સંસદ અને સુપ્રીમ કોર્ટ - બંને વચ્ચે સુપ્રીમ કોણ? આ અંગે અવારનવાર વિવાદાસ્પદ ચર્ચા થાય છે પણ સરકારે સંસદ અને જનતાને જવાબ આપવાનો હોય છે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પલટાવવાની સત્તા પણ સંસદને આપવામાં આવી છે અને તેનો અમલ પણ થયો છે.
હવે સંસદના બદલે
રાષ્ટ્રપતિજીની સત્તાનો સવાલ ચર્ચામાં છે. તામિલનાડુના રાજ્યપાલે વિધાનસભામાં પસાર
થયેલા ખરડાને મંજૂરી આપી નહીં અને વિલંબિત કર્યા છે તે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
અને ચુકાદો આવ્યો કે રાજ્યપાલ આ રીતે ખરડે રોકી શકે નહીં. એટલું જ નહીં, રાજ્યપાલ આવા
ખરડા એમની ભલામણ સાથે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી આપે ત્યારે રાષ્ટ્રપતિએ પણ ત્રણ
મહિનાની અંદર મંજૂરીનો નિર્ણય લેવો જોઈએ.
સુપ્રીમ કોર્ટના
ચુકાદાની સખત શબ્દોમાં ટીકા ઉપરાષ્ટ્રપતિ - જગદીપ ધનખડ સાહેબ - જેઓ રાજ્યસભાના અધ્યક્ષ
પણ છે એમણે કરી છે. સંવિધાનની 142મી કલમ હેઠળ સુપ્રીમ કોર્ટને `સંપૂર્ણ ન્યાય' તોળવાની
સત્તા - અધિકાર છે પણ આ સત્તા રાષ્ટ્રપતિ સામે રૉકેટની જેમ છોડી શકાય નહીં એમ એમનું
કહેવું છે. આખરે મુખ્ય વડા ન્યાયમૂર્તિને હોદ્દાના શપથ પણ રાષ્ટ્રપતિજી લેવડાવે છે
- આ રીતે સુપ્રીમ કોર્ટ આદેશ આપી શકે નહીં.
ધનખડ સાહેબે આવી
આકરી ટીકા કરવા સાથે દિલ્હી હાઈ કોર્ટના જજના બંગલામાં ચલણી નોટોના ઢગલા અને બળેલી
નોટો પકડાયા છતાં એફઆઈઆર પણ નોંધાઈ નહીં - જજ કાયદાથી ઉપર છે? એવો પ્રશ્ન પણ કર્યો
છે. ઉપરાષ્ટ્રપતિએ આ ટીકા કર્યા પછી કોઈ રાજકીય પક્ષના પ્રવક્તા અથવા નેતાએ જવાબ આપ્યો
નથી પણ પૂર્વ કાનૂન પ્રધાન, વિખ્યાત વકીલ કપિલ સિબ્બલે એમના ઉપર ટીકા-પ્રહાર કર્યા
છે અને સુપ્રીમ કોર્ટને સમર્થન આપ્યું છે. સિબ્બલ સાહેબ પૂર્વ કૉંગ્રેસ નેતા છે. ભૂતકાળમાં
એમણે અયોધ્યા કેસનો ચુકાદો - લોકસભાની ચૂંટણી પતી જાય ત્યાં સુધી રોકી રાખવાની માગણી
કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રની ટીકા પણ કરી હતી. આ રાજકારણ હતું અને અત્યારે
પણ છે. અત્યારે સુપ્રીમ કોર્ટને સમર્થન આપે છે પણ ઇમર્જન્સી પહેલાં - અને પછી સુપ્રીમ
કોર્ટના સિનિયર ન્યાયમૂર્તિઓને અન્યાય અને અવહેલના થઈ ત્યારે ન્યાયતંત્રની સત્તાની
ચિંતા કેમ થઈ નહીં? હવે ઉપરાષ્ટ્રપતિની ટીકા થાય છે તેમાં માત્ર રાજકારણ છે! રાષ્ટ્રપતિ
તો માત્ર `શોભાના ગાંઠિયા' જેવાં છે - સરકાર કહે તે રીતે કામ થાય છે અને ઉપરાષ્ટ્રપતિ
સંવિધાન જાણતા નથી?
આ વિષય સંસદમાં
પણ ઉઠાવાય એવી શક્યતા છે પણ વધુ વિવાદ - ચૂંટણીના રાજકારણમાં જોવા મળશે. વાસ્તવમાં
સંસદે પસાર કરેલી ખરડા અને રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદા પણ સુપ્રીમ કોર્ટમાં પડકારાયા
છે, રદ થયા છે અને સંસદે ફરીથી પસાર કર્યા છે. સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા ફટકાર્યા
પછી અપરાધી રાષ્ટ્રપતિજીને દયાની અરજી કરી શકે છે અને જીવન બચી શકે છે! રાષ્ટ્રપતિ
`શોભા'ના હોય કે `સત્તા'ના શ્રોત હોય - એમના ટેબલ ઉપર ખરડા પડયા હોય, વિલંબ થાય અને
અદાલતને અરજી મળે તો અને ત્યારે રાષ્ટ્રપતિને વિનંતી, અનુરોધ કરે તે સમજી શકાય પણ આદેશ
આપવામાં સત્તાના ક્ષેત્રની મર્યાદા જળવાતી નથી એમ સમજવું જોઈએ.