• ગુરુવાર, 12 નવેમ્બર, 2026

દિવાળી અને મુંબઈની અગ્નિપરીક્ષા

આ વખતે દિવાળી મુંબઈ, થાણે, નવી મુંબઈમાં ફટાકડાને કારણે લાગેલી આગના 390 જેટલા કિસ્સા નોંધાયા, એકલા મુંબઈમાં 137 આગની ઘટનાઓ ફટાકડાને કારણે ઘટી હતી, આ આંકડા અસાધારણ છે અને સખેદ નોંધવું પડે છે કે વિક્રમી છે. આગ લાગવાનું કારણ સ્પષ્ટ છે અને તેને પહોંચી વળવામાં ફાયરબ્રિગેડ ખાતું ઊણું ઊતર્યું છે એની પાછળનાં કારણો ચિંતાજનક છે. ફટાકડાને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાઓનો ઊંચો આંકડો ત્યારે છે જ્યારે બૉમ્બે હાઈ કોર્ટે ફટાકડા ફોડવા પર નિયંત્રણો લાદ્યા છે. દેખીતી રીતે જ આ નિયંત્રણો કે બંધી કાગળ પર જ રહી છે અને બીજી તરફ વિકસી રહેલા મુંબઈ સાથે તાલ મિલાવી શકે એ રીતે સુવિધાઓ-વ્યવસ્થાનો વિકાસ થયો નથી એ કડવી વાસ્તવિકતા છે.

એક અહેવાલ મુજબ, છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈમાં પંદર માળથી ઊંચી આશરે સાડા પાંચ હજાર ઇમારતો ચણાઈ છે અને છતાં પચીસમા કે 27મા માળ સુધી પહોંચી શકે એવી 90 મીટર લાંબી સ્નોર્કેલ સીડી માત્ર બે જ છે, આમાંની એક બોરીવલી અને એક ભાયખલાના ફાયર સ્ટેશનમાં છે. જોકે, આનાથી પણ મોટી ખામી એ કે, શહેર જે રીતે વિસ્તર્યું છે એ જોતાં સો જેટલાં ફાયર સ્ટેશન હોવાં જોઈએ, એની સામે અત્યારે માત્ર 36 બંબાખાનાં છે. અંધેરીનું જ ઉદાહરણ લો-અહીંના લોખંડવાલા અને ઓશિવારા વિસ્તારમાં પાંચેક લાખ લોકો રહે છે અને વર્ષે દહાડે આગની દસથી બાર ઘટનાઓ બને છે અને 2016થી અહીંના ચિત્રકૂટ ગ્રાઉન્ડ પાસે બંબાખાનાની માગ સ્થાનિકો કરી રહ્યા છે. અહીં આગ લાગે ત્યારે તેને નિયંત્રણમાં લેવા માટે છેક ઈર્લા અને ગોરેગામથી ફાયર એન્જિન આવે છે.

મુંબઈની સાંકડી ગલીઓ, ટ્રાફિક અને આડેધડ પાર્કિંગને કારણે ઘણીવાર એવું થતું હોય છે કે, આગ બુઝાવવા માટે જતાં ઈમર્જન્સી વેહિકલને પહેલા ઘટનાસ્થળે પહોંચતાં રસ્તા પર પાર્ક કરેલાં વાહનો હટાવવા પડે છે. વળી, ફાયરબ્રિગેડમાં માનવબળની કાયમી અછત છે. મુંબઈની ભૌગોલિક સીમાઓ વિસ્તરવા સાથે ઇમારતોની ઊંચાઈ પણ વધી રહી છે છતાં અગ્નિશમન દળની માળખાકીય સુવિધાઓમાં સમયને અનુરૂપ ફેરફાર થયા નથી. ચેમ્બુર, ડોંગરી, અંધેરી, કુર્લા સહિતના છ વિસ્તારોમાં ગત રવિવારે ફટાકડાને કારણે મોટી આગ લાગી હતી અને ફાયરબ્રિગેડના કર્મચારીઓ સતત ખડે પગે હતા. સદનસીબે, આગની આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને મુંબઈ, થાણે અને નવી મુંબઈ પાલિકાએ રૉકેટ તથા હવામાં ઊડતાં તમામ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, ગેરકાયદે ફટાકડા વેચનારાઓ સામે 27 એફઆઇઆર તથા ઊંચા અવાજના ફટાકડા ફોડવા સંબંધી ત્રણ હજાર ફરિયાદો, રસ્તે રખડતાં 30થી વધુ પ્રાણીઓને દાઝવાને કારણે ઈજાના કેસ પણ સામે આવ્યા છે, જે દેખાડે છે કે હાઈ કોર્ટે મૂકેલા પ્રતિબંધની અમલબજાવણીમાં તંત્ર દ્વારા કચાશ-ઢીલ રહી ગઈ છે. ક્યાં સુધી સામાન્ય માનવીની સુરક્ષા-સલામતી આમ જ નસીબના ભરોસે રહેશે?