• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

નિયંત્રણ મૂકી શકાય, પ્રતિબંધ નહીં

ઈન્ટરનેટના વ્યાપક ઉપયોગની અસર બાળકો-કિશોરની માનસિકતા અને જીવન ઉપર વિપરીત થાય છે તેની સતત ચર્ચા વચ્ચે, કેટલાક દેશોએ સગીરો માટે ઈન્ટરનેટનો ઉપયોગ પ્રતિબંધિત કર્યો છે તેવાં દૃષ્ટાંતો વચ્ચે ભારતની સુપ્રીમ કોર્ટે અગત્યનો ચુકાદો આપતાં કહ્યું છે કે ઈન્ટરનેટનો ઉપયોગ દેશના વયસ્ક નાગરિકોની જેમ બાળકોનો પણ મૂળભૂત અધિકાર છે. સર્વોચ્ચ અદાલતના વિસ્તૃત ચુકાદાનો સાદો અર્થ એ છે કે ઈન્ટરનેટના ઉપયોગ ઉપર નિયંત્રણ સામાજિક રીતે મૂકી શકાય, પરંતુ કાનૂની પ્રતિબંધ લાગી શકે નહીં. કોર્ટે કહ્યું છે કે સંવિધાનના અનુચ્છેદ 21 અને અનુચ્છેદ 19(1)(એ) મુજબ બાળકોને પણ ઈન્ટરનેટના ઉપયોગનો અધિકાર છે.

મોબાઈલ ફોન કે અન્ય આધુનિક ઉપકરણોના માધ્યમથી રમાતી વિવિધ ગેમ, જેને સમાજનો મોટો ભાગ અને મનોચિકિત્સકો માનસિક પ્રદૂષણ માને છે તેવી એપ્લિકેશન્સ કે અૉનલાઈન સામગ્રી બાળકોએ જોવી જોઈએ નહીં તેવી માન્યતા વ્યાપક છે. બાળકો-કિશોરોને મોબાઈલનું વળગણ છે તે ચિંતા સમાજના તમામ સ્તરના લોકો-પરિવારોમાં છે. સોશિયલ મીડિયા સહિતનાં અનેક પરિમાણોની અસર નીચે બાળકો છે તેમના વર્તન, તેમનો માનસિક વિકાસ આ તમામ સંદર્ભે વિશ્વ સ્તરે ચર્ચા થઈ રહી છે. વાલીઓની ચિંતા બાળકોના મનોચિકિત્સકો માટે એક પ્રકારે વેપાર પણ બની ગઈ છે તે વેળાએ સર્વોચ્ચ અદાલતે બાળકોનો પક્ષ લીધો છે. બાળ અધિકારો માટે કામ કરતી સંસ્થા જસ્ટ રાઈટ્સ ફૉર ચિલ્ડ્રન એલાયન્સ અને અન્ય સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે આ ચુકાદો આપ્યો છે.

કોર્ટે કહ્યું કે અૉનલાઈન જોખમની આડમાં ઈન્ટરનેટ ઉપરનો સંપૂર્ણ પ્રતિબંધ યોગ્ય નથી. અૉનલાઈન શોષણ, નુકસાનકારક સામગ્રી, સાયબર અસુરક્ષા સામે રક્ષણ જરૂરી છે પરંતુ તેને લીધે ઈન્ટરનેટના ઉપયોગ ઉપર બ્લેન્કેટ બાન-સંપૂર્ણ પ્રતિબંધ મૂકી ન શકાય. 

અહીં અગત્યની બીજી બાબત એ છે કે સરકાર અથવા ન્યાયપાલિકા કે કાનૂની વ્યવસ્થા દ્વારા કોઈ બાબત સ્થપાય તો જ આપણે તેને અનુસરીએ તે પણ યોગ્ય નથી. સામાજિક ઉત્તરદાયિત્વ જેવું પણ કંઈ હોય. આપણા બાળકો શું જોવે છે, શું કરે છે, તેનું ધ્યાન કોર્ટ કે સરકાર શા માટે રાખે? ઈન્ટરનેટનો ઉપયોગ કરતી એક આખી પેઢી હવે તો માતા-પિતા બનવા તરફ છે કે બની ગઈ છે. તે પોતે જ જો ઉપયોગ નિયંત્રિત નહીં કરે તો બાળકોને કેમ સમજાવશે?

અદાલતે આ સ્થિતિમાં કેટલાક ઉપાયો પણ સૂચવ્યા છે. બાળકો માટે જે યોગ્ય નથી તેવી સામગ્રી ન જોઈ શકે તે માટે ચાઈલ્ડ મોડ-પેરેન્ટલ કન્ટ્રોલ જેવી બાબતોનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પ્લૅટફૉર્મ હાનિકારક કન્ટેન્ટ હટાવે નહીં તો તેનો ભોગ બાળકોને ન બનાવાય, સંબંધિત પ્લૅટફૉર્મ સામે કાર્યવાહી કરાય. સુરક્ષા અને સ્વતંત્રતાવાળો કોર્ટનો મુદ્દો યોગ્ય છે. આમ તો આ નિરંતર ચર્ચા છે. ઈન્ટરનેટ હોય કે કોઈ પણ બાબત હોય તેનો ઉપયોગ કેટલો, કેવો કરવો તે આખરે તો વ્યક્તિના પોતાના ઉપર જ નિર્ભર કરે છે.