• શનિવાર, 21 નવેમ્બર, 2026

મુંબઈગરો વીઆઇપી નથી?

એકાએક મુંબઈના રસ્તા ચોખ્ખાચણાક કે પછી ફૂટપાથ પરથી ફેરિયાઓનું અતિક્રમણ દૂર થઈ જાય અથવા તો ડિવાઈડરનું રંગરોગાન થઈ જાય તો સમજી જવું કે કોઈ મોંઘેરા મહેમાન આવવાના છે કાં તો વૈશ્વિક સ્તરનું કોઈ આયોજન અથવા દેશી-વિદેશી વીઆઇપીનો કાફલો પસાર થવાનો છે. બાકીના દિવસોએ તો વહી રફ્તાર પુરાની અને કઢંગી. હાલમાં જ બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈ પાલિકાને સવાલ પૂછ્યો કે, વીઆઇપી આવવાના હોય ત્યારે જ કેમ શહેરના રસ્તા ચકાચક થઈ જાય છે, સામાન્ય મુંબઈગરાને કેમ આવી જાળવણીનો લાભ મળતો નથી. બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિનની મુલાકાત પૂર્વે બેલાર્ડ એસ્ટેટની થયેલી કાયાપલટને પગલે પાલિકાને જસ્ટિસ ગિરીશ કુલકર્ણીએ આ સીધો અને વેધક સવાલ કડક રીતે પૂછ્યો હતો. જે નાગરિકો પાલિકાને કર ચૂકવે છે, તેમના તરફ પાલિકાની કોઈ ફરજ કે જવાબદારી નથી? એવો ટોણો પણ માર્યો હતો. મુંબઈ પાલિકા પાસે નાણાં કે સાધનોની કોઈ કમી નથી, કમી છે તો સામાન્ય નાગરિકને પ્રાથમિકતા આપવાની વહીવટની ઇચ્છાશક્તિ અને રાજકારણીઓની દાનતની. સમય આવી ગયો છે કે, મુંબઈગરાના રાજિંદા પ્રવાસને કે સુવિધાઓને વીઆઇપી કાફલાને મળતું મહત્ત્વ આપવામાં આવે. જે સક્રિયતા આવી કોઈ મુલાકાત પૂર્વે તંત્ર દાખવે છે એ આખું વર્ષ કેમ નહીં? એવા સામાન્ય મુંબઈગરાના સવાલને હાઈ કોર્ટે વાચા આપી છે એ સરાહનીય છે, પણ હવે આ દિશામાં પાલિકા અને રાજ્ય સરકાર કંઈક નક્કર કરે એવી અપેક્ષા રાખીએ.     

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ