ગુજરાતના લોકોને હવે હાશકારો છે, રાહત છે. વરસાદની ક્યાંક ક્યાંક ઘટ વર્તાઈ રહી છે તેમ છતાં સર્વત્ર વરસાદ પડી તો ગયો જ છે. જૂન માસ આખો અને જુલાઈના આરંભે જે સ્થિતિ હતી તેની સરખામણીમાં જુલાઈના આ અંતિમ હિસ્સામાં ધરતીને અને જનહૈયાંને ટાઢક છે. વરસાદની જરૂર હતી અને છે તેથી નાગરિકોએ, જનતાએ કોઈ વિશેષ ફરિયાદ કરી નથી અને રસ્તા જ કાઢયા છે, પરંતુ હાલાકી તો તેને પડી જ છે. સ્વાભાવિક રીતે ચોમાસું કૃષિ અને અર્થતંત્ર માટે તથા સમગ્રતયા: પ્રકૃતિના દૃષ્ટિકોણથી અગત્યની ઋતુ છે, પરંતુ જે સમસ્યા દર વર્ષે થાય છે તેના ઉકેલ માટે આયોજન કે પ્રયાસ કેમ ન થાય?
પહેલા જ વરસાદે પણ તંત્રની પોલ ખૂલી, ગામ પાણીમાં એવાં સૂત્રો ચૅનલ ઉપર દેખાય-સંભળાય ત્યારે કેટલાક લોકો ટીકા કરતા હોય છે કે વરસાદને વધાવવાનો હોય તેને બદલે માધ્યમો તો તેની ટીકા જ કરે છે. વરસાદને ચોક્કસ વધાવવાનો જ હોય. આ કુદરતના આશીર્વાદ છે. તેનાં ઓવારણાં લેવાના હોય પરંતુ તેથી તેને લીધે ઊભી થતી સમસ્યાની અવગણના ન કરાય. પ્રગતિશીલ દેશોમાં આપણા કરતાં થોડું જુદું ઋતુચક્ર છે, વરસાદ વધારે પડે છે, અનિશ્ચિત પડે છે તેમ છતાં ત્યાં રસ્તાના ખાડા, પાણી ભરાવાં જેવા પ્રશ્નોનું પ્રમાણ નહીંવત્ છે. આપણી સ્થિતિ શું છે આપણે જાણીએ છીએ.
અમદાવાદનાં દૃશ્યો આપણે જોયાં. જેને પોશ-ભદ્ર વિસ્તાર કહેવાય, શહેરના નવવિકસિત કહેવાય તેવા વિસ્તારો પાણીમાં ગરક થયેલા જોવા મળ્યા. નદીકાંઠાના વિસ્તારમાં પાણી ઘૂસે તો સમજી શકાય પરંતુ અમદાવાદમાં બોપલ કે એસજી હાઈવે, રાજકોટમાં 150 રિંગ રોડ જેવા વિસ્તારમાં પણ સ્થળ-જળનો ભેદ ભુલાય તે કેવી રીતે બને, રાજકોટમાં તો 3 ઈંચ વરસાદમાં પણ માધાપર ચોકડી તળાવ બની જાય છે. ચોમાસાંમાં ટ્રેન વ્યવહાર ખોરવાય તે માની શકાય, કારણ કે ટ્રૅક ઉપર પાણી ફરી વળે તેના ઉપર કોઈનું નિયંત્રણ ન હોય, પરંતુ જ્યાં આયોજન થઈ શકે તેમ છે તેવાં નગર-મહાનગરના વિસ્તારમાં પણ કેમ દર વર્ષે એનું એ જ થાય, રસ્તામાં પાણી, નવા બનેલા રસ્તાઓ તૂટી જાય, ખાડા પડે, ભૂવા પડે અને અકસ્માત થાય.
પ્રતિવર્ષ ચોમાસાનો આ જ ક્રમ. પાણીનું વધુ પ્રમાણ ડામરને તોડી નાખે તે સમજી શકાય, પરંતુ તમામ ક્ષેત્રે ટેક્નૉલૉજીમાં આપણે પ્રગતિ કરીએ તો આનો કોઈ ઉપાય કેમ નહીં શોધાતો હોય, રસ્તા આટલી હદે ન તૂટે, પાણી ભરાઈ રહે તેવા ખાડા ન પડે તેના માટે કોઈક તો ઉકેલ હોય ને, પીજીવીસીએલ દર વર્ષે મે માસમાં પ્રિ-મોન્સૂન કાર્યવાહી કરે, પરંતુ વરસાદ પડે એટલે વીજપુરવઠો ન જ હોય. ઉમરગામ, અમદાવાદ જેવો અત્યંત વરસાદ હોય ત્યાં આવું થાય, પવન ફૂંકાયો હોય અને થાંભલા પડે કે વાયર તૂટે તે સમજાય પરંતુ રાજકોટમાં જ્યાં કુલ 4 ઈંચ વરસાદ 24 કલાકમાં પડયો હોય ત્યાં પણ વીજપુરવઠો ન હોય તે કેવું? અને તેમાં પણ પ્રતિવર્ષ એ જ ફરિયાદો, કોઈ ફોન નથી ઉપાડતું, કોઈ જવાબ નથી દેતું. વરસાદ પડે પછી બધા દોડે, બધું પુન: સ્થાપિત કરે તે સારી વાત છે પરંતુ શક્ય તેટલા તો આગોતરા ઉકેલ લાવવા જોઈએ, વરસાદને કે તેના પ્રમાણને અટકાવી ન શકાય પરંતુ વ્યવસ્થાપન તો થઈ શકે.