• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

ભાજપનો દબદબો આગળ વધે છે

વિધાનસભા, મહાપાલિકા અને નગરપાલિકા બાદ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણીઓમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. 12 જિલ્લા પરિષદોની ચૂંટણીઓમાંથી છ જિલ્લાઓમાં ભાજપને બહુમતી મળી છે અથવા સૌથી વધુ બેઠકો જીતનાર પક્ષ તરીકે ઊભર્યો છે. જીતેલી બેઠકોની દૃષ્ટિએ અજિત પવારનો પક્ષ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ બીજા ક્રમે છે અને શિંદેસેના ત્રીજા સ્થાને છે. જિલ્લા પરિષદમાં 225 તથા પંચાયત સમિતિમાં 459 બેઠકો જીતી ભાજપ પહેલા ક્રમનો પક્ષ બન્યો છે. અજિત પવારના નિધન પછી યોજાયેલી ચૂંટણીઓમાં તેમના પક્ષને મતદારોની સહાનુભૂતિનો લાભ મળ્યો છે. પુણે જિલ્લા પરિષદની 73માંથી 51 બેઠકો જીતી રાષ્ટ્રવાદી પાર્ટીએ એકલા હાથે સત્તા કબજે કરી છે તો કોલ્હાપુરમાં તેમને સૌથી વધુ બેઠકો મળી છે. શિંદેસેના વિધાનસભા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં બેઠકોની સંખ્યા બાબતે બીજા સ્થાને હતી, પણ આ વખતે તેઓ બહુ ઓછા તફાવતથી ત્રીજા સ્થાને છે. સોલાપુર અને સિંધુદુર્ગ જિલ્લા પરિષદમાં બહુમત ભાજપ તરફ છે, તો સાતારા, છત્રપતિ સંભાજીનગર, પરભણી, ધારાશિવ એમ ચાર જિલ્લામાં તેને સૌથી વધુ બેઠકો મળી છે. ભાજપ અને શિંદેસેના બન્નેનું વજન અનુક્રમે પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણમાં વધ્યું છે. પશ્ચિમ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં તથા સહકારી સંસ્થાઓનું પ્રાબલ્ય છે, એવા વિસ્તારોમાં ભાજપનાં મૂળિયાં ઊંડાં ઊતરી રહ્યાનું ચિત્ર આ પરિણામો પરથી જોવા મળે છે. તો અખંડ શિવસેનાનો ગઢ ગણાતા કોંકણમાં શિંદેસેનાએ પોતાનો દમ દેખાડયો છે અને ખાસ તો નારાયણ રાણેનું વર્ચસ ધરાવતાં રત્નાગિરિ જિલ્લામાં તેમનો પગપેસારો સૂચક છે. નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર) અને શિવસેના (ઉબાઠા) અને કૉંગ્રેસને સંયુક્તપણે જેટલી બેઠકો મળી છે, એના કરતાં વધુ સીટ્સ તો અજિત પવાર અને એકનાથ શિંદેના પક્ષે એકલા હાથે મેળવી છે. કૉંગ્રેસે લાતુરમાં તો શરદ પવારના રાષ્ટ્રવાદી પક્ષને સાંગલીમાં સફળતા મળી છે. જોકે, સૌથી ખરાબ હાલત શિવસેના (ઉબાઠા)ની થઈ છે. 

મહાનગર, ટાયર-ટુ સિટી અને હવે ગ્રામીણ ક્ષેત્રોમાં ભાજપે મેળવેલી સફળતા અભૂતપૂર્વ એ રીતે પણ છે કે, 2017માં આ ચૂંટણીઓમાં મળેલી બેઠકોની સંખ્યાનો વિક્રમ આ વખતે તૂટયો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ અને કાર્યપ્રણાલીનો આ વિજય છે. શરદ પવાર અને અજિત પવારના પક્ષો અનેક જગ્યાએ સાથે લડયા હતા, છતાં સહાનુભૂતિની લહેરની અસર પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે. ભાજપની હેટટ્રિક અને વિજયની પૅટર્નને નજરઅંદાજ કરી શકાય એમ નથી.