• બુધવાર, 18 નવેમ્બર, 2026

`એસઆઈઆર' સામે સુપ્રીમમાં 48 સવાલ

`સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન'ની પ્રક્રિયાનો મુદ્દો કૉંગ્રેસ અને સાથી પક્ષોએ બરાબર પકડયો છે. કોક્રોચ જનતા પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યા પછી થોડા સમયથી મૌન સેવી લીધું છે, પરંતુ ઈન્ડિયા સંગઠને વાત ઝાલી રાખી છે. મોટી કૂચ સર્વોચ્ચ અદાલત સુધી લઈને ગયેલા રાહુલ ગાંધીએ હવે ફરી એકવાર એક મહત્ત્વની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. 48 સવાલ પૂછીને ફરી એકવાર ચૂંટણીપંચને લોકસભામાં વિપક્ષી નેતાએ ઘેર્યું છે. અગાઉ અનેક અરજી થઈ ચૂકી છે ત્યારે હવે ચૂંટણીપંચની કાર્યપ્રણાલી સામે રાહુલ ગાંધીએ 48 સવાલોના શપથપત્ર સાથે કરેલી અરજીમાં સર્વોચ્ચ અદાલત સામે વિશેષ માગણી કરી છે. 

રાહુલ અને સાથીપક્ષોએ અણિયાળો સવાલ ઉઠાવ્યો છે કે `એસઆઈઆર', ચૂંટણીપંચની આખી આ પ્રક્રિયાનો નિર્ણય સામૂહિક હતો કે મુખ્ય ચૂંટણી કમિશનરે એકલાએ લીધો હતો? વિવેક જોશી અને એસ.એસ. સંધુએ આ પ્રક્રિયા સામે લેખિત વાંધા અને અસંમતિ નોંધાવી હતી તે રીતે અન્ય કોઈ કમિશનરે સવાલ કર્યો હતો કે નહીં? ઉલ્લેખનીય છે કે પંચ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા સર્વાનુમતે થયેલા નિર્ણયથી થઈ હતી. અૉનલાઈન ફૉર્મ નં. 6માં જે નવું ઘોષણાપત્ર જોડવામાં આવ્યું છે તે ઉમેરવાની સત્તા કોણે આપી? તે ક્યારે મંજૂર કરાયું?

મતદારયાદી નિયંત્રણ માટેની પ્રણાલીના કેન્દ્રીયકરણ પાછળ કોનો આદેશ હતો અને ખાસ તો અંતિમ મતદારયાદીઓમાંથી ગરીબ, દલિત, અલ્પસંખ્યક અને સ્થળાંતરિત મતદારોનાં નામ મોટી સંખ્યામાં કયા ધોરણે કમી કરાયાં? જોકે, એસઆઈઆર વાળો મુદ્દો હજી સાવ શાંત પડયો નથી અને આગામી વર્ષે ગુજરાત, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે પડવાનો પણ નથી, પરંતુ થોડા સમયથી જે મોરચો થોડો ઢીલો હતો ત્યાં આ સવાલ-અરજીને લીધે પુન: ગરમી આવી ગઈ છે. રાહુલ ગાંધીએ ઉઠાવેલા આ 48 પ્રશ્ન માત્ર રાજકીય નથી. બંધારણીય સંસ્થાની આંતરિક પારદર્શકતા તથા વિશ્વસનીયતા અને સામૂહિક નિર્ણય લેવાની પદ્ધતિ સાથે સંકળાયેલા છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ