• મંગળવાર, 22 જુલાઈ, 2025

સંસદમાં વડા પ્રધાનના નિવેદનનો આગ્રહ શા માટે?

પહલગામ હત્યાકાંડ અને અૉપરેશન સિંદૂર અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નિવેદન કરે અને વિપક્ષના પ્રશ્નોના જવાબ આપે એવો નિયમ અને શિરસ્તો પણ છે. છતાં વડા પ્રધાન જ જવાબ આપે -નિવેદન કરે એવો આગ્રહ શા માટે રખાય છે? 

ભારતીય સંસદમાં વિપક્ષી સભ્યો પહલગામમાં સરકારી એજન્સીઓની નિષ્ફળતાના આક્ષેપ કરીને સરકાર પાસે ખુલાસા માગી રહ્યા છે ત્યારે અમેરિકી સરકારે લશ્કર-એ-તોયબાના મુખવટા - ટીઆરએફને (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) પાકિસ્તાની આતંકવાદી સંગઠન જાહેર કરીને કહ્યું છે કે નાગરિકોની હત્યા કરનારાઓને છોડી શકાય નહીં. પાકિસ્તાનને અમેરિકાએ આ બીજો ઝટકો આપ્યો છે. હવે દુનિયાના અન્ય દેશો પણ પાકિસ્તાનનો બચાવ નહીં કરી શકે. ચીને પાકિસ્તાનનું નામ આપ્યા વિના પ્રાદેશિક આતંકી પ્રવૃત્તિની ટીકા કરી છે પણ હવે પાકિસ્તાનનું નામ છૂપું રહ્યું નથી.

ભારતમાં વિરોધી નેતાઓ કહે છે કે મોદી સરકારે વિદેશોમાં પાકિસ્તાની આતંકનો વિરોધ કરવા પ્રતિનિધિમંડળો મોકલ્યાં પણ કોઈ દેશે ભારતને સમર્થન આપ્યું નથી. દાદ મળી નથી - હવે આ ટીકાકારોને પ્રેસિડન્ટ ટ્રમ્પની સરકારે જવાબ આપીને ચૂપ કર્યા છે. ટ્રમ્પનાં નિવેદનો અને મધ્યસ્થીના દાવા પછી હવે છેલ્લા નિવેદનથી પાકિસ્તાનને ઝટકો લાગ્યો હશે પણ ભારતમાં વિરોધ પક્ષોને યોગ્ય સંદેશ મળ્યો છે. છતાં આપણાં કેટલાં વિમાન પાકિસ્તાને તોડી પાડયાં - તેનો ખુલાસો માગી રહ્યા છે. આ પ્રશ્ન પાછળ વિપક્ષી રાજકારણ છે અને વડા પ્રધાન નમતું નહીં જોખે. એનડીએના ભાગીદાર પક્ષો સંસદમાં ભારતીય સેનાની સફળતા બતાવીને ઊણપના આક્ષેપોને રદિયો આપશે. દેશના સંરક્ષણ બાબતમાં રાજકારણ ક્યાં સુધી ચલાવાશે?

સંસદનું વર્ષા સત્ર શરૂ થયું છે ત્યારે વિપક્ષની એકતા બતાવવા માટે કૉંગ્રેસે આગ્રહ રાખ્યો છે કે અૉપરેશન સિંદૂર તથા પ્રેસિડન્ટ ટ્રમ્પનો દાવો-ભારત-પાક યુદ્ધ બંધ કરાવવા એમણે જ દબાણ કર્યું - આ બન્ને બાબતોમાં વડા પ્રધાન મોદી જ સંસદમાં નિવેદન કરે. આવા આગ્રહને સંસદીય ચર્ચામાં વિવાદનો મુદ્દો શા માટે બનાવાયો તે વિચારવું જોઈએ. વર્ષા સત્ર હોય કે શિયાળુ - શીતકાલીન સત્ર હોય મહત્ત્વના વિષયોમાં સંબંધિત ખાતાંના પ્રધાન નિવેદન કરે અને તે પછી ચર્ચા થાય તેમાં જવાબ પણ આપે. સામાન્ય રીતે કોઈ વિશેષ વિષયની ચર્ચા હોય અથવા સભા મોકૂફ કે સરકાર સામે અવિશ્વાસના ઠરાવની ચર્ચા હોય ત્યારે વડા પ્રધાન જવાબ આપતા હોય છે.

પહલગામ હત્યાકાંડ અને અૉપરેશન સિંદૂર અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નિવેદન કરે અને વિપક્ષના પ્રશ્નોના જવાબ આપે એવો નિયમ અને શિરસ્તો પણ છે. છતાં વડા પ્રધાન જ જવાબ આપે -નિવેદન કરે એવો આગ્રહ શા માટે રખાય છે? હકીકતમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અૉપરેશન સિંદૂરમાં આપણાં કેટલાં રાફેલ વિમાન તોડી પાડવામાં આવ્યાં? એ પ્રશ્ન પહેલા દિવસથી જ વારંવાર ઉઠાવી રહ્યા છે. શક્ય છે કે એમને ચીન અથવા ફ્રાન્સના હરીફ દેશો પાસેથી આવી માહિતી મળી હોય અને રાહુલ ગાંધી તો પહેલેથી જ રાફેલ વિમાનોની ખરીદી પાછળ `તપાસ' કરી રહ્યા છે. આ એક અવસર છે જ્યારે તેઓ રાફેલની `નાકામિયાબી' પુરવાર કરી શકે.

સામાન્ય રીતે લડાઈ ચાલતી હોય ત્યારે કોઈ દેશ પોતાની નુકસાની જાહેર કરીને ઢંઢેરો પીટે નહીં. કારણ કે એમ કરવાથી સેના અને સામાન્ય નાગરિકોનો જુસ્સો તૂટી શકે. અૉપરેશન સિંદૂરના કેસમાં પાકિસ્તાનનાં કેટલાં વિમાન આપણે તોડી પાડયાં કે કેટલું નુકસાન કર્યું - તેવો પ્રશ્ન રાહુલ ગાંધીએ ક્યારેય પૂછ્યો નથી. તેનું આશ્ચર્ય છે છતાં આપણે જે નુકસાન પાકિસ્તાનને કર્યું તે તો જગજાહેર છે. આજે પણ વિમાન મથકો ખંડેર હાલતમાં દેખાય છે. આપણી સેનાના સિનિયર અફસરોએ સ્પષ્ટતા કરી હતી કે લડાઈમાં નુકસાન તો થાય જ પણ તેની છાપરે ચડીને પોક મુકાય નહીં. આ વાત સામાન્ય નાગરિકો પણ સમજી શકે છે.

આમ છતાં પહલગામમાં આપણી ગુપ્તચર સંસ્થાઓની `િનષ્ફળતા' અને લડાઈમાં નુકસાનના પ્રશ્નોના જવાબ જાહેરમાં માગવામાં આવી રહ્યા છે. સૌથી ગંભીર પ્રશ્ન ટ્રમ્પના દાવા બાબત છે. યુદ્ધવિરામ કરવા માટે ટ્રમ્પે પાકિસ્તાનને સલાહ આપી કે - તમે જ ભારતની સેનાને સફેદ ઝંડી બતાવો. આ પછી અમેરિકનો અને દુનિયાને બતાવવા માટે એમણે દાવો કર્યો! ભારતીય સેના અને વડા પ્રધાને વારંવાર રદિયો આપ્યો. કોઈની મધ્યસ્થીનો પ્રશ્ન જ નથી એમ પણ કહી દીધું. છતાં હવે - ભારતીય સંસદનું સત્ર શરૂ થયું તેની પૂર્વ સંધ્યાએ ફરીથી પાંચ વિમાનો તૂટયાં હોવાનો `ધડાકો' કર્યો. અલબત્ત, - ભારતનાં રાફેલ વિમાનોનું નામ આપ્યું નહીં તેટલી મર્યાદા જાળવી છે!

હવે વડા પ્રધાન મોદી સંસદમાં પ્રમુખ ટ્રમ્પને ફરીથી રદિયો આપે, પડકારે એમ કૉંગ્રેસ ઈચ્છે છે. ટ્રમ્પને આખી દુનિયા ઓળખે છે. ત્યારે એમનું સ્વમાન-ગુમાન ઘવાય એવું શા માટે કરવું? અને આપણે રાષ્ટ્રહિતનો પણ વિચાર કરવાનો છે. ટેરિફ મુદ્દે આપણે મક્કમ છીએ અને ટ્રમ્પ સ્વીકારે છે ત્યારે એમને શા માટે છંછેડવા? આપણા વિરોધ પક્ષો મોદીને નિશાન બનાવવા માગે છે અને મોદી વિપક્ષી દબાણ આગળ ઝૂકે તો કહી શકાય કે મોદીને હરાવ્યા! પીછેહઠ કરાવી એમ કહીને બિહારની ચૂંટણીમાં પ્રચાર થાય. મોદીએ સર્વપક્ષી પ્રતિનિધિમંડળો વિશ્વ પ્રવાસે મોકલીને આતંકવાદ સામે સૌની આંખો ખોલી તે વિપક્ષો જોઈ શકતા નથી - પચાવી શક્તા નથી!

બિહારમાં મતદાર યાદીની ફેરતપાસમાં કોઈ જ ગોટાળા- ગોલમાલ નથી - છતાં વિરોધ પક્ષો કાગારોળ કરે છે. કારણ કે `ફરજી-તરકટી' મતદારોનાં નામ નીકળી રહ્યાં છે. આ વિષયની ચર્ચામાં આક્ષેપો થશે મોદી જવાબ આપશે - પણ બિહારની જાહેર સભાઓમાં...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ