• બુધવાર, 08 જુલાઈ, 2026

અમેરિકાની આઝાદીના અઢી સૈકા

મહાસત્તા અમેરિકામાં આઝાદીનો મહોત્સવ આરંભાયો છે. 4 જુલાઈ, 1776ના રોજ બ્રિટનથી સ્વતંત્ર થઈ પોતાનું ઘોષણાપત્ર અમેરિકાએ જાહેર કર્યું હતું. ઐતિહાસિક દિવસ પછી ઇતિહાસ હંમેશાં અમેરિકાની નોંધ લેતો રહ્યો છે. અઢી સદી વિશ્વના વિકાસ અને ક્રાંતિ માટે ઓછી અવધિ નથી અને ગાળામાં અમેરિકાનું યોગદાન કહો કે ભૂમિકા તે મહત્ત્વનાં રહ્યાં છે. 13 બ્રિટિશ વસાહતો સુધી વિસ્તરેલો દેશ આજે 50 રાજ્ય ધરાવે છે, વિશ્વનો ચોથા નંબરનો મોટો દેશ છે. ભારતના વડા પ્રધાન અને વિદેશપ્રધાને સ્વાભાવિક રીતે અમેરિકાને શુભેચ્છા આપી છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને અમેરિકા વિશ્વની સૌથી જૂની લોકશાહી છે, સંબંધ અગત્યનો છે

ભારત અને અમેરિકા વચ્ચે વિશ્વની સૌથી મોટી વ્યાપારી ભાગીદારી છે. 50 લાખથી વધારે ભારતીયો અમેરિકામાં વસવાટ કરે છે, તબીબી વ્યવસાય, ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી સહિતના ક્ષેત્ર અગ્રેસર છે. આધુનિક ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રે અમેરિકાએ વિશ્વનું નેતૃત્વ કર્યું છે. ગૂગલ હોય કે માઈક્રોસોફ્ટ કે પછી વિશ્વને એક તાંતણે જોડનારી ઇન્ટરનેટ સેવા કે અંતરીક્ષમાં ભમીને સંશોધનો કરતું સંસ્થાન નાસા હોય. અમેરિકાએ વિશ્વ સ્તરે કામ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ, વર્લ્ડ બૅન્ક જેવી વિશ્વ સ્તરની સંસ્થાઓની સ્થાપના અમેરિકાએ કરી છે. કલા-ફિલ્મ ક્ષેત્રે હૉલીવૂડ જગવિખ્યાત છે

સ્વતંત્રતા દિવસ સમારોહના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પ્રત્યે તો પોતાનો રોષ વ્યક્ત કર્યો પરંતુ તેમણે સ્પષ્ટ કહ્યું કે, સામ્યવાદને અમે ક્યારેય અહીંયા પોષશું નહીં. અમેરિકાની સંસ્કૃતિ સામ્યવાદને કોઈ રીતે સ્વીકારતી નથી. લોકશાહી માટે જેનું ઉદાહરણ અપાય છે તેવા અમેરિકાએ વલણ સ્પષ્ટ કર્યું છે તેની સાથે આટલાં વર્ષે પણ રંગભેદની સામાજિક અસમાનતા ક્યાંક જીવે છે. સામાજિક માળખું કંઈક એવું છે કે, કિશોરાવસ્થામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ અમેરિકા માટે નવી વાત નથી. ભારત સાથે અમેરિકાના સંબંધો એકંદરે સારા રહ્યા છે. વિશ્વના અન્ય દેશોને સ્વતંત્રતા ચળવળ માટે અમેરિકાએ કોઈ ને કોઈ પ્રેરણા આપી છે. આમ તો દરેક પ્રમુખનું પોતાનું યોગદાન રહ્યું છે પરંતુ જ્યોર્જ વૉશિંગ્ટન ગણમાન્ય પ્રમુખ રહ્યા. અમેરિકાના વિકાસ માટે તેમણે પાયાનું કાર્ય કર્યું. દેશના સોળમા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સ્થાન પામે છે

ગૃહયુદ્ધ સમયે અમેરિકાની એકતા જાળવવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું. લોકશાહીની પ્રખ્યાત વ્યાખ્યા- લોકોનું, લોકો દ્વારા અને લોકો માટેનું શાસન તે લિંકને આપી છે. જોકે, આજનું અમેરિકા અનેક રીતે અલગ પડે છે. વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમલી બનાવેલી ટેરિફ નીતિ, વિયેતનામ અને ઈરાન યુદ્ધો અને તેને કારણે વિશ્વના અન્ય દેશોને થયેલા નુક્સાને અમેરિકાની છબી ધૂંધળી કરી છે. 250 વર્ષનો મોટો કાળખંડ છે, તેમાં ઘણું બધું થયું છે, હજુ ઘણું થશે. અમેરિકાના કેટલાક અયોગ્ય કહેવાતાં કામોને લીધે તેણે વૈશ્વિક સ્તરે કરેલાં કામની અવગણના થઈ શકે નહીં. હવે જ્યારે આવડો મોટો અને જૂનો દેશ છે ત્યારે વિશ્વના અન્ય દેશો માટે ઔદાર્ય બતાવવું તે અમેરિકાનું ઉત્તરદાયિત્વ છે.  

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ