• શનિવાર, 13 એપ્રિલ, 2024

અદાણી ગ્રુપ મધ્યપ્રદેશમાં રૂા. 75,000 કરોડનું રોકાણ કરશે : પ્રણવ અદાણી  

ઉજ્જૈન, તા. 1 : અદાણી ગ્રુપ મધ્યપ્રદેશમાં રોડ, સિમેન્ટ, કુદરતી સંસાધનો, થર્મલ પાવર, કુદરતી ઊર્જા અને વીજળી પરિવહન સહિતના ઉદ્યોગોમાં લગભગ રૂા. 75,000 કરોડનું રોકાણ કરશે, એમ અદાણી એન્ટરપ્રાઈસીઝના મૅનાજિંગ ડિરેક્ટર (એગ્રો, અૉઈલ અને ગૅસ) અને ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું. અદાણી શુક્રવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શરૂ થયેલી બે દિવસીય રોકાણકાર સમિટ, પ્રાદેશિક ઉદ્યોગ કૉન્ક્લેવમાં બોલી રહ્યા હતા. કાર્યક્રમમાં દેશભરમાંથી અગ્રણી ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ રહ્યા છે.

અદાણી જૂથ રૂા. 75,000 કરોડમાંથી રૂા. 5000 કરોડનું રોકાણ ઉજ્જૈનથી ઈન્દોર થઈને ભોપાલ સુધીનો મહાકાલ એક્પ્રેસવે બનાવવા માટે કરશે. અમે ચોરગડીમાં વાર્ષિક 40 લાખ ટનની ક્ષમતાવાળું ક્લિંકર યુનિટ અને દેવાસ અને ભોપાલમાં બે સિમેન્ટ ગ્રાઇન્ડિંગ યુનિટ સ્થાપવા માટે અન્ય રૂા. 5000 કરોડનું રોકાણ કરીશું, જેની સંયુક્ત ક્ષમતા વાર્ષિક 80 લાખ ટન હશે, એમ અદાણીએ ઉમેર્યું હતું.

કુદરતી સંસાધન ક્ષેત્રમાં, અદાણી જૂથ રૂા. 4000 કરોડથી વધુનું રોકાણ કરશે તેમ ફૂડ પ્રોસાસિંગ, લૉજિસ્ટિક્સ અને એગ્રી-લૉજિસ્ટિક્સ તેમ ડિફેન્સ મેન્યુફેક્ચારિંગમાં તેની હાજરીને વિસ્તારવા માટે અન્ય રૂા. 600 કરોડનું રોકાણ કરશે. અદાણી જૂથ ભીંડ, બુરહાનપુર, અનુપપુર, ટીકમગઢ અને અલીરાજપુર તેના શહેર ગૅસ વિતરણ નેટવર્કના વિસ્તરણ માટે રૂા. 2100 કરોડનું રોકાણ કરશે. તે લિક્વિફાઇડ નેચરલ ગૅસ, ઇલેક્ટ્રિક વાહનો અને બાયો-ઍનર્જી સેગમેન્ટમાં પણ કામગીરી વધારશે. 

સિંગરૌલીમાં અદાણી પાવરના મહાન એનર્જન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારીને વર્તમાન 1200 મેગાવૉટથી 4400 મેગાવૉટ સુધી કરવા માટે આશરે રૂા. 30,000 કરોડનું રોકાણ કરાશે. અદાણીએ જણાવ્યું હતું કે, અમે 3410 મેગાવૉટ ક્ષમતાના પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે લગભગ રૂા. 28,000 કરોડનું રોકાણ પણ કરીશું. રોકાણો સમગ્ર મધ્યપ્રદેશમાં રોજગારીની 15,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ તકો ઊભી કરશે. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શૅર શુક્રવારે ઇજઊ પર 0.83 ટકા વધીને રૂા. 3317.80 પર બંધ થયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 1.72 ટકા વધીને બંધ થયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ