• બુધવાર, 08 મે, 2024

શરદ પવારનાં વચનો  

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ શરદ પવાર જૂથના અધ્યક્ષ શરદ પવારે પક્ષના ચૂંટણી ઢંઢેરામાં ગૅસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાના, શાસકીય નોકરીઓમાં મહિલાઓને 50 ટકા અનામત આપવાના, જીએસટીનો અધિકાર રાજ્ય સરકારને આપવાનો, પેટ્રોલ, ડીઝલ પરના ટૅક્સની પુનર્રચના કરવાના વગેરે વચન આપ્યાં છે. જે કદી પૂર્ણ થનારાં માત્ર કાગળ ઉપર રહે એમ જણાય છે.

શરદ પવાર પાસે આંગળીના વેઢે ગણાય એટલા પણ સાંસદો નથી. ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે કે નહીં પણ કહી શકાય એમ નથી. માની લઈએ કે `ઇન્ડિયા'ની સરકાર આવે તો પણ શરદ પવારનું તેમાં વિશેષ મહત્ત્વ નહીં હોય, તેને લઈ કેન્દ્રમાં સરકાર આવતાં હું વચનો પૂર્ણ કરીશ, એવું શરદ પવારનું ચૂંટણી ઢંઢેરાનું વાક્ય હાસ્યાસ્પદ લાગે છે. કારણ કે, શરદ પવાર કયા આધારે ખાતરી આપે છે તેનો કોઈ ખુલાસો નથી કર્યો. `ઇન્ડિયા'ના બીજા પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં વચનો નથી. તેને લઈ મતદારોને ગેરમાર્ગે દોરવા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે? એવા પ્રશ્નની ચર્ચા છે.

લોકસભાની 543 બેઠકો પૈકી ફક્ત 10 બેઠકો લડનાર પક્ષનાં વચનો પર કોણ વિશ્વાસ મૂકશે એવી આકરી ટીકા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ કરી છે. તેને શપથનામું એટલે કે સોગંદનામું નામ આપવામાં આવ્યું છે. વેળાની લોકસભા ચૂંટણીમાં શરદ પવાર જેટલા ખુલ્લા પડયા છે તે તેમનાં 50 વર્ષના રાજકારણમાં પણ પડયા નહીં હોય. સંદિગ્ધ રીતે વર્તવું પવારના નૈસર્ગિક સ્વભાવની વિશિષ્ટતા છે. પોતાના ગૂઢ અને સંદિગ્ધ વર્તનને લઈ પવાર આટલાં વર્ષો રાજકારણમાં ટક્યા પણ તેઓ વિશ્વસનીયતા ગુમાવી બેઠા છે.

શરદ પવારના માણસો ફૂટતા નથી એમ કહેવાતું હતું, પરંતુ હવે તો પવારનું જહાજ ફૂટયું છે. ગઈ ચૂંટણીમાં પવારના રાષ્ટ્રવાદીએ અપક્ષ ઉમેદવાર નવનીત રાણાને ટેકો આપ્યો, હવે નવનીત રાણા ભાજપના ઉમેદવાર છે. નવનીત રાણાને પાંચ વર્ષ પહેલાં ટેકો આપ્યો તે અમારી ભૂલ હતી, તે બદલ હું માફી માગું છું એમ પવારે કહ્યું છે.

પવારનો માફી માગવાનો પ્રથમ પ્રસંગ નથી. ડાયલોગ પવારે ઉદયન રાજેએ પવારનો સાથ છોડયો ત્યારે પણ કહ્યું હતું કે સાતારાકરો, મને માફ કરો. ભત્રીજા અજિત પવાર પછી પક્ષ ફૂટયો, અનેક સહકારી છોડી ગયા. પક્ષ ફૂટયા પછી પ્રથમ સભા તેમણે યેવલામાં લીધી હતી. પશ્ચાતાપ કરવા માટે હું અહીં આવ્યો છું એમ પવારે જણાવ્યું હતું. ચૂંટણીના હજી કેટલાક તબક્કા બાકી છે, પવાર હજી કેટલી માફી માગશે પ્રશ્ન છે. 

લોકોમાં એવી પણ ચર્ચા છે કે હવે જીવનની ઢળતી સંધ્યાએ પવારને પોતાની ભૂલ સમજાતી હોય અને તે બદલ તેઓ માફી માગતા હોય તો તે સારી વાત છે. પણ તેઓ ખરેખર અંતરમનથી માફી માગી રહ્યા છે તેની ખાતરી લોકોને નથી થતી. વસંતદાદાની પીઠમાં ખંજર ભોંકવા બદલ, તેમની ઘરની વહુને પારકી કહેવા બદલ સુનેત્રા પવારની માફી માગવી જોઈએ. કટાક્ષમાં લોકો એમ પણ કહે છે કે બારામતીનું પરિણામ ઊલટું આવે તો પુત્રીની પણ માફી માગવી પડે તો નવાઈ નહીં. આયુષ્યના સંધ્યાકાળે શરદ પવારના નસીબમાં માફી માગવી પડે તે વિડંબના છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ