દેશની ઉત્તર અને પશ્ચિમ સીમાઓની હવાઈ સુરક્ષા સજ્જતા માટે સ્ક્વૉડ્રનની સંખ્યા 42 હોવી જોઈએ, પણ મિગ-21 તથા અન્ય ફાઈટર જેટ્સને તબક્કાવાર સેવામાંથી દૂર કરવાને કારણે અત્યારે અૉપરેશનલ સ્ક્વૉડ્રનની સંખ્યા 31ની આસપાસ છે, જે અપૂરતી ગણાય. દેશના ઇતિહાસમાં સૌથી મોટી સંરક્ષણ ખરીદી માટે ફ્રાન્સ સાથે કરારના માધ્યમથી 114 રાફેલ વિમાન હવાઈ દળના કાફલામાં ઉમેરાશે. આમાંનાં 90 વિમાનોનું ઉત્પાદન ભારતમાં થવાનું છે. રૂા. 3.60 લાખ કરોડની ખરીદીને અપાયેલી મંજૂરીમાં રાફેલ વિમાન ઉપરાંત નોકાદળ માટે બોઈંગના છ પી-7આઈ પેટ્રોલ ઍરક્રાફ્ટની ખરીદીનો પણ સમાવેશ થાય છે. આ કરારના મુસદ્દા અનુસાર 18 રફાલ વિમાનો ફ્લાય અવે એટલે કે તૈયાર સ્થિતિમાં ફ્રાન્સની ડીફેન્સ કંપની દાસૉ એવિયેશન પાસેથી મળવાનાં છે. બાકીનાં વિમાનો તબક્કાવાર ભારતમાં પચાસ ટકાથી વધુ ભારતીય સામગ્રીથી બનાવવામાં આવશે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમૅન્યુઅલ મેક્રોંની ભારત મુલાકાત દરમિયાન આ કરાર પર સહીસિક્કા થવાની અપેક્ષા છે. રફાલ બાબતે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી કૉંગ્રેસના રાજકુમાર રાહુલ ગાંધીએ દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
રફાલ અત્યંત મારક ક્ષમતા ધરાવતું બહુ-આયામી
ફાઈટર જેટ છે, તેમાં આધુનિક એવિઓનિક્સ, શક્તિશાળી રડાર અને સેન્સર સિસ્ટમ તથા લાંબી
અને વ્યાપક રેન્જના ચોકસાઈભર્યા શસ્ત્રાસ્ત્રોને કારણે ઍર-ટુ-ઍર હુમલા, શત્રુ દેશના
અંતરિયાળ વિસ્તારોમાં જઈ જમીન પરના ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. જાસૂસી તથા અવરોધક
કામગીરીમાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. વળી, ભારતીય હવાઈ દળ પાસે પહેલેથી જ રફાલ હોવાથી
પ્રશિક્ષણ, જાળવણી તથા સપોર્ટ સિસ્ટમ સંબંધી અનુભવનો લાભ પણ છે. આવામાં, રફાલની ખરીદીના
સોદાને મંજૂરી મળવી એ યોગ્ય દિશામાં લેવાયેલું પગલું છે. ભારતીય બનાવટના સ્વદેશી તેજસ
હવાઈ દળમાં દાખલ થવામાં વિલંબ થઈ રહ્યો છે અને બીજી તરફ, પોતાના સર્વિસ લાઈફની ક્યારના
વળોટી ગયેલા મિગ-21ની સેવા નિવૃત્તિની ફરજ પડી છે. આવામાં, ભારતની ક્ષમતા યુદ્ધ વિમાનોની
બાબતમાં નબળી પડી છે. 114 રફાલ વિમાન ઉમેરાવાનો અર્થ થાય છે છથી સાત ફાઈટર સ્ક્વૉડ્રનનો
વધારો, જે અત્યારે નબળી પડેલી ક્ષમતાને વધારશે અને ભાવિ પડકારોને પહોંચી વળવા હવાઈ
દળને સક્ષમ બનાવશે.
126 રફાલનો સોદો મૂળ તો 2012માં કૉંગ્રેસના
નેતૃત્વવાળી યુપીએ સરકારના કાર્યકાળમાં પાર પડયો હતો. હિન્દુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ
દ્વારા ઉત્પાદિત રફાલ ઍરક્રાફ્ટની વૉરન્ટી મુદ્દે વાટાઘાટો લંબાઈ અને મૂળ આશરે રૂા.
58,891 કરોડની ડીલનો આંકડો 2014 સુધીમાં રૂા. 1.86 લાખ કરોડ સુધી પહોંચી ગયો હતો. એ
પછી ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારે 2015માં આ સોદો આગળ વધાર્યો. જોકે, 2016માં કૉંગ્રેસે
આ સોદા હેઠળ ભારતમાં રફાલના વિમાનનું ઉત્પાદન કરવાનો કૉન્ટ્રાક્ટ અનિલ અંબાણીની કંપની
રિલાયન્સ ડીફેન્સ લિમિટેડને આપી કટકી લેવાનો આક્ષેપ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે
કર્યો. 2018માં દેશની સર્વોચ્ચ અદાલતે આ સોદાને ક્લીન ચિટ આપી. આ બધાનાં કારણે હવે
આશરે રૂા. 3.60 લાખ કરોડના સ્તરે આ સોદો પહોંચી ગયો છે.