• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

દસ મિનિટ, બસ!

આપણા દેશમાં ઍમ્બ્યુલન્સ પહેલાં પિઝા પહોંચે છે, એવા મેસેજિસ એક સમયે વૉટ્સઍપ પર બહુ ફરતા હતા. જોકે, એ પછી તો ક્વિક કૉમર્સ ઍપ વચ્ચે જામેલી સ્પર્ધાને કારણે દસ જ મિનિટમાં કરિયાણાથી લઈને સ્માર્ટ ફોનની ડિલિવરી સામાન્ય બની ગઈ. જોકે, આટલી ઝડપી ડિલિવરી સેવા વિશ્વના અગ્રણી દેશોમાં પણ નથી અને દસ મિનિટમાં ડિલિવરીની જરૂર કોને છે? એવા સવાલો છેલ્લા થોડા સમયથી પુછાવા લાગ્યા છે. આવામાં, ભારત સરકારના શ્રમ મંત્રાલયે અગ્રણી ક્વિક કૉમર્સ મંચોને દસ મિનિટમાં ડિલિવરીની ટાઇમલાઇનને તેમના માર્કાટિંગનાં માધ્યમોમાં આગળ ન કરવાની તાકીદ કરી છે. મંત્રાલયનું માનવું છે કે આ અવાસ્તવિક સમયસીમા ક્વિક કૉમર્સ મંચના ડિલિવરી પાર્ટનર્સને બિનજરૂરી તાણમાં નાખવા સાથે માર્ગ સલામતી સાથે બાંધછોડ કરવા ઉપરાંત આ કર્મચારીઓ માટે કામ કરવાની પરિસ્થિતિને બગાડે છે. ગત 31મી ડિસેમ્બરે વિવિધ ક્વિક કૉમર્સ મંચના ડિલિવરી પાર્ટનર્સે કામની આ પરિસ્થિતિ સામે વિરોધ-પ્રદર્શનો કર્યાં હતાં.

 સરકારનાં આ પગલાં અને દસ મિનિટની અંદર ડિલિવરી આ બંને મુદ્દે લોકોનો અભિપ્રાય વહેંચાયેલો છે. તાજેતરમાં જ હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં સ્પષ્ટ થયું છે કે 62 ટકા લોકોએ કહ્યું છે કે હા, અમને 10 મિનિટની અંદર ચીજવસ્તુઓની ડિલિવરી જોઈએ છે, એ પણ કેટલીક ચોક્કસ વસ્તુઓ જ. આ મંચનો ઉપયોગ કરનારાઓમાંથી 38 ટકા લોકોનો અભિપ્રાય છે કે અમને આવી અલ્ટ્રા-ફાસ્ટ ડિલિવરીની જરાય જરૂર નથી. સરકારના નિર્ણયને 74 ટકા ગ્રાહકોએ વધાવ્યો છે અને માત્ર 17 ટકા લોકો જ તેની વિરુદ્ધ છે. બ્લિંકિટ, ઝેપ્ટો, ઝોમેટો અને સ્વિગી જેવા મંચોએ પોતાની ઍપ બ્રાન્ડિંગમાંથી દસ મિનિટમાં ડિલિવરી એવી ટૅગલાઇન શ્રમ મંત્રાલયની વિનંતી માન્ય રાખી દૂર કરી નાખી છે. ભારતમાં આ મૉડલની બોલબાલા પાછળ જરૂરિયાત કરતાં ઇચ્છા વધારે જવાબદાર હોવાનું જોવા મળે છે. વળી, ક્વિક કૉમર્સને જે સફળતા ભારતમાં મળી છે, એવી અન્ય વિકસિત દેશોમાં નથી મળી, એનું એક કારણ લોકોની વધતી આવક અને ખર્ચ કરવાની ક્ષમતા સાથે એ પણ છે કે ભારતમાં ડિલિવરી પાર્ટનર તરીકે કામ કરનારાઓની સંખ્યા પણ ખાસ્સી વધુ છે. તેમના કલ્યાણ માટેની યોજનાઓ ક્ષમ મંત્રાલયે ઘડી છે અને 10 મિનિટમાં ડિલિવરીના ફરજિયાતપણાને દૂર કરી આ દિશામાં સારી શરૂઆત થઈ છે.