• શનિવાર, 20 એપ્રિલ, 2024

મલબાર હિલના રિજ રોડ પર પાર્કિંગની સુવિધા અચાનક પાછી ખેંચાતાં રહેવાસીઓ હેરાન  

આરટીઓ દ્વારા ફટકારવામાં આવતો દંડ, ધ્વનિ પ્રદૂષણ સામે કરાયેલી ફરિયાદોનો હજી કોઈ નિકાલ નથી આવ્યો 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : મુંબઈમાં પાર્કિંગની સમસ્યા ગંભીર બની રહી છે. ગીચ વસતીને કારણે રસ્તા પર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા વધી જતી હોવાથી પ્રશાસન દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા છે, પરંતુ આ નિયમોને કારણે મલબાર હિલના રહેવાસીઓ હેરાન થઈ ગયા છે. 

ટ્રાફિક વિભાગ અને ધ્વનિ પ્રદૂષણ વિભાગ દ્વારા ડી વૉર્ડમાં મલબાર હિલના બી. જી. ખેર માર્ગ (રિજ રોડ)ને નો-પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે ત્યારે રાતોરાત આ નિયમ લગાવવામાં આવ્યા બાદ રહેવાસીઓ હેરાન થઈ ગયા છે. મલબાર હિલના રહેવાસીઓ દ્વારા પોલીસ અધિકારીઓ, સાંસદો, વિધાનસભ્યો અને અન્ય નેતા-અધિકારીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી તેમને ફક્ત આશ્વાસનો જ મળ્યા છે, પરંતુ હજી સુધી તેમની સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. 

મલબાર હિલ રેસિડન્ટ્સનું પ્રતિનિધિમંડળ ત્રીજી એપ્રિલ, 2023ના જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) પ્રવીણ પડવાલને મળ્યા હતા અને પાર્કિંગ બોર્ડનું બોર્ડના ફોટા પણ દેખાડયા હતા, પરંતુ આ બોર્ડ પોલીસ દ્વારા રાતોરાત દૂર કરવામાં આવ્યું હતું. પડવાલે આ પ્રકરણે ધ્યાન આપવાનું કહ્યું હતું, પરંતુ હજી કોઈ ઉકેલ આવ્યો નથી, એમ મલબાર હિલ રેસિડન્ટ્સની કોર કમિટીના સભ્ય પ્રકાશ મુનશીએ જણાવ્યું હતું. 

વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢાએ પણ એડિશનલ પોલીસ કમિશનર નિસાર તંબોલી સાથે 19મી એપ્રિલ, 2023ના રહેવાસીઓ સાથે મુલાકાત કરી હતી અને લોઢાએ અમુક સલાહ-સૂચનો પણ આપ્યા હતા. તેમ છતાં હજી સુધી અમારી સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો ન હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. 

60 વર્ષથી પાર્કિંગની કોઈ સમસ્યા નહોતી અને રાતોરાત આ વિસ્તારને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો. વાહન પાર્ક કરવા પર આરટીઓ દ્વારા ફોટા પાડીને રૂા. 1500નો ઇ-ચલાન દ્વારા દંડ ફટકારવામાં આવે છે. આ દંડ ભરવો વૃદ્ધો માટે મુશ્કેલ છે. ખોટી રીતે વાહનો પાર્ક કરવા માટે દંડ ફટકારવામાં આવ્યો હોવાનું ટ્રાફિક વિભાગ દ્વારા જણાવવામાં આવે છે, એમ પ્રકાશ મુનશીએ જણાવ્યું હતું. 

આ સિવાય અહીં મોટા નેતાઓના નિવાસસ્થાન આવેલા હોવાથી હંમેશાં પોલીસના વાહનો અને અન્ય વાહનોની અવરજવર વધુ હોય છે. તેમની અવરજવર વખતે પોલીસ દ્વારા જોરજોરથી સિટીઓ વગાડવામાં આવતી હોય છે, જેને કારણે ધ્વનિ પ્રદૂષણ વધુ થતું હોય છે. સહ્યાદ્રી ગેસ્ટહાઉસ પણ અહીં હોવાથી વારંવાર ત્યાં રાજકીય બેઠકો યોજાતી હોય છે, તેથી પણ વાહનોની અવરજવર અહીં વધુ હોય છે, એમ તેમણે જણાવ્યું હતું.

વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢાએ અહીંના રહેવાસીઓ માટે પાર્કિંગની ચોક્કસ જગ્યા નક્કી કરવા, કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી જૈસે થેની સ્થિતિ જાળવી રાખવા, પહેલાની જેમ વન-સાઈડ પાર્કિંગ ચાલુ રાખવા, ઇ-ચલાન ન કાપવા, સ્થાનિક રહેવાસીઓ સાથે બેઠકો યોજીને આ સમસ્યાનો ઉકેલ લાવવા તથા અહીં પોલીસ વાહનો દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણને દૂર કરવા માટે ઉકેલ લાવવા જેવા સૂચનો આપ્યા હતા, પણ હજી કોઈ ઉકેલ આવ્યો નથી.

50-60 વર્ષથી અહીં પાર્કિંગની કોઈ સમસ્યા નહોતી, પરંતુ અચાનક ટ્રાફિક પોલીસને શું વાંધો પડયો છે? પહેલાથી જ વન-સાઈડ પાર્કિંગની પરવાનગી આપવામાં આવતી હતી. આ રહેવાસી વિસ્તાર હોવાથી વાહનોથી થતા ધ્વનિ પ્રદૂષણ અંગે પણ નિકાલ આવવો જોઈએ. પાલિકા, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, સાંસદો, વિધાનસભ્યો વગેરેને અમારી સમસ્યા સાથે અવગત કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં અમારી સમસ્યાનો નિકાલ આવશે એવી અમને આશા છે, એમ પ્રકાશ મુનશીએ જણાવ્યું હતું. 

ઇમારતના ગેટ પર હેરાનગતિ ન કરવા અને રિજ રોડ પાર્કિંગ માટે પરવાનગી આપવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે.