આગામી પંદરમી અૉક્ટોબરથી યુપીઆઇ એટલે કે યુનિફાઈડ પૅમેન્ટ ઇન્ટરફેસ દ્વારા થતાં રૂપિયા બે હજારથી વધુના વહેવારો પર 0.4 ટકા ફી અમલી બનશે એવી જાહેરાત નેશનલ પૅમેન્ટ્સ કૉર્પોરેશન અૉફ ઇન્ડિયાએ (એનપીસીઆઇ) કર્યા બાદ જાતભાતની ભ્રમણા ફેલાવવાનું વિરોધ પક્ષોએ શરૂ કરી દીધું છે. આ ફી માત્ર પર્સન-ટુ-મર્ચન્ટ વહેવારો પર જ લાગશે અને વ્યવહારદીઠ તેમાં મહત્તમ રૂા. 300ની ટોચમર્યાદા પણ રાખવામાં આવી છે. વળી, એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને યુપીઆઇ દ્વારા થતી ચુકવણી પર આ ફી નહીં લાગે અને કેન્દ્રના નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે, બૅન્ક્સને સૂચના આપવામાં આવી છે કે વેપારીઓ એટલે કે ઈ-કૉમર્સ વેબસાઈટ્સ, કરિયાણાની દુકાનો તથા અન્ય દુકાનદારો જેઓ મહિને એક લાખથી વધુ રકમ ગ્રાહકો પાસેથી યુપીઆઇ દ્વારા મેળવતા હોય તેઓ આ ચાર્જની રકમ ગ્રાહક પાસેથી ન વસૂલે. નાણાં ખાતાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, રેલવે ટિકિટ, લાઈટ-પાણીનાં બિલ, વીમા પ્રીમિયમ અને ઈંધણ તથા કૃષિ ખર્ચના વહેવારો તથા કરની ચુકવણી પર મર્ચન્ટ પાસેથી ફ્લૅટ પાંચ રૂપિયાની મર્ચન્ટ ફી ચાર્જ કરવામાં આવશે. હા, અત્યાર સુધી ફ્રી હતું તેના પર ફી આવી છે, પણ આ નિર્ણયને માત્ર આવી ટૂંકી દૃષ્ટિથી જોવાની જરૂર નથી.
ગયા મહિને ટૅક્સેશન ઍન્ડ અધર લૉઝ ઍક્ટ 2026માં સુધારો કરી યુપીઆઇ ફી રજૂ કરવામાં આવી છે. આ સુધારાનો આધાર સ્ટેન્ડિંગ કમિટી અૉન ફાઈનાન્સે રજૂ કરેલા 32મા અહેવાલમાં છે. આ અહેવાલમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે, યુપીઆઇ વહેવારો પર એમડીઆર ન હોવાથી આ માધ્યમથી ચુકવણી કરવાનું આખું માળખું આર્થિક રીતે અધ્ધરતાલ થઈ શકે છે. એમડીઆર એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, આ એ રકમ છે, જે બૅન્ક અથવા ચુકવણી સેવા આપનારા મંચને ચૂકવવામાં આવે છે, જેથી ડિજિટલ વહેવારો પર પ્રક્રિયા થઈ શકે.
કોરોના બાદ ભારતમાં આ પ્રકારના વહેવારોમાં
જબરદસ્ત ઉછાળો આવ્યો છે, એકલા 2025-26માં જ ચોવીસ હજાર કરોડ યુપીઆઇ વહેવારો થયા હતા,
જેના દ્વારા રૂા. 314 લાખ કરોડની લેવડદેવડ થઈ હતી. 2016માં યુપીઆઇ એમડીઆર સાથે શરૂ
કરાયું હતું અને 2020માં સરકારે શૂન્ય એમડીઆર નીતિ અખત્યાર કરી હતી, જેથી ડિજિટલ વહેવારો
સર્વસ્વીકાર્ય બને અને એવું જ થયું. હવે, આ માળખાને ટકાવી રાખવા માટે આ નજીવી ફી અનિવાર્ય
છે. વિરોધ એવો થઈ રહ્યો છે કે, આ ફીનો માર ગરીબ વર્ગને સૌથી વધુ પડશે, પણ વાસ્તવિકતા
એ છે કે, 95 ટકા જેટલા યુપીઆઇ વહેવારો બે હજાર રૂપિયાથી ઓછા મૂલ્યના હોય છે. આથી, આટલી
મોટી સંખ્યામાં લોકોને આ સુવિધા મળતી રહે એ માટે ઉચ્ચ મૂલ્યના વહેવારો પર આ ફી લાગુ
કરાઈ હોય તો એનો સ્વીકાર થવો જોઈએ. વિદેશી દબાણમાં કે વ્યાપક વેપારી વર્ગને કરની જાળમાં
લાવવા માટેના કારસા તરીકે આ પગલાંને જોવા કરતાં સેવા માટે ચૂકવવી પડતી ફી તરીકે જોવામાં
આવે એ સમયની માગ છે.