ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગની અમેરિકા યાત્રાને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મહત્ત્વ મળ્યું. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલેનિયાને લઈને શી દંપતીના સત્કાર માટે ઍરપોર્ટ દોડી ગયાં. 21 તોપની સલામી અપાઈ... વ્હાઈટ હાઉસમાં શાનદાર પાર્ટી... એકંદરે ચમકદમક અને મહેમાનબાજી એવી લાગી કે ટ્રમ્પ તેમના ચીની સમકક્ષ પર ન્યોછાવર ગઈ ગયા છે. દ્વિપક્ષીય વાટાઘાટે હકારાત્મક ટોનમાં સંપન્ન થયાની જાહેરાત કરાઈ. જિનપિંગે કહ્યું કે, બન્ને દેશ વિશ્વની મહાસત્તા છે. તેમના વચ્ચે સ્પર્ધા નહીં, પણ મિત્રતા હોય એ દુનિયા માટે ફાયદાકારક છે.
મીડિયામાં આવું બધું દેખાયું, જોવાયું, છપાયું પણ રાજદ્વારી નિષ્ણાતો માને છે કે, શિખર બેઠકની કોઈ નક્કર ફળશ્રુતિ જોવા નથી મળી. હાથ ઉષ્માસભર રીતે મળ્યા, પણ દિલ નથી મળ્યાં... દુનિયાનાં બે સૌથી વિશાળ અર્થતંત્ર ગાઢ રીતે એકબીજા સાથે જોડાયેલાં છે. આ મુલાકાત વખતે બન્ને નેતાઓની શારીરિક ભાષાની ચર્ચા થઈ. ટ્રમ્પની વાતચીતમાં ઉમળકો હતો, સામાન્ય રીતે ડોનાલ્ડ આટલા નમતા નથી, પણ શી જિનપિંગ કાંતિલ ઠંડાં સ્મિત અને મૌન સાથે રહ્યા.
અહીં 2014ની જિનપિંગની ગુજરાત મુલાકાતની યાદ તાજી થઈ. શી જિનપિંગ અમદાવાદ સજોડે આવ્યાં. વડા પ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીનું પહેલું વર્ષ હતું અને તેમણે શીને સજોડે હિંચકે ઝુલાવ્યા. ગુજ્જુ વાનગીઓ ખવડાવી... બન્ને દેશ વચ્ચેનું અંતર ઓછું થશે એવી ઉમ્મીદ બંધાઈ, પણ ચીને પોતાની ફિતરત કયાં બદલી? ગલવાન સંઘર્ષ અને પાકિસ્તાનને થાબડવાની નીતિઓને બીજિંગ વળગી રહ્યું છે. ટ્રમ્પ માટે પણ તેમની સરકારના-પક્ષના વડેરાઓએ એવો મત દર્શાવ્યો કે, શ્રીમાન પ્રેસિડેન્ટે આટલો અતિ ઉત્સાહ કે અતિ ઉમળકો બતાવવાની કોઈ જરૂર નહોતી.
ટ્રમ્પ-શી જિનપિંગ મંત્રણાનું એક પરિણામ એ આવ્યું કે, અમેરિકાએ રશિયન તેલ મગાવનાર દેશો પર લાગુ કરેલો 100 ટકા ટેરિફ બે મહિના મોકૂફ રાખ્યો, પણ બન્ને દેશના મતભેદ અને પ્રતિદ્વંદ્વિતા જેમનાતેમ છે. અમેરિકાએ ચીન પર કેટલાય આકરા ટેરિફ ઝીંક્યા છે. ચીન દ્વારા અમેરિકી માલસામાન ખરીદીની નીતિનો વિવાદ, રેયર-અર્થ સપ્લાય અને ચીનને અપાનારી ઉચ્ચ ટેક્નૉલૉજી પર અમેરિકાએ પ્રતિબંધ મૂકેલા છે.
ઈરાન સાથેના યુદ્ધમાં ચીન હંમેશાં અખાતી દેશનું પક્ષકાર રહ્યું છે. અલબત્ત, દુનિયાનાં બે મહાન રાષ્ટ્રના વડાઓ આટલી નિકટતાથી મળ્યા એનું મહત્ત્વ ઓછું આંકી ન શકાય. દુનિયાના અનેક ખૂણામાં યુદ્ધ ભડકી રહ્યાં છે. એ સ્થિતિમાં સામર્થ્યવાન દેશ કે તેના નેતાઓ વચ્ચે વૈચારિક આદાનપ્રદાન ફાયદાકારક જ માનવું રહ્યું.