ભારતમાં સ્થૂળતાનું પ્રમાણ ચોંકાવનારી હદે વધી રહ્યું છે અને ખાસ તો બાળકોમાં અૉબેસિટીનું સ્તર ખાસ્સું મોટું છે. ચીન પછી ભારત ચાઈલ્ડ અૉબેસિટી વિશ્વમાં બીજા ક્રમે છે ત્યારે ફૂડ સૅફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ અૉથોરિટી અૉફ ઇન્ડિયાએ (એફએસએસએઆઇ) વધુ પડતી સાકર, નમક અને અનહૅલ્ધી ચરબી તથા ઉચ્ચ રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતા પૅકેજ્ડ ફૂડ પર ચેતવણી દર્શાવતું લાલ રંગનું ષટ્કોણ ચિહ્ન મૂકવાનો પ્રસ્તાવ દેર આયે પણ દુરુસ્ત આયે એવો છે. સુપ્રીમ કોર્ટે એફએસએસએઆઇનો કાન વૉર્નિંગ લેબલ સબબે હજી એકાદ અઠવાડિયા પહેલાં જ આમળ્યો છે, એ પછી આ પ્રસ્તાવ આવ્યો, એ યોગાનુયોગ હોય તો પણ આવકારદાયક છે. ખાસ તો નાનાં બાળકોમાં વધતા પૅકેજ્ડ ફૂડનાં ચલણ અને તેમનાં માતા-પિતામાં પણ આવા આહાર અંગે લાપરવાહીનું વલણ જોતાં આ પ્રસ્તાવ પર વહેલી તકે અમલ થવો જરૂરી છે. જોકે, આની અમલ બજાવણી માત્ર અદાલતની ટકોરની દૃષ્ટિએ ન કરાતાં ભાવિ પેઢીનાં સ્વાસ્થ્ય જેવી ગંભીર બાબત દરકાર તરીકે થાય તો જ સાર્થક ગણાય.
પૅકેજ્ડ ફૂડ પર ચેતવણીનું ચિહ્ન હોવા માત્રથી લોકોની વપરાશની ટેવ રાતોરાત બદલાઈ નથી જવાની, એ ખરું પણ એની કોઈ અસર નહીં થાય એવું માની લેવાનો નિરુત્સાહ પણ યોગ્ય નથી જ. ચિલી દેશનો દાખલો જુઓ, એકાદ દાયકા પહેલાં અહીં વધુ પડતી સાકર ધરાવતાં પીણાં પર કાળા રંગના ષટ્કોણનું ચેતવણી ચિહ્ન મૂકવાની શરૂઆત થયા બાદ તેના વેચાણમાં ચોવીસ ટકા જેવો ઘટાડો આવ્યાનો દાખલો છે. એમ તો એફએસએસએઆઇએ ભૂતકાળમાં ખાદ્ય સામગ્રીના પૅકેટ પર હૅલ્થ સ્ટાર રાટિંગ સિસ્ટમ મૂકવાની દરખાસ્ત આગળ કરી હતી, જેની ચોમેરથી ટીકા થઈ હતી, કેમ કે સ્ટાર રાટિંગ એ સકારાત્મક પ્રણાલી છે અને તેનાથી લોકો ગેરમાર્ગે દોરાઈ શકે છે.
નવી સિસ્ટમ ક્યારથી અમલમાં આવશે? તથા તેનું નોટિફિકેશન ક્યારે બહાર પડશે, એ અંગે સ્પષ્ટતા નથી. જોકે, ચેતવણીનું ચિહ્ન એવાં જ ઉત્પાદનો પર મૂકવામાં આવશે, જેમાં એકથી વધુ બિન સ્વાસ્થ્યપ્રદ સામગ્રી હોય. આ બાબતે પણ અદાલત કે સરકાર હસ્તક્ષેપ કરે તો સારું, કેમ કે સૉફ્ટ ડ્રિન્કમાં સાકર અને વૅફર્સમાં મીઠાનું પ્રમાણ વધુ હોય છે અને એક જ સામગ્રી જોખમી હોવા છતાં તે એકથી વધુ જોખમકારક સામગ્રી ધરાવતા ઉત્પાદન કરતાં સુરક્ષિત તો નથી જ થઈ જતાં. બાળકોને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો જ મળે એ જવાબદારી સૌથી પહેલાં તો માતા-પિતાની છે અને એમાં આ ચેતવણી ચિહ્ન મદદરૂપ થઈ શકે એમ છે.