• સોમવાર, 18 મે, 2026

અનિવાર્ય ભાવવધારો કામચલાઉ ગણી સ્વીકારો

આવા વિકટ સંજોગોમાં પણ ભારત સરકારે ભાવવધારાની જાહેરાતમાં ઉતાવળ કરી નથી. ત્રણ મહિના સુધી રાહ જોયા પછી અનિવાર્ય વધારાની જાહેરાત થઈ છે. આર્થિક નિષ્ણાતો કહે છે કે ભાવવધારો વહેલો થવો જરૂરી હતો અને રાજકીય નેતાઓ કહે છે કે ચૂંટણીના કારણે વધારો મુલતવી રખાયો હતો! ગમે તેમ પણ આપણને ત્રણ મહિના રાહત મળી છે. અમેરિકા અને કૅનેડામાં પણ ધરખમ ભાવવધારા થયા છે. અન્ય દેશોમાં તો પેટ્રોલ-ડીઝલનું રૅશનિંગ શરૂ થયું છે. સરખામણીમાં આપણી સ્થિતિ ઘણી સારી છે.

આ દરમિયાન ઈરાન અને યુએઈ પણ ભારતની મુશ્કેલી ઘટાડવામાં સહયોગ આપે છે. વડા પ્રધાન મોદી અબુધાબીમાં પ્રમુખ મોહમ્મદ બિનને મળ્યા પછી ભારતની એલએનજી - રાંધણગૅસનો પુરવઠો વધવાની ખાતરી મળી છે. ઈરાનના વિદેશપ્રધાને આપણા - જયશંકરને મળ્યા પછી પત્રકારોને કહ્યું છે કે મિત્રદેશ ભારત માટે હોર્મુઝ ખાડીનો માર્ગ ખુલ્લો છે. ભારતનાં ટૅન્કરોને સલામતીની ખાતરી પણ અપાઈ છે.

આપણે પણ અત્યારની તંગદિલી અને ભાવવધારાને `કામચલાઉ' ગણીને સ્વીકારવા સિવાય માર્ગ નથી. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની અસર જનજીવન ઉપર પડે તો સૌ કોઈ જાણે છે પણ આજની વાસ્તવિકતા એવી છે કે આ અનિવાર્ય ભાવવધારો લોકો કચવાટ સાથે પણ સ્વીકારે છે! ત્રણ મહિનાથી પશ્ચિમ એશિયામાં જે સ્ફોટક પરિસ્થિતિ છે અને નજીકના ભવિષ્યમાં તંગદિલી હળવી થવાની આશા નથી તે જોતાં ભાવવધારાનો બીજો હપ્તો પણ આવે તો નવાઈ નહીં.

વડા પ્રધાન મોદીએ સમયસર ચેતવણી આપી હતી. પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલનો વપરાશ ઘટાડવાની સલાહ આપી હતી ત્યારે જ ભાવવધારા માટે લોકોએ માનસિક તૈયારી કરી હતી. આવી તંગી લાંબી ચાલે અને આપણી માગ-જરૂરિયાતના એંસી ટકા આયાત થાય છે ત્યારે હજુ બીજો વધારો થવાની શક્યતા છે. આપણી તેલ કંપનીઓ અમેરિકા-ઈરાનના સંઘર્ષ પહેલાં ક્રૂડ અૉઇલની ખરીદી બેરલદીઠ 69 ડૉલર ચૂકવતી હતી. જેનો ભાવ અત્યારે 105 ડૉલર છે. એક અંદાજ અનુસાર આપણને - આપણી કંપનીઓને રોજના રૂ. 1000 કરોડની ખોટ જાય છે. એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિક ગાળામાં રૂ.  એક લાખ કરોડની ખોટ ગઈ છે. આ ખોટ પૂરવામાં ભાવવધારો પાશેરાની પહેલી પૂણી જેવો છે! 

ઇ-પેપરના નવા શુલ્ક