• સોમવાર, 04 માર્ચ, 2024

છેહ દેનારાઓની વિદાયથી કાર્યકરોની પ્રગતિનો માર્ગ ખૂલે છે : કૉંગ્રેસ  

આગે આગે દેખો હોતા હૈ ક્યા : દેવેન્દ્ર ફડણવીસ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે પક્ષમાંથી આપેલા રાજીનામા અંગે રાજકીય પક્ષો અને આગેવાનોએ મિશ્ર પ્રતિભાવ આપ્યો છે.

કૉંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે પ્રતિભાવ આપતાં જણાવ્યું છે કે પક્ષને છેહ દેનારાઓને ધ્યાનમાં હોતું નથી કે તેમની વિદાયથી તેઓ જે કાર્યકરોની પ્રગતિને રુંધીને બેઠા હતા તેઓ માટે આગળ વધવાનો માર્ગ ખોલે છે. જેઓ માટે જોખમ છે તેઓ માટે વ્યક્તિગત નિષ્ઠા અથવા વિચારધારા પ્રત્યેની મક્કમતા કરતાં `વોશિંગ મશીન' વધારે આકર્ષક હોય છે.

અશોક ચવ્હાણ ભાજપમાં સામેલ થવાની અટકળો અંગે પુછાતાં ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આગે આગે દેખો હોતા હૈ ક્યા.

શિવસેના (ઠાકરે જૂથ)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ સંભાજી નગરમાં જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હવે `કૉંગ્રેસ ઓક્યુપાઈડ ભાજપ' બની રહી છે. વડા પ્રધાન મોદી છાતી ઠોકીને કહે છે કે અમે લોકસભાની આગામી ચૂંટણીમાં 400 બેઠકો જીતશું તો પછી શા માટે અન્યોના પક્ષ તોડે છે. કૉંગ્રેસમાંથી ઘણા નેતાઓ ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. આગામી સમયમાં ભાજપનો અધ્યક્ષ કૉંગ્રેસમાંથી આવેલા નેતા બની શકે છે. ભાજપ દેશમાં શું કરે છે તે લોકો જોઈ રહ્યા છે. ભાજપે જો દસ વર્ષ નિષ્ઠાથી કામ ર્ક્યું હોત તો તેને અન્ય પક્ષ નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરવાની જરૂર પડી નહોત. અશોક ચવ્હાણના રાજીનામાથી મને આશ્ચર્ય થયું છે. થોડા દિવસ પહેલાં તેઓ વિપક્ષોની બનેલી મહાવિકાસ આઘાડીની લોકસભાની બેઠકોની વહેંચણી માટેની વાતચીતમાં સામેલ થયા હતા. તેઓને રાજ્યસભાની બેઠક ફાળવવામાં આવશે એવું સાંભળવા મળ્યું હતું. જેઓએ ભ્રષ્ટાચાર આચર્યો હોય તેઓએ ભાજપમાં જોડાવું. પછી તેઓને સાંસદ કે વિધાનસભ્ય બનાવવામાં આવશે મોદીની ગૅરન્ટી છે.

ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે કૉંગ્રેસમાં ભારે `અસંતોષ' પ્રવર્તે છે. વરિષ્ઠ નેતાઓ ભાજપ સાથે સંપર્કમાં છે. તેઓ પક્ષના નેતૃત્વથી ખુશ નથી. પ્રકારના વધુ બનાવો જોવા મળશે. ચવ્હાણને ભાજપમાં સામેલ કરવાની અને રાજ્યસભાની ઉમેદવારી આપવાની દરખાસ્ત વિશે મને કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.

મહારાષ્ટ્ર કૉંગ્રેસના વડા નાના પાટોલેએ જણાવ્યું હતું કે કૉંગ્રેસે ઘણા નેતાઓને ઘણું આપ્યું છે. પક્ષ બંધારણ અને લોકશાહીને બચાવવા પ્રયત્નશીલ છે. કૉંગ્રેસના નિષ્ઠાવંતો ભાજપની એકહથ્થુશાહીને પરાભૂત કરશે.

કૉંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિપક્ષી નેતા વિજય વડેટીવારે જણાવ્યું હતું કે ચવ્હાણે પક્ષમાંની ઘટનાઓ અંગે ક્યારેય નારાજગી વ્યક્ત કરી નથી. શાસક પક્ષ રાજકીય પક્ષોને તોડવાનો પ્રયત્ન કરે છે પણ ચૂંટણીમાં તેની ભારે કિંમત ચૂકવવી પડશે.