• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

પર્વનો આનંદ, પર્યાવરણની ચિંતા

દિવાળીના પર્વની ઉલ્લાસથી ઉજવણી થયાનો આનંદ અને સંતોષ વ્યક્ત થઈ રહ્યો છે તેની સાથે પ્રદૂષણની ચિંતા પણ વધી છે. એક તરફ પરંપરા, બીજી બાજુ પર્યાવરણ. દીપોત્સવની રાતે દેશનાં અનેક શહેરોમાં હવાની ગુણવત્તા અને એકંદર સ્થિતિ ગંભીર હતી. આ પર્વનું જે વાતાવરણ સમગ્ર દેશમાં દેખાયું તેનાં અન્ય પાસાં પણ છે, પરંતુ સૌથી અગત્યનો મુદ્દો પ્રદૂષણ છે. દ્વિધા કે દ્વંદ્વ તો એ છે કે ન તો પરંપરા ઉપર રોક લગાવી શકાય કે ન પ્રદૂષણના મુદ્દાની પણ અવગણના કરી શકાય.

દિલ્હીમાં શિયાળામાં પ્રદૂષણ વધે, `એક્યુઆઇ' એટલે કે વાતાવરણમાં પ્રદૂષણનો આંક 400થી ઉપર જાય તો પણ ખતરાની ઘંટી જેવા શબ્દપ્રયોગ થવા લાગે. હવાને ઝેરીલી બનતાં રોકવા માટે અહીં મોટરકારના પરિવહન ઉપર `ઓડ-ઈવન' જેવાં નિયંત્રણો મુકાવા સહિતનાં પગલાં લેવાયાં. હવાના આ વિકરાળ અને વિષાક્ત સ્વરૂપનો અનુભવ આ વર્ષે દેશભરમાં થયો. દિવાળીની રાત્રે રાજકોટમાં `એક્યુઆઇ' 1000ને પાર કરી ગયો, મુંબઈમાં પણ સ્થિતિ ગંભીર હતી. ગયા વર્ષે દિવાળીએ 134 એક્યુઆઇની સરખામણીએ આ વર્ષે 172નો આંકડો ગંભીર ગણાય.

દિવાળી પૂર્વે ફટાકડાની કિંમતમાં વધારો, મોંઘવારી, નબળું વરસ એવી વાત સતત આવી હતી. ત્રણ દિવસમાં આ બધું અભેરાઈ પર ચડી ગયું. મોંઘવારી ધુમાડો બની ગઈ, લોકોએ ભરપૂર આનંદ કર્યો. ખરીદી પણ થઈ, લોકોએ પ્રવાસ પણ કર્યો. ફટાકડા પણ ફોડયા. પ્રદૂષણ આટલું વધી જાય એટલા ફટાકડા ફૂટયા હોય તો આખા દેશમાં જે થયું તેના આંકડા તો કેવા અને કેટલા હશે?

ફટાકડા ફોડવામાં લોકોએ સંયમ રાખવો જોઈએ, પ્રતિબંધ આવવો જોઈએ એવી ચર્ચા થઈ રહી છે. સામે દલીલ એવી પણ છે કે શું ફક્ત ફટાકડાને લીધે જ પ્રદૂષણ છે? તહેવાર હોય ત્યારે જ આવું યાદ આવે? આ વિવાદનો વિષય નથી. તહેવાર સમયે પરિવહન પણ વધે તે સાચી વાત છે. પર્યાવરણની જાળવણી પણ અનિવાર્ય છે. પર્વ થોડા દિવસનું હોય, પર્યાવરણની દરકાર કાયમ કરવાની છે. સામાન્ય દિવસોમાં પણ વાહનોનો મર્યાદિત ઉપયોગ, વૃક્ષારોપણ જેવી કાળજી રાખવામાં આવે તો થોડા દિવસો પૂરતા પ્રદૂષણને પૃથ્વી થોડું વધારે ઝીરવી શકે. તેમ છતાં એક વાત નક્કી કે દિવાળીના ઉજાગરા પછી હવે પર્યાવરણ માટે જાગવાનો તો સમય છે જ.