• સોમવાર, 08 જૂન, 2026

એ.આઈ. ન તોળી શકે ન્યાય

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની જાણકારી કે સલાહના આધારે અપાયેલો કોઈ પણ કાયદાકીય ચુકાદો ક્યારેય માન્ય નહીં રહે તેવું દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કરી દીધું છે. વધારે પડતા અનર્થો સર્જાય તે પૂર્વે જ સુપ્રીમ કોર્ટે આ અંગે મર્યાદા નક્કી કરી નાખી છે. આખા દેશની કોર્ટમાં એ.આઈ.નો ઉપયોગ નિયંત્રિત કરવા માટે રેગ્યુલેશન ફૉર યુઝ અૉફ એ.આઈ. ઈન કોર્ટ 2026નો એક નવો જ ડ્રાફ્ટ તૈયાર થયો છે. એ.આઈ. સહાયક ઉપકરણ છે, આખરી નિર્ણય કે ચુકાદો તો માનવીય બુદ્ધિ પાસે જ છે તે સર્વોચ્ચ અદાલતનો અહીં હેતુ છે. 

એ.આઈ.ના પ્રભાવથી કોઈ ક્ષેત્ર બાકી નથી. વેપાર-ઉદ્યોગ, બૅન્કિંગ કે કળા-સંગીત, ફિલ્મ બધું હવે આ નવી ટેક્નૉલૉજીની સહાયથી શક્ય છે. તબીબી ક્ષેત્રે પણ મહાક્રાંતિના મંડાણ થયાં છે. તે સ્થિતિમાં ન્યાયપ્રક્રિયામાં પણ એ.આઈ.નું હોવું નવી વાત નથી, પરંતુ સર્વોચ્ચ અદાલત કહે છે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્યારેય જજ કે તેના વિવેકની જગ્યા લઈ શકે નહીં. અત્યંત અગત્યની વાત એ થઈ છે કે એ.આઈ.નો ઉપયોગ ક્યારેય આરોપીના જામીનની યોગ્યતા નક્કી કરવામાં, સાક્ષીઓની વિશ્વસનીયતા નક્કી કરવામાં કે કોઈ ન્યાયિક પરિણામનું અનુમાન લગાવવામાં થઈ શકે નહીં. જો કોઈ વકીલ કોર્ટમાં એ.આઈ. દ્વારા તૈયાર થયેલા ચુકાદાનો ઉપયોગ કરશે તો તે પણ સજાપાત્ર ઠરશે. કેસ મૅનેજન્ટ, અનુવાદ, કાયદાકીય સંસોધનો જેવા કામો માટે એ.આઈ.નો ઉપયોગ થશે. ન્યાય માટે નહીં. સર્વોચ્ચ અદાલતનો આ ડ્રાફ્ટ ઘણો અગત્યનો છે. જો ન્યાય પ્રક્રિયા પણ એ.આઈ. આધારિત થઈ જાય તો જોખમ વધી જાય. કાયદાકીય પ્રક્રિયા તો જીવન-મૃત્યુ સુધીની વાત છે અને તે કોઈ મિકેનિકલ કાર્યવાહી નથી. ન્યાયમાં સંવેદના કામ ન આવે, પરંતુ માનવીય વિચાર તો આવશ્યક છે જ.  

સર્વોચ્ચ અદાલતે જે કામ કાનૂની ક્ષેત્ર માટે કર્યું તે અન્ય બાબતો માટે પણ થવું હવે જરૂરી છે. બધે એ.આઈ. ધસમસતું આવી રહ્યું છે. સર્જનાત્મકતાના ક્ષેત્રે પણ તેનો પ્રવેશ થઈ ગયો છે. ક્રીપ્ટ લખવાથી માંડીને ડોક્યુમેન્ટરીઓ બનાવવા સુધીનું કામ થાય છે. રોજગારી ઉપર ખતરો છે જ. એ.આઈ. મનુષ્યે બનાવ્યું છે. મનુષ્યથી ઉપર થઈ ન શકે તેવી અવાસ્તવિક અને લાગણીભરી વાતોનો અર્થ નથી. ઈન્ફર્મેશન ટેક્નૉલૉજી, સર્ચ એન્જિન-ઈન્ટરનેટની વાત જુદી હતી. આ મામલો આખો નોખો છે. અહીં તેને નિયંત્રિત કરવો જ પડશે. માનવીય સંવેદના સર્વોપરિ છે તે બરાબર પરંતુ જેમને વેપાર કરવો છે, ઓછા સમયમાં વધારે ઉત્પાદન કરીને કમાવું છે તેમને સંવેદનાના સ્તરથી શું નિસબત, સંસ્થાઓ, વેપાર-ઉદ્યોગગૃહો પોતે સમજે અને માનવીય ગરિમા કે માનવશ્રમનું મૂલ્ય કરે તો વાત અલગ છે. સર્વોચ્ચ અદાલતે પહેલ કરી છે, આ રસ્તે ચાલવા જેવું છે. એ.આઈ.ની અવગણના નથી, પરંતુ એ.આઈ.ને લીધે સર્જનાત્મકતા, માનવીય ગરિમાની અવગણના ન થાય તે તરફ પ્રયાણ છે

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ