ્પનો અજંપો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો નથી. `મેરા સુંદર સપના બીત ગયા' જેવું થયું છે. અલબત્ત, આ ઘટનાની ચર્ચા સર્વત્ર છે, પરંતુ `મોટા સમાચાર' તો જ ગણાત જો તેમને આ ખિતાબ પ્રાપ્ત થયો હોત! કારણ કે વિશ્વશાંતિ માટે ઉલ્લેખનીય કોઈ કાર્ય તેમના નામે બોલતું નથી. શાંતિ એ ફક્ત ઉચ્ચારણ નથી તે વિચાર અને આચરણ છે. નોબેલ હોય કે અન્ય કોઈ પુરસ્કાર, પ્રથમ તો એ કે તે મેળવવા માટે પ્રયાસ કરવામાં આવે તો તે વ્યક્તિની મહત્તા ઘટે જ. ટ્રમ્પ આ વિચાર ચૂકી ગયા. ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તાજેતરમાં અૉપરેશન સિંદૂરના નામે થયેલું શસ્ત્રઘર્ષણ નિવારવામાં નિમિત્ત બન્યા તેવો દાવો તેમણે બહુ કર્યો. ભારત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તે અંગે ટીકા પણ થઈ, પરંતુ સંસદના ગૃહમાં વડા પ્રધાને સત્તાવાર રીતે કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્રવિરામ કરાવવામાં વિશ્વના કોઈ દેશની કોઈ ભૂમિકા નથી. આ વાત તેમણે અન્ય જાહેરમંચો ઉપરથી પણ કહી. ટ્રમ્પના દાવા સમય જતાં પોકળ નિવડયા. જોકે, આજે પણ તેઓ એ જ કહે છે. નોબેલ પુરસ્કાર ન મળવા પાછળના જે કારણ છે તેમાં એક મુખ્ય તો એ છે કે તેના માટે અરજી મોકલવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2025 હતી. ટ્રમ્પે શપથ લીધા હતા 2025ની 20 જાન્યુઆરીએ.

જે યુદ્ધો અટકાવવામાં પોતે નિમિત્ત બન્યા છે તે બધાં યુદ્ધ આ નામાંકનની તારીખ પછી થયા છે તેથી તેમની દાવેદારી ઊભી રહે તેમ નથી. ટ્રમ્પનો ટ્રેક રેકોર્ડ અને નોબેલ માટેના માપદંડ વચ્ચે ભારે વિરોધાભાસ છે. રાષ્ટ્રોની વચ્ચે બંધુત્વને પ્રોત્સાહન આપે તેને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળી શકે. ટ્રમ્પે પેરિસ જળવાયુ સમજૂતી કરારથી છેડો ફાડયો, ડબ્લ્યુએચઓમાંથી તેઓ હટી ગયા. હથિયાર નિયંત્રણ સંધિઓની મણા તેમણે રાખી નહીં. યુદ્ધ ફક્ત શસ્ત્રોથી જ ન લડાઈ અને તેને વિરામ આપીને જ શાંતિ ન સ્થપાય. ટ્રમ્પે વિશ્વના વિવિધ દેશો ઉપર ગંજાવર ટેરિફનો અમલ કરાવીને આર્થિક અશાંતિ સર્જી છે તેનું શું? આ સ્થિતિમાં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર પોતાને મળશે તે તેમનો વધારે પડતો આત્મવિશ્વાસ હતો. નોબેલ સમિતિ ફોટોગ્રાફ કે સમાચારોથી પ્રભાવિત નથી થતી.

નોબેલ પુરસ્કાર અને તે પણ શાંતિ માટે મળે તેના માટે વ્યક્તિત્વની સાલસતા, સરળતા પણ જરૂરી છે. સંઘર્ષ સમાપ્ત થાય તેની સાથે આંતરરાષ્ટ્રીય સહયોગને વધારવાનું કામ થવું જોઈએ. નોબેલ માટે એક આખા વારસનો, સાતત્યપૂર્ણ પ્રયાસો અને પરિણામોનો અભ્યાસ થાય છે, એકાદ-બે જીતને લીધે તે મળતો નથી. ઈરાન પરમાણુ સમજૂતી માટેનું તેમનું વલણથી લઈને અનેક દૃષ્ટાંતો છે જે તેમને નોબેલથી દૂર રાખી શકે. જેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો તે વેનેઝુએલાનાં મારિયા કોરિના મચાડો ટ્રમ્પ જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાત પ્રતિભા નથી. તેમને એવૉર્ડ મળ્યો તે જ દર્શાવે છે કે નોબેલ માટે ખ્યાતિ પ્રાપ્ત હોવું જરૂરી નથી. ટ્રમ્પ કે અન્ય કોઈ પણ નેતા વૈશ્વિક સ્તરે નોબેલ જેવા પ્રતિષ્ઠિત એવૉર્ડની ખેવના રાખી શકે, પરંતુ ફક્ત પ્રચાર, અગાઉ જેમને પુરસ્કાર મળ્યો હોય તેવા નેતાઓની ટીકા કરવાથી આ સન્માન પ્રાપ્ત ન થાય. શાંતિની દિશામાં ડગલાં પણ માંડવાં પડે.

ઇ-પેપરના નવા શુલ્ક