મધ્યસત્ર ચૂંટણીઓમાં પછડાટ ખાધા પછી પણ યુએસએના મુખિયા ડોનાલ્ડ ટ્રમ્પના સ્વભાવની તીખાશમાં ઓટ નથી આવી. સૈન્ય કાર્યવાહીની તેમણે ચેતવણી આપી છે. સામે ઈરાને પણ ગર્જના કરતાં કહ્યું કે વાશિંગ્ટન હવે કોઈપણ હુમલો કરશે તો વિશ્વના કોઈપણ સ્થળે અમેરિકી સૈન્ય મથકને નિશાન બનાવીને અમે ઉડાવી દઈશું. બન્ને દેશોને યુદ્ધની પરિણતિનો ખ્યાલ છે. ઈરાને તો રાષ્ટ્રના વડા ગુમાવ્યા અને અમેરિકાના રાષ્ટ્રવડાએ વિશ્વ સ્તરે પોતાની છબિ ધૂંધળી થતાં જોઈ તેમ છતાં બન્ને રાષ્ટ્ર હજી પણ યુદ્ધરત છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિશે માહિતી આપનારને ગંજાવર રકમનું ઈનામ મળશે તેવી જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. હથિયારોનાં ઉત્પાદનમાં યુએસની ભૂમિકા વિશે પણ તેમના નિવેદનો જગબત્રીસીએ ચર્ચામાં છે.
અબજો ડૉલરનું નુકસાન,
સૈનિકો અને સામાન્ય માનવીઓના રક્તપાત પછી પણ ઈરાન કહે છે કે સંઘર્ષના આ અનુભવ પછી તેમની
સેના વધારે મજબૂત બની છે, વાસ્તવમાં બોધ તો એ હોવો જોઈએ કે યુદ્ધનું પરિણામ ભીષણતાથી
વિશેષ કશું નથી, પરંતુ હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટેની તેમની શરતો પણ હજી તો વાટાઘાટનો
જ હિસ્સો છે. 2026ના આરંભે ફેબ્રુઆરી માસમાં, વિક્રમ સંવત 2082ના ચોથા મહિને યુદ્ધ
શરૂ થયું હતું. આજ પર્યંત ચાલી રહ્યું છે. 28મી ફેબ્રુઆરીએ ઈરાનના વડા આયાતુલ્લા ખામેનેઈનો
ખાતમો બોલી ગયો. આ ઘટનાઓ હજી ગઈકાલની લાગે પરંતુ તેને પણ મહિનાઓ વીતી ગયા છે, વીતી
રહ્યા છે.
યુદ્ધની આ સ્થિતિની અસર
વિશ્વને ક્રૂડના વધી ગયેલા ભાવને લીધે થઈ છે. હજી અર્થતંત્ર સામે પડકાર છે. હવે ખમૈયા
થવા જ જોઈએ તેવું દુનિયા ઇચ્છી રહી છે.