• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

આતંક મુદ્દે પાકિસ્તાનનાં બેવડાં ધોરણ

આતંકવાદને પોષવાના પાકિસ્તાનના ગુના હવે તેને વિશ્વમંચ પર સતત બેનકાબ કરી રહ્યા છે. હાલત એવી થઈ છે કે, આ મામલે અણિયારા સવાલોના જવાબ આપવાની હિંમત પાકિસ્તાની નેતાઓ પાસે રહી નથી. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મંચ પરથી આતંકવાદની સામે લડાઈની બડાઈ ફૂંકનારા પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફને પત્રકારોએ લશ્કર-એ- તોયબાના સ્થાપક હાફિઝ સઈદ અને અન્ય આતંકીઓને આશ્રય આપવા અંગે સવાલ કર્યો હતો. શરીફને પાકિસ્તાન આવા આતંકીઓને આશ્રય આપવાનું બંધ કરશે કે કેમ અને સઈદની સામે ક્યારે કાર્યવાહી થશે એવો સવાલ પણ કર્યે હતો. પાકિસ્તાની વડા પ્રધાન મૌન સાધીને આગળ વધી ગયા હતા. સ્પષ્ટ છે કે તેમની પાસે કોઈ જવાબ હતો જ નહીં. 

શરીફને સવાલ ભલે પત્રકારોએ કર્યા હોય પણ હવે આ પ્રશ્નો આતંરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની આતંકવાદની નીતિના સંદર્ભે સતત ચર્ચાતા થયા છે. પાકિસ્તાનની હાલત બહુ વિચિત્ર છે. એક તરફ તો તે પોતે આતંકવાદનો ભોગ બની રહ્યાની કાગારોળ કરે છે, તો ભારત સહિતના દેશો તેની ધરતી પરથી સક્રિય આતંકી સંગઠનો અને તેમાં ઇસ્લામાબાદની સીધી સંડોવણીના પુરાવા સાથે આરોપ મૂકી રહ્યા છે. આ આરોપોમાં મજબૂત પુરાવો હાફિઝ સઈદનો છે.  સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી પરિષદે તેના પર પ્રતિબંધ લાદ્યા છે. મુંબઈના આતંકી હુમલા અને તે પછી હાલના પહેલગામના આતંકી હુમલામાં સઈદ અને તેના લશ્કર-એ- તોયબાની સંડોવણી રહી છે. આવામાં પાકિસ્તાની વડા પ્રધાનને તે અંગેના સવાલ પુછાય તે યોગ્ય છે. 

ઉલ્લેખનીય બાબત એ છે કે, ખુદ શાહબાઝે સંયુક્ત રાષ્ટ્ર સંઘના મંચ પરથી આતંકવાદની વિરુદ્ધ પાકિસ્તાનના જંગનો દાવો કરી ચૂક્યા છે અને આમ કરતી વેળાએ તેમણે આતંકવાદમાં તેમના દેશનો હાથ હોવાનો આડકતરો સ્વીકાર પણ કરી લીધો હતો, પણ આજના સમયમાં દુનિયાને આવા દાવા પર રતીભર પણ વિશ્વાસ બેસતો નથી. આ માટે નક્કર પગલાં કેટલા લેવાઈ રહ્યા છે તેના પર વિશ્વની નજર મંડાયેલી રહે છે. સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી પાકિસ્તાનની કથની અને કરણી વચ્ચેના અંતરને સ્પષ્ટ રીતે નેતાઓએ અને પત્રકારોએ કળી લીધું હતું. સરવાળે આતંકના મામલે પાકિસ્તાનનાં બેવડાં વલણનો પર્દાફાશ થઈ ગયો.

ઇ-પેપરના નવા શુલ્ક