• ગુરુવાર, 01 ઑક્ટોબર, 2026

સ્ત્રી સુરક્ષા અને સુપ્રીમની કરડાકી

દિલ્હી-એનસીઆરમાં છેલ્લા થોડા સમય દરમિયાન સામે આવેલી દુષ્કર્મની ઘટનાઓ તથા ખાસ તો પાર્કમાં 17 વર્ષની સગીરા સાથે ગૅંગરેપની ઘટનાની સુઓ મોટો નોંધ લેતા સર્વોચ્ચ અદાલતે કાયદાની અમલબજાવણી તથા જનતાની સુરક્ષાની ખાતરીમાં તંત્રની નિષ્ફળતા છે, એવા કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. 2012માં નિર્ભયા કાંડની પીડાદાયક યાદો અને સમાનતાઓને યાદ કરાવતી ઘટનાઓ વિશે જસ્ટિસ જે. બી. પારડીવાલાએ સવાલ કરતાં કહ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં કાનૂન-વ્યવસ્થા લાગુ કરવાના તંત્રમાં કોઈ ખરેખર સાર્થક સુધારો થયો છે ખરો? એકાદ મહિનાથી ઓછા ગાળામાં દિલ્હીમાં જાતીય સતામણીના ઓછામાં ઓછા 13 કેસીસ સામે આવ્યા છે, જેમાં ગ્રેટર નોયડાથી દિલ્હી જઈ રહેલી ચાલુ સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા પર કથિત સામૂહિક બળાત્કાર તથા કૉલેજ પાર્ક પાસે પોલીસ અધિકારી હોવાનો દાવો કરી અન્ય એક કિશોરી પર થયેલા બળાત્કારના મામલાનો તેમાં સમાવેશ થાય છે. આ ઘટનાઓ ભલે અલગ-અલગ હોય પણ આ બધામાં તંત્રની ખામીઓ તથા સ્ત્રીઓને સુરક્ષિત વાતાવરણ આપવાની નિષ્ફળતા ધ્યાન ખેંચનારી બાબત છે. અદાલતે આ બાબતની નોંધ લીધા બાદ દિલ્હીમાં વિદ્યાર્થીઓએ વ્યાપક દેખાવો કર્યા અને સ્ત્રી સલામતી બાબતે તાકીદે અને આકરાં પગલાં લેવાની માગ કરી. દિલ્હી સરકારનાં સીએમ રેખા ગુપ્તાએ પણ તંત્રની ખામીઓ-ક્ષતિઓનો સ્વીકાર કરી સુરક્ષા વધુ કડક બનાવવાની બાંયધરી આપી છે અને તેના પગલે પોલીસે પણ વ્યવસ્થા કડક બનાવી છે. સવાલ થાય કે સર્વોચ્ચ અદાલતે આની નોંધ લીધી અને ટકોર કરી એ પછી આવેલી સક્રિયતા પહેલેથી જ હોવી જોઈતી હતી.

નિર્ભયા કાંડ પછી સ્ત્રીઓ સામેના ગુનાઓને લઈને વિવિધ રાજ્યોમાં તથા કેન્દ્ર સરકારે પણ ફાસ્ટ કોર્ટ તથા કડક સજા અને સમયસર કેસનો નિવેડો આવે એવી વ્યવસ્થા કરી છે. જોકે, આમ છતાં છેલ્લા એક મહિનામાં દિલ્હીમાં જાતીય સતામણીના 13 જેટલા કેસ નોંધાયા છે. આ શ્રેણીબદ્ધ ઘટનાઓને પગલે સર્વોચ્ચ અદાલતની જે. બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે ગુસ્સો તથા અસંતોષ વ્યક્ત કરતાં કહ્યું કે, બગીચાઓ, મેટ્રો સ્ટેશન, રસ્તા, બસો, સબવે અને ફૂટબ્રિજ જેવી સાર્વજનિક જગ્યાઓ જોખમી બનતી જાય છે. સ્ત્રીઓની જાતીય સતામણી થાય એ પછી તેમની પડખે ઊભા રહેવું એ આ સામાજિક દૂષણનો ઉકેલ નથી, નજરે ચડે એવાં પગલાં તથા ગુનાખોરી રોકવાની તથા ચોક્કસ વર્ગના લોકોનું રક્ષણ કરવાની જવાબદારી જેમની છે એવા અધિકારીઓને ઉત્તરદાયી બનાવવા એ સમયની માગ છે. સુપ્રીમ કોર્ટે માત્ર ઝાટકણી કાઢી સંતોષ ન માનતા હંગામી પગલાં તરીકે ચાર અઠવાડિયાંમાં દિલ્હી પોલીસ કમિશનરને દરેક વિસ્તારમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અૉફ પોલીસ દરજ્જાના અધિકારીના વડપણ હેઠળ સમર્પિત પોલીસ ટીમ બનાવવાના નિર્દેશ આપ્યા છે. આ ટીમે તાકીદે બગીચા, બજારો, ટ્રાન્સપોર્ટ હબ, શૈક્ષણિક સંસ્થાઓ તથા અવાવરુ જગ્યાઓનું સર્વેક્ષણ કરી સ્થાનિક લોકોની મદદ તથા ભૂતકાળની ફરિયાદોના આધારે એવાં સ્થળોને શોધી કાઢી ત્યાં પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે આ મોરચે જે હિદાયતો આપી છે, તેનું હવે પૂરતું પાલન થશે જ, પણ સમય આવી ગયો છે કે, કાયમી ધોરણે આ નિર્દેશો પર અમલ થાય.

ઇ-પેપરના નવા શુલ્ક