અદાલતમાં ખટલો ચાલ્યો અને બે મહિનાની અંદર સ્પેશિયલ જજ એસ.આર. સાળુંખેએ આરોપીને ફાંસીની સજા સુણાવી
ગત પહેલી મેએ પુણે જિલ્લાના નસરાપુરમાં બપોરના સમયે
ઘરના આંગણામાં રમતી સાડા ત્રણ વર્ષની બાળકીને તેની દાદાની વયના 65 વર્ષીય શખસે લાલચ
આપી વાડામાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરી એ ફૂલ જેવી બાળકીને રહેંસી નાખી.
આ ઘટનાને કારણે ઊભા થયેલા જનઆક્રોશનો સામનો સરકારને કરવો પડયો. પરિણામે ગણતરીના કલાકોમાં
આરોપીની ધરપકડ કરાઈ અને તપાસ માટે વિશેષ ટીમ બનાવવામાં આવી. ઘટનાનો કોઈ સાક્ષી ન હોવાથી
ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ હાથ ધરાઈ. પંદર દિવસમાં પોલીસે પંદરસો પાનાંની ચાર્જશીટ
ફાઈલ કરી, અદાલતમાં ખટલો ચાલ્યો અને બે મહિનાની અંદર સ્પેશિયલ જજ એસ.આર. સાળુંખેએ આરોપીને
ફાંસીની સજા સુણાવી. આ આખા મામલામાં પોલીસ ખાતું અને ન્યાયતંત્રને જેટલા અભિનંદન આપીએ
એટલા ઓછા છે. 65 વર્ષના નરપિશાચ ભીમરાવ કાંબળેને થયેલી સજા અને ઝડપી પ્રક્રિયા એક અપવાદ
રૂપ કિસ્સો ન રહેતા રૂટિન બાબત બને એવી આશા નાગરિકો રાખે તો એ વધુ પડતું નહીં ગણાય.
કાંબળેને મળેલી સજા પર અમલ થવામાં ઉપલી અદાલતોમાં અપીલ અને રાષ્ટ્રપતિ સામે દયાની અરજી
જેવી પ્રક્રિયાઓ બાકી છે, આથી આ મામલામાં ખરેખર ન્યાય થયો એવું કહેવા માટે હજી રાહ
જોવી પડે એમ છે. જોકે, જે અસાધારણ ઝડપે અત્યારનો નિકાલ આવ્યો છે, એ જોતાં આગળની પ્રક્રિયામાં
પણ વિલંબ નહીં થાય એ નક્કી છે.
ન્યાયતંત્ર અને પોલીસ ખાતાની પરિસ્થિતિ જોતાં લાંબી
ચાલતી તપાસ અને એનાથી પણ લાંબા સમય સુધી અદાલતમાં વિલંબિત રહેતા ખટલાને કારણે નાગરિકોનો
વિશ્વાસ આ બન્ને પરથી ઓછો થતો જાય છે. આથી, જઘન્ય અપરાધીઓને તથા ખાસ તો કુમળી વયની
બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારા નરાધમોનું પોલીસ ઍન્કાઉન્ટર કરી તરત ન્યાયની માગ વધતી
જોવા મળે છે. બે વર્ષ પહેલાં મુંબઈ પાસેના બદલાપુરમાં નાની બાળકી સાથે દુષ્કર્મ આચરનારા
આરોપી પોલીસ સાથેની ચકમકમાં ઠાર થયો. એ પહેલાં નાગરિકોએ માગ કરી હતી કે, આ અત્યાચારીને
અમારા હવાલે કરી દો. જોકે, આ ન્યાયી લાગતું હોય તો પણ કાયદાની પ્રક્રિયા વિના દેહાંત
દંડ આપી શકાય નહીં અને સભ્ય સમાજ માટે લાંબા ગાળે આ બરાબર નથી. જોકે, આ માટે ન્યાયાલયો
તથા ન્યાયાધિશોની સંખ્યા વધારવાની, પોલીસ ખાતાને વધુ સજ્જ કરવાની અને મૂળ તો સરકાર
આવા દરેક કેસને અતિ-ગંભીર ગણે અને સમયસર ન્યાય મળે તો જ નાગરિકોનો વિશ્વાસ સ્થપાય.
સરકારો મહિલા-બાળકો સામેના ગુનાઓ બાબતે ઝીરો ટૉલરન્સ ધરાવે છે, એ સંદેશ જરૂર ગયો છે,
જેની સરાહના થવી જોઈએ.