• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ભાષા અને રાજકારણ: પહેલો અંક પૂરો

રાજ્યના રિક્ષા-ટેક્સી ચાલકો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાના આદેશને પગલે પહેલા સખતાઈ, પછી સંઘર્ષ-ઘર્ષણ અને તેના પગલે શરૂ થયેલી રાજરમત બાદ હવે તેનું અમલીકરણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક વર્ષ માટે લંબાવી દીધું છે. મહારાષ્ટ્રની મહાયુતિ સરકારમાં આંતરિક સ્તરે બધું સમુસૂતરું નથી, એ વધુ એકવાર સાબિત થયું છે. શિંદેસેનાના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક મરાઠી ફરજિયાત કરવા બાબતે આગ્રહી હતા. ભાજપના મતદારોમાં ઉત્તર ભારતીયોની સંખ્યા ખાસ્સી મોટી છે, એ જાણીતું છે અને રિક્ષા-ટેક્સી ચાલકોમાં તેમનું સંખ્યાબળ જોતાં અને આ નિર્ણયના વિરોધમાં જે રીતે તેઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા તેના પગલે અમલ બજાવણી એક વર્ષ માટે આગળ ઠેલવાનો નિર્ણય પાછળ આવતા વર્ષે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી પણ કારણભૂત છે. સરકારમાં સાથે હોવા છતાં એકનાથ શિંદે નવી દિલ્હીના ભાજપના હાઈ કમાન્ડની નજીક છે અને વારંવાર તેમની પાસે રાવ લઈને પહોંચી જાય છે. વળી, મુંબઈ નગરપાલિકામાં પણ મેયરનું પદ અમને મળવું જોઈએ એવી માગ પણ શિંદેસેનાએ શરૂ કરી છે. આ બધું જોતાં ફડણવીસે દેખાડી દીધું કે રાજ્યમાં મોટા ભાઈના રોલમાં કોણ છે.

મહારાષ્ટ્ર મોટર વેહીકલ રૂલ્સ, 1989ના નિયમ 24 મુજબ ડ્રાઈવરને લાઈસન્સ અને પબ્લિક સર્વિસ વાહનો ચલાવવાનો બિલ્લો મળે એ પહેલાં તેને મરાઠીનું તથા સ્થાનિક રૂટ્સનું જ્ઞાન હોવું આવશ્યક છે. આથી, આ નિયમનું અમલીકરણ સુદૃઢ બનાવવા માટે અત્યારની કવાયત હાથ ધરાઈ રહી છે, એવો હવાલો આપતા પરિવહન પ્રધાને મરાઠી સખતીની ઝુંબેશ શરૂ કરી હતી. જોકે, 2017માં બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારના આવા જ એક આદેશને રદ કર્યો હતો, જેમાં રિક્ષાની પરમિટ મેળવવા માટે મરાઠી બોલવાનું ફરજિયાત કરાયું હતું. એ વખતે અદાલતે ધ્યાન દોર્યું હતું કે, આ નિયમ પબ્લિક સર્વિસ વાહનોને લાગુ પડે છે અને રિક્ષા મોટર કૅબ શ્રેણીમાં આવે છે, આથી આ નિયમના દાયરામાં તે આવતી નથી. વળી, જે રીતે આ વખતે પરિવહન ખાતાએ આ ઝુંબેશને ઉપાડી હતી, એના કારણે સામાન્ય નાગરિકોમાં એવી લાગણી હતી કે, અન્ય બાબતોમાં અને કામમાં આ ખાતું આટલું સક્રિય કેમ નથી થતું? તો, રિક્ષા-ટેક્સી ચાલકોએ પણ વિરોધ કરતાં નાગરિકોને હાલાકી સહન કરવાની આવી આથી પણ સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. જોકે, આ બધા કરતાં આંતરિક રાજકારણ આ નિર્ણયની અમલ બજાવણી એક વર્ષ આગળ ઠેલવા માટે મોટું કારણ છે. ભાષાના મુદ્દે શરૂ થયેલી આ ચડસાચડસી જોકે, આટલેથી અટકશે નહીં, અત્યારે જે થઈ રહ્યું છે એ કદાચ ઈન્ટરવલ છે, રસપ્રદ વળાંક આગળ આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ