કેટલાક ક્રિકેટરો એવા હોય છે, જે ક્યારેય નિવૃત્ત ન થાય એવું દરેક ક્રિકેટરસિયો ઈચ્છતો હોય છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને છ વર્ષ પહેલાં જ અલવિદા કરી દેનાર મહેન્દ્ર સિંહ ધોની રમતની સૌથી ટૂંકી ફૉર્મેટ અને ફ્રૅન્ચાઈઝી ક્રિકેટમાં સર્વોચ્ચ કહી શકાય એવી આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના ખેલાડી તરીકે વિરામ લઈ મેન્ટોરના રોલમાં આવી ગયો છે. ટી-20ને પણ ધોની આખરી સલામ કરશે, એવી અટકળો છેલ્લાં ત્રણેક વર્ષથી ચાલી રહી છે અને એમાંય આ વખતે આઈપીએલમાં એક પણ મૅચમાં મેદાનમાં ન ઉતરવાને કારણે લગભગ તય થઈ ગયું હતું કે, મહી હવે ફરી રમતો નહીં જોવા મળે. ખેલાડીઓના રિટેન્શનની ડેડલાઈન પૂર્વે ધોનીએ લીધેલો નિર્ણય ભલે છેલ્લી ઘડીનો નથી અને એ પહેલાં થયેલા ફેરફારનો તાળો હવે મળી રહ્યો છે.
2008થી ધોની માત્ર સીએસકેનો સુકાની કે વિકેટકીપર નહોતો પણ ટીમની વ્યૂહરચનાનું માર્ગદર્શક તત્ત્વ અને ચાહકો માટે સંવેદનાનો આધાર હતો. આઈપીએલમાં બૅટ્સમેન તરીકેની ભૂમિકા મર્યાદિત કરી લીધી હોવા છતાં પાંચ આઈપીએલ ટાઈટલ, બે ચૅમ્પિયન્સ લીગ ટ્રૉફી અને 272 મૅચીસ આખી વાર્તા નથી. આ બધી સિદ્ધિઓ અને ટાઈટલ્સ કરતાં પણ વધુ મૂલ્યવાન હતો એ વિશ્વાસ-ધોની હૈ તો મુમકિન હૈ, જે કરોડો ચાહકોને તેનામાં હતો. ધોનીની કારકિર્દીની સૌથી મોટી ફિલસૂફી એટલે-પુનરાગમન ગમે ત્યારે થઈ શકે છે, બસ હિંમત ન હારવી કે હાર ન માની લેવી અને લડયા કરવું. કદાચ એટલે જ ચાહકો સીએસકેની મૅચમાં થલાઈવા બે દડા માટે પણ મેદાન પર ઊતરે એની ચાતક ડોળે રાહ જોતાં. 45ની વય સ્પર્ધાત્મક ક્રિકેટ અને ટી-20 જેવી ગતિશીલ ફૉર્મેટમાં શારીરિક અને માનસિક રીતે ખેલાડી પાસેથી ઘણું બધું માગી લે છે, પણ ધોની પાસે આ રમતને આપવા માટે હજી ઘણું અકબંધ છે અને આથી નવી ભૂમિકામાં સીએસકેને તેનો લાભ મળ્યા કરશે. મેદાન પર મૅચના ચોક્કસ તબક્કે અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાની અને તેને ઊલટાવવાની તૈયારી હોય એ જ સફળતા સુધી પહોંચી શકે છે, એ ધોનીનો મંત્ર આઈપીએલમાંથી ખસી જવાના નિર્ણયમાં પણ પડઘાય છે. ધોની આઉટ (ખેલાડી તરીકે) જરૂર થયો છે, પણ અૉવર નથી થયો.