ચૂંટણીના ઘોષણાપત્રમાં અપાતાં વચનો કાગળ ઉપર જ રહે છે કે તેનો અમલ થાય છે? ચૂંટણીની મોસમમાં લોકોની આશા-અપેક્ષા વધારવા માટે વચનો અપાય છે પણ સત્તામાં આવ્યા પછી અમલ કરવામાં મુશ્કેલી નડે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસે બેફામ રાહતો અને લહાણી જાહેર કરી ત્યારે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ મફતની રેવડીઓ વહેંચવાની સ્પર્ધા છે. આજે વ્યવહારમાં ભાજપ-એનડીએ માટે પણ વચનો અને રાહતોની લહાણી કર્યા સિવાય છૂટકો નથી. આજના રાજકારણની આ સ્થિતિ છે.
બિહારના રાજકારણ ઉપર ભ્રષ્ટાચારની છાપ
પડી ગઈ છે! લાલુપ્રસાદ યાદવ અને એમનાં પત્ની રાબડીદેવીના શાસનમાં ભ્રષ્ટાચારની મોસમ
પૂરબહારમાં ખીલી હતી. હવે એમના પાટવી કુંવર તેજસ્વી યાદવે મતદારોને જીતી લેવા એમના
પોતાના નામે - બિહાર કા તેજસ્વી પ્રણ - ઘોષણાપત્ર જાહેર કર્યું છે. ભાજપ - એનડીએ દ્વારા
સંકલ્પપત્ર જાહેર થયો છે તેમાં પણ ઉજ્જવળ ભવિષ્યની ખાતરી મતદારોને આપવામાં આવી છે.
આમ છતાં બંને છાવણીઓએ માત્ર જાતિવાદ ઉપર આધાર રાખ્યો નથી એ નોંધપાત્ર છે. ભાજપ - મોદીએ
વિકાસવાદને મહત્ત્વ આપીને કેન્દ્રસ્થાને રાખ્યા પછી તેજસ્વી યાદવને પણ ફરજ પડી છે કે
માત્ર જાતિવાદ નહીં ચાલે, આર્થિક વિકાસ અનિવાર્ય છે. બેકારીની સમસ્યા સૌથી વધુ ગંભીર
છે. બિહારનું યુવા-ધન દેશના ખૂણે ખૂણે નોકરી-ધંધા માટે હિજરત કરી ગયું છે. કોરોના વખતે
ઉત્તર પ્રદેશના કામદાર - કારીગરોનો ઘરભણી ધસારો જોઈને મુખ્ય પ્રધાન યોગીએ જાહેર વચન
આપ્યું હતું કે રાજ્યમાં નવા ઉદ્યોગો સ્થપાશે અને યુવાનોએ પેટનો ખાડો પૂરવા ભટકવું
નહીં પડે.
યોગીએ વચન મુજબ ઉત્તર પ્રદેશમાં ઔદ્યોગિક
વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બિહારે એમને અનુસરવાની શરૂઆત કરી હોય એમ લાગે
છે. અલબત્ત, તેજસ્વી યાદવે કરેલી જાહેરાતોમાં અતિશયોક્તિ છે, એમણે કહ્યું છે કે સત્તા
ઉપર આવ્યા પછી તેઓ પ્રથમ વીસ દિવસમાં દરેક પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપશે.
આરક્ષણની 50 ટકાની લક્ષ્મણરેખા વ્યાપક બનાવાશે અને રાજ્યમાં આઈટી પાર્ક તથા ડેરી અને
કૃષિ આધારિત ઉદ્યોગો સ્થપાશે જેથી રોજગારી વધશે. તેજસ્વી યાદવે વચન આપ્યાં છે પણ અગાઉ
યાદવ પરિવારે નોકરી આપવાના બહાને લોકોની જમીનના સોદા કર્યા હતા અને ભ્રષ્ટાચારની ભરમાર
હતી તેના શિકાર બનેલા લોકો હવે કેટલો વિશ્વાસ કરશે?
એનડીએના સંકલ્પપત્રમાં પણ સત્તાનાં પાંચ
વર્ષ દરમિયાન એક કરોડ યુવાનોને નોકરી-ધંધા મળવાની ખાતરી અપાઈ છે. કિસાનોને પ્રધાનમંત્રી
કિસાન સમ્માન નિધિ દ્વારા પ્રતિમાસ છ હજાર રૂપિયા અપાય છે. બિહારના 87 લાખ કિસાનોને
આ લાભ મળે છે. ઉપરાંત રાજ્યના કર્પૂરી ઠાકુર કિસાન નિધિ દ્વારા માસિક 3000 રૂપિયા અપાશે.
મહિલાઓ માટે રાહતો અને નાણાકીય સહાય જાહેર થઈ છે.
એનડીએ દ્વારા આગામી પાંચ વર્ષમાં એક કરોડ
મહિલાઓને લખપતિ દીદી બનાવાશે. દરેક વ્યક્તિને પાંચ લાખ રૂપિયા સુધીની મેડિકલ સહાય,
125 યુનિટ સુધી વિનામૂલ્યે વીજળી મળશે. ઇન્ડસ્ટ્રિયલ પાર્ક તથા એક ફિલ્મસિટી અને કલ્ચરલ
યુનિવર્સિટી સ્થપાશે.
આ તમામ વચનો અમલી બને તો બિહાર - બીમારની
છાપ ભુલાવીને સદાબહાર બનશે!