2024માં ભારત જનસંખ્યાની બાબતમાં ચીનને પાછળ મૂકી ટોચના સ્થાને પહોંચ્યું છે, પણ વિશ્વભરમાં બધે જોવા મળે છે તેમ જન્મદર અને ફર્ટિલિટી રેટમાં ઘટાડો આપણે ત્યાં પણ સાતત્યપૂર્વક જોવા મળી રહ્યો છે. હાલમાં જ રજૂ થયેલા સૅમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના (એસઆરએસ) 2024ના અહેવાલ મુજબ ભારતમાં ટોટલ ફર્ટિલિટી રેટ (ટીએફઆર)માં વધુ ઘટાડો થયો છે. દેશમાં માત્ર છ રાજ્યો - બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડમાં જ આ દર 2.1ના આદર્શ સ્તરે છે. 1992-93માં આ દર 3.4નો હતો, પણ એ પછીના દાયકાઓમાં આ રેટમાં સાતત્યપૂર્ણ ઘટાડો થઈ રહ્યો છે. હાલ, ભારતનો એકંદર ટીએફઆર 1.9 ટકા છે. ટીએફઆર એટલે બાળકને જન્મ આપવાની વય દરમિયાન સ્ત્રી સરેરાશ કેટલાં બાળકોને જન્મ આપે છે તે. આ આંકડો 2.1 હોવો જોઈએ અર્થાત્ એક સ્ત્રી બે બાળકોને જન્મ આપે છે તો એનો અર્થ એ થયો કે પતિ-પત્નીનાં બે સંતાનો આગળ જતાં તેમની જગ્યા લેશે, એટલે કે તેમને રિપ્લેસ કરશે. હવે, જો સ્ત્રી માત્ર એક જ સંતાનને જન્મ આપે છે, તો દેખીતી રીતે જ આની અસર રિપ્લેસમેન્ટ રેટ પર પડે છે. બે બાળકો બસની નીતિને પગલે ભારતમાં ટીએફઆર 1.9 પર પહોંચી ગયો છે, આસપાસ છે જે લાંબા ગાળે ચિંતાનો વિષય છે, આનો અર્થ એ કે યુવાનો કરતાં દેશમાં વૃદ્ધોની સંખ્યા વધવા તરફનો ઝુકાવ છે. દક્ષિણ ભારતનાં રાજ્યોના શાસકો છેલ્લા થોડા સમયથી પોતાના નાગરિકોને વધુ બાળકો કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. હાલમાં જ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ત્રીજા સંતાન માટે રૂા. 30,000 અને ચોથા બાળક માટે રૂા. 40,000ની રોકડ પ્રોત્સાહન રકમ આપવાની જાહેરાત કરી છે. દક્ષિણનાં રાજ્યોનું વસ્તી બાબતનું ગણિત અને સમીકરણ રાજકારણથી પ્રેરિત હોવા સાથે લોકસભામાં બેઠકોની રાજ્યવાર વહેંચણીનું તત્ત્વ પણ છે. ઈશાનનાં રાજ્યોમાંના સિક્કિમે પણ દંપતીઓને વધુ સંતાનો કરવા માટે પ્રોત્સાહિત કરવાની નીતિ અપનાવી છે, જેમાં વર્ષભરની મેટર્નિટી લીવ, એક મહિનાની પેટર્નિટી લીવ તથા આઈવીએફ માટે આર્થિક મદદ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
દેશની જનસંખ્યા
જરાક અલગ પ્રકારનું કોકડું છે. 1980ના દાયકાની મધ્યમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા,
થાઈલૅન્ડ તથા તુર્કી જેવા દેશોને જન્મદર વધુ લાગતા વસ્તી ઘટાડાનાં પગલાં લેવાયાં પરિણામ
એ આવ્યું કે, 2015 સુધીમાં વૃદ્ધોની સંખ્યા યુવાનો કરતાં વધી ગઈ તથા સામાજિક-આર્થિક
સ્તરે અનેક વિસંગતિઓ મોઢું ફાડી ને ઊભી રહી ગઈ. 2015 પછી આ બધા દેશો બાળજન્મનું પ્રમાણ
વધારવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરી છે અને એક દાયકાથી વધુ સમય છતાં તેઓ ઇચ્છિત
રિપ્લેસમેન્ટ રેટ સુધી પહોંચી શક્યા નથી અને વૃદ્ધોની વધતી સંખ્યા સામે યુવાનોનું પ્રમાણ
ઓછું છે. ભારત માટે અત્યારે તો વિશ્વમાં સૌથી ઉત્તમ સમય છે, કેમ કે 35 વર્ષની વયની
અંદરનાઓનું પ્રમાણ સૌથી વધુ છે. પણ ઘટતો ફર્ટિલિટી રેટ અને એકંદર રિપ્લેસમેન્ટ દર લાંબા
સમય સુધી રહે તો એ બાબત ઊંઘ ઉડાડનારી સાબિત થઈ શકે છે.