મહારાષ્ટ્ર વિધાન પરિષદની બે બેઠક શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીએ જીતી લીધા પછી રાજ્યમાં અજિત પવારની `રાષ્ટ્રવાદી કૉંગ્રેસ'ના આંતરિક વિખવાદ સપાટી ઉપર અને જાહેરમાં આવ્યા છે. વિશેષ કરીને અજિત પવારના પુત્ર - પાર્થ વિવાદના કેન્દ્રમાં છે. સુનેત્રા પવાર પક્ષના અધ્યક્ષપદે છે પણ તમામ મહત્ત્વના નિર્ણય ઉપર પાર્થ પવારની `છાપ' હોવાની ટીકા થઈ રહી છે અને સિનિયર નેતાઓ વિરોધ કરી રહ્યા છે ત્યારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના બંને ભાગ ફરીથી પાછા ભેગા થઈ જાય એવી શક્યતા ચર્ચાઈ રહી છે. આવી શક્યતા નકારાઈ રહી છે પણ રાજકારણમાં અનિશ્ચિતતા હંમેશ હોય છે. ખુદ શરદ પવારે જાતે આવી શક્યતા નકારી હોવા છતાં ઘણા નેતાઓ અને નિરીક્ષકો રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં નવા-જૂની થવાની રાહ જોઈ રહ્યા છે.
નવી
દિલ્હીમાં સુનેત્રા અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓનું `પ્રતિનિધિ મંડળ' ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા પછી મુંબઈમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં વર્તુળોમાં બંને પક્ષોના `સંગમ'ની ચર્ચા ગંભીર બની છે. અમિત શાહને મળેલા પ્રતિનિધિ મંડળમાં સુનીલ તટકરે, પ્રફુલભાઈ પટેલ, છગન ભુજબળ, સમીર ભુજબળ, હસન મુશરીફ, દિલીપ વળસે-પાટીલ હતા અને એમનું સૌનું કહેવું છે કે `જોડાણ'નો પ્રશ્ન નથી અને સુનેત્રાની નેતાગીરીનો વિરોધ પણ નથી. મૂળ વિરોધ પાર્થ પવારની દખલગીરી સામે છે. સુનેત્રા પવાર અન્ય સિનિયર નેતાઓને વિશ્વાસમાં લેતાં નથી અને પુત્ર પાર્થની સલાહ મુજબ નિર્ણયો લઈ રહ્યાં છે. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારે મુખ્ય પ્રધાન પાસે નાણાં વિભાગની માગણી કરી છે. રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ હોવાથી રાહતકાર્યો માટે વધુ નાણાં ફાળવવા પડશે તેથી નાણાં ખાતું મહત્ત્વનું છે!
સુનેત્રા
પવારના પક્ષમાં કેટલાક ફેરબદલ થયા છે અને હવે પાર્થ એમના સ્વ. પિતાજીના સ્થાને - પક્ષ પ્રમુખ બનવા માગે છે એમ મનાય છે અને તેમના વિરોધમાં સિનિયર નેતાઓ છે!
બંને
રાષ્ટ્રવાદી કૉંગ્રેસનું જોડાણ થાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી ઉત્પાત શરૂ થાય અને મહાયુતિની સરકારની સ્થિરતા ઉપર અસર પડે એવી શક્યતા છે તેથી જ અમિત શાહ સક્રિય છે.