• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

યુદ્ધવિરામ એ જ કલ્યાણ

ઈરાનને પાષાણ યુગમાં પહોંચાડી દઈશું અને તેના પાવર પ્લાન્ટ અને પુલોને ઉડાડી મૂકશું એવી ધમકીઓ આપ્યા પછી ડૉનાલ્ડ ટ્રમ્પે બાવીસમી એપ્રિલે શસ્ત્રવિરામની ડેડલાઈન પૂરી થવાને ગણતરીના કલાકો બાકી હતા ત્યારે એકપક્ષી જાહેરાત કરી વધુ બે અઠવાડિયાં માટે યુદ્ધવિરામ કરી નાખ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે, આ નિર્ણય પાકિસ્તાને કરેલી વિનંતીને પગલે અને ઈરાનની સરકારમાં અનેક ફાંટા-ફિરકા છે, એ જોતાં લેવાયો છે. જોકે, અમેરિકા યુદ્ધ જીતી રહ્યું છે, એ રાગ તેમણે જારી રાખ્યો છે. 21મી માર્ચે ટ્રમ્પે તહેરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું ત્યારથી તેઓ યુદ્ધમાંથી બહાર નીકળવાનો સન્માનજનક માર્ગ શોધી રહ્યા છે. આ અલ્ટિમેટમ દસ દિવસ લંબાવ્યા બાદ બે અઠવાડિયાંનું યુદ્ધવિરામ અને હવે કોઈ સમયમર્યાદા વિનાના સીઝફાયરની જાહેરાત કરી છે. ટ્રમ્પ યુદ્ધથી દૂર થવા રઘવાયા થયા છે, કેમ કે લેબનોન સાથે યુદ્ધવિરામ કરવા માટે ઇઝરાયલને મનાવી લેવા ઉપરાંત પરમાણુ ક્ષમતા માટે આવશ્યક એવા યુરેનિયમના સમૃદ્ધીકરણને બંધ કરવાની શરત પરથી તેઓ વીસ વર્ષ માટે આના પ્રતિબંધ માટે તૈયાર થયા છે. અત્યારે ભલે આખી પરિસ્થિતિ મડાગાંઠ સર્જાયા જેવી લાગતી હોય અને કોણ નમતું જોખે છે કે કોણ મચક આપશે એ કહેવું મુશ્કેલ જણાતું હોય, છતાં એક વાત સ્પષ્ટ છે કે યુદ્ધમાં કલ્યાણ કોઈનું જ નથી.

ચર્ચાઓનો દોર પૂરો થતો નથી ત્યાં સુધી તહેરાનને સમય આપવા માટે યુદ્ધવિરામ જારી રહેશે, એવું ટ્રમ્પે કહ્યું છે. જોકે, ટ્રમ્પ બોલે એક અને કરે બીજું એનો અનુભવ સવા વર્ષના ટૂંકા ગાળામાં આખા વિશ્વને થઈ ગયો છે. ઈરાન પણ નમતું જોખવા તૈયાર નથી અને ખાસ તો હૉર્મુઝની ખાડીનો ઉપયોગ હુકમના એક્કા તરીકે કરવા માગે છે અને અહીં અમેરિકાએ કરેલી નાકાબંધી દૂર નહીં થાય ત્યાં સુધી વાટાઘાટો નહીં કરવાની રૂખ લીધી છે. ટ્રમ્પ વારંવાર એક ગર્ભિત ચીમકી ઉચ્ચારતા રહે છે કે, અમેરિકાના સૈનિકો સજ્જ છે અને ગમે ત્યારે ઈરાનની ધરતી પર ઉતરી શકે છે. જોકે, અત્યારે તો દૂરથી હુમલા કરી ઇઝરાયલ-અમેરિકાએ ઈરાનને ખાસ્સું નુકસાન પહોંચાડ્યું છે અને પોતે પણ ખર્ચના ખાડામાં ઉતર્યા છે. વળી, આજે પણ ઈરાન દસ લાખ સૈનિકોને ઊભા કરી શકે છે, જેમાં તેના નિયમિત સૈન્ય ઉપરાંત ઈસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ્સ અને ભાડૂતી મારાઓનો સમાવેશ થાય છે. અમેરિકા પાસે સૈન્યબળ મર્યાદિત છે અને રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિમાં 18થી પચીસ વર્ષની વયનાં તમામ સ્ત્રી-પુરુષો માટે લશ્કર ભરતી ફરજિયાત કરી શકાય એમ છે, પણ એના માટે દેશની સંસદ કૉંગ્રેસની મંજૂરી જરૂરી છે, જે મળવી મુશ્કેલ છે. વળી, અમેરિકા કોઈના યુદ્ધમાં વચ્ચે નહીં પડે એવા વચન પર ટ્રમ્પ ચૂંટણી જીત્યા હોવાથી આ વર્ષે મધ્યસત્ર ચૂંટણીમાં વળતાં પાણી થવાનું જોખમ જોતાં તેઓ આવું જોખમ લે નહીં. ટૂંકમાં, સંઘર્ષને વધુ તીવ્ર બનાવવાનું અમેરિકાને પાલવે એમ નથી અને શરૂઆતથી આ જ વાત ફરી ફરી સામે આવી રહી છે. ટ્રમ્પ મહિનાના અંતે વાશિંગ્ટન આવી રહેલા પ્રિન્સ ચાર્લ્સ ત્રીજાની અમેરિકા મુલાકાતની તૈયારીઓમાં વ્યસ્ત છે અને એ પછી મે મહિનાની મધ્યમાં તેઓ ચીન યાત્રાએ જવાના છે, આથી અત્યારે તો તેમનો ઍજેન્ડા અને હાથ બંને ભરેલા છે.