• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

વિરોધ જ્યારે સીમા ઓળંગે છે

વિરોધ એ તો લોકતંત્રનું મહત્ત્વનું પાસું છે, પણ તેમાં મર્યાદા જળવાવી જોઈએ, જેનું સોશિયલ મીડિયાના આજના કાળમાં વારંવાર ઉલ્લંઘન થાય છે. વરિષ્ઠ પત્રકાર અને અખબારના સંપાદક તથા રાજ્યસભાના સાંસદ સ્તરના નિખિલ વાગલે અને સંજય રાઉતે સર્વોચ્ચ અદાલત અને દેશના મુખ્ય ન્યાયાધીશ વિશે જે સ્તરની ટિપ્પણી કરી છે, એ ગલીના નાકા પરના ટપોરીઓને સારા કહેવડાવે એ કક્ષાની છે. મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધીઓએ મતદારયાદીમાં એસઆઈઆરના નામે કથિતપણે ઘાલમેલ કરાઈ હોવાનો મોરચો માંડયો છે. આ મામલો અત્યારે સુપ્રીમ કોર્ટની સામે છે અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ ચીફ જસ્ટિસ સૂર્યકાંતને મળવાની માગ કરી હતી, જે તેમણે યોગ્ય રીતે જ નકારી કાઢતા કહ્યું હતું કે, અદાલતના દરવાજા ખુલ્લા છે. વાગલેએ તો સોશિયલ મીડિયા પર ચીફ જસ્ટિસને અભદ્ર ગાળ આપતી પૉસ્ટ કરી હતી. તો, સંજય રાઉતે એક વિડિયો પૉસ્ટ કર્યો હતો અને એવો દાવો કર્યો હતો કે, ન્યાયાધીશો સત્તાધારી પક્ષે યોજેલા રાજકીય કાર્યક્રમોમાં હાજરી પુરાવે છે અને મુખ્ય પ્રધાનોએ યોજેલા ભોજનસમારંભોમાં જાય છે, પણ તેમને વિરોધી પક્ષ નેતાઓને મળવામાં વાંધો છે. તેમણે ન્યાયાધીશોના ફોટા પણ પૉસ્ટ કર્યા છે, જેમાં તેઓ રાજકીય વ્યક્તિઓ સાથે બૅડમિન્ટન રમતા દેખાય છે. રાઉતે નાખેલા આ ફોટા તેઓ કહે છે એ સ્થળના નથી અને કાર્યક્રમનો સંદર્ભ પણ તેમણે ખોટો આપ્યાનો આક્ષેપ છે. અદાલતે આ બન્ને પાસેથી ખુલાસો માગતાં નિખિલ વાગલેએ તો એ પૉસ્ટ દૂર કરી નાખી છે અને માફી પણ માગી લીધી છે. સંજય રાઉતના તેવર ઢીલા પડયા છે, પણ તેમની સ્ટાઈલ પ્રમાણે કહ્યું છે કે, મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને હું જેલ જવા તૈયાર છું. 

સંજય રાઉત એક અખબારના સંપાદક અને લાંબા સમયથી રાજ્યસભાના સભ્ય છે. આમ છતાં તેઓ વારંવાર અૉન કૅમેરા ઈરાદાપૂર્વક અપશબ્દો બોલતા હોય છે અને પછી તેને આ તો શિવસેનાની સ્ટાઈલ છે, એમ કહી વાત ઉડાડી મૂકતા હોય છે, પણ આ વખતે તેઓ મુશ્કેલીમાં છે. રાજકીય વજન વધારવાના ચક્કરમાં રાઉત અનેકવાર ભાંગરો વાટી ચૂક્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થા પર આ રીતે આક્ષેપો-હુમલા કરી તેઓ સાબિત શું કરવા માગે છે? અદાલતોએ લોકોના અધિકારોનું સંરક્ષણ કરવામાં ક્યારેય પાછીપાની કરી નથી. દરેક વ્યવસાયમાં જેમ કેટલાક અપવાદ હોય છે તેમ ન્યાયતંત્રમાં કેટલાક લોકો અયોગ્ય હશે, પણ તેના કારણે આખું તંત્ર ખરાબ થઈ જતું નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, જેઓ આ બધું સમજે છે તેઓ પણ પોતાનું વજૂદ ટકાવવા જુઠ્ઠાણાં ચલાવ્યે રાખે છે. આશા રાખીએ કે, આ બધા પર અંકુશ આવશે.