79મા સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગા સંદેશમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય - વિકસિત ભારતથી સમૃદ્ધ ભારત નિર્માણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે? સમૃદ્ધ ભારતથી સલામત ભારતનું વચન આપ્યું છે. આ શુભ પ્રસંગે અમેરિકાએ પણ ભારત સામેના ઐતિહાસિક સંબંધ વધુ ગાઢ - મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઇન્ડો-પેસિફિક વિસ્તારને વધુ શાંતિમય, સમૃદ્ધ બનાવવાના પ્રયાસમાં એકતાથી સાથે છે. આ ભાગીદારી ટેક્નૉલૉજીના વિકાસથી અવકાશ સુધી વિસ્તરી રહી છે એમ જણાવ્યું છે. વ્યાપાર ક્ષેત્રમાં આવેલા અવરોધ છતાં ભાગીદારી વિસ્તરે છે. અમેરિકાના શુભેચ્છા સંદેશ ઉપરાંત ચીનમાં આપણા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ચીની સરકારના બે ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપીને શુભેચ્છા વ્યક્ત કરી છે ત્યારે ઘરઆંગણે - લાલ કિલ્લાના ઉત્સવમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કૉંગ્રેસપ્રમુખ ખડગેની ગેરહાજરી - બહિષ્કાર દેશવાસીઓનાં હૃદય અને મનમાં ખૂંચે તે સ્વાભાવિક છે. રાષ્ટ્રીય ઉત્સવમાં રાજકારણને બદલે રાષ્ટ્રકારણને પ્રાધાન્ય આપીને વડા પ્રધાનની ઘોષણાને આવકાર આપીને સ્વીકાર થયો હોત તો આનંદ અને ઉમંગમાં વિપક્ષનો સૂર ભળ્યો હોત.
વડા પ્રધાનના ભાષણ નહીં, પ્રવચનમાં વિરોધ
કરવા જેવું શું છે? કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી નેતાઓને વિરોધ માટે એક મુદ્દો મળ્યો
- આરએસએસ! વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી અને સેવા, સમર્પણ નિષ્ઠાને
બિરદાવી તો ટીકા થઈ કે `આઝાદી આંદોલનનું અપમાન થયું, સંવિધાનનું અપમાન થયું. શરમજનક
છે.' ભારતની એકતા જોડવા માટે નહીં તોડવાનું ભાષણ છે! મોદી હવે ભાગવતને રાજી રાખવાના
પ્રયાસ કરે છે એવી આક્ષેપાત્મક ટીકા થઈ! વાસ્તવમાં તો નેહરુએ પ્રથમ પ્રજાસત્તાક પરેડમાં
સામેલ થવા સંઘને આમંત્રણ આપ્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ સાહેબ અને
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખરજીએ પણ સંઘની સેવા બિરદાવી હતી. દેશમાં કુદરતી કોપ
હોય કે આક્રમણ હોય ત્યારે રાહત કાર્યોમાં સૌથી પહેલા સંઘના સેવકો પહોંચે છે - પણ વિપક્ષો
સંઘના નામથી ભડકે છે!
વડા પ્રધાને લાલ કિલ્લા ઉપરથી દેશવાસીઓને
સંદેશ, દુશ્મન - પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે. ભારતના સંરક્ષણ માટે `સુદર્શનચક્ર'ની
ઘોષણા કરી છે. અૉપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાને સલામ કરી છે. ટ્રમ્પની `દાદાગીરી'નો
જવાબ આપ્યો છે. આ મુદ્દા આવકારીને મોદીનો આભાર માનવો જોઈએ.
સ્વાતંત્ર્ય સંગ્રામની યાદ અપાવી. સ્વતંત્ર
ભારતનું ધ્યેય સફળ થયું એવી જ રીતે હવે સમૃદ્ધ ભારતના નિર્માણમાં સહભાગી થવાનું આહ્વાન
દેશવાસીઓને કર્યું. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અભિયાનનું સૂચન કર્યું અને સરકારના
પ્રોત્સાહનનું વચન આપ્યું - તેને આવકાર આપવાની દરકાર કોને છે? આત્મનિર્ભરતા માટે ખાનગી
ક્ષેત્ર અને ઉદ્યોગ સાહસિકોને નવી દિશાઓ ખેડવા માર્ગ બતાવ્યો. નવયુવાનોને ધંધા-રોજગાર
માટે એક લાખ કરોડની જાહેરાત કરી. ઉદ્યોગોને `દામ કમ, દમ જ્યાદા'ની સલાહ આપી. વિશ્વમાં
બદલાતી વ્યાપાર વ્યવસ્થાનો પ્રતિકાર કરવા, સ્પર્ધાત્મક બનવા માટે આર્થિક સુધારાનો નવો-તબક્કો
શરૂ કરવા માટે પગલાં જાહેર કર્યાં.
ભારતમાં ગેરકાયદે થતી ઘૂસણખોરીથી કાયદો-વ્યવસ્થા
અને સલામતી પણ જોખમાય છે. આપણી મા-બહેનોને નિશાન બનાવાય છે. સરહદી વિસ્તારોમાં રહેતા
લોકોનું સંતુલન બદલાઈ જાય છે અને ભારતીય લોકો કામ-ધંધા ગુમાવે છે. આ સમસ્યાના નિવારણ
માટે શક્તિશાળી વ્યવસ્થા કરવાની જાહેરાત થઈ.
બિહારમાં મતદાર યાદીઓની `સાફ-સફાઈ' કરવામાં
આવી તો વિરોધ પક્ષો કહે છે લોકતંત્ર ખતરામાં છે! પણ લોકતંત્રનો લાભ અને અધિકાર નાગરિકોને
મળવો જોઈએ તેના બદલે ઘૂસણખોરોને મળ્યો છે. ચૂંટણી અને લોકતંત્ર હાઇજેક થાય છે તે સામે
સરકાર હવે સક્રિય બની છે.
શહેરી ઘૂસણખોરો ઉપરાંત પાકિસ્તાની આતંકીઓની
ઘૂસણખોરીને અંજામ આપવા સીમા સુરક્ષાદળ સક્રિય છે. હવે પાકિસ્તાનમાં એમના ઘરમાં ઘૂસીને
અડ્ડા નેસ્તનાબૂદ કરવામાં આવ્યા ત્યારે પણ વિરોધ પક્ષોએ શંકા વ્યક્ત કરી. આપણી સેનાની
શક્તિ અને કાર્યવાહીમાં અવિશ્વાસ વ્યક્ત કર્યો! અૉપરેશન સિંદૂરની સફળતા પછી યુદ્ધવિરામનો
વિવાદ કર્યો. હવે પાકિસ્તાનમાં ફરીથી લડાઈનો સન્નીપાત શરૂ થયો છે અને અણુબૉમ્બની ધમકીઓ
શરૂ થઈ છે. સિંધુ નદીનાં જળ ઉપર દાવો કરે છે ત્યારે તેને જવાબ વડા પ્રધાન મોદીએ આપ્યો
છે - ચેતવણી હોય કે ધમકી - ભારતમાં એકતા હોવી જોઈએ - વિપક્ષોએ મોદીના સૂરમાં સૂર પુરાવવો
જોઈએ કે નહીં?
પાકિસ્તાનની ધમકી અને વિશ્વના બદલાતા સંબંધમાં
ભારતે પાણી (ઍટમ બૉમ્બ) પહેલા પાળ બાંધવી જોઈએ. ઇઝરાયલે હવાઈ હુમલા સામે રક્ષણ માટે
કાયમી આકાશી પોલાદી છત્રની વ્યવસ્થા કરી છે તે રીતે ભારતમાં તમામ જાહેર-ખાનગી સ્થળોનાં
રક્ષણ માટે આકાશમાં `સુદર્શનચક્ર'ની વ્યવસ્થા વિચારી છે. 2035 સુધીમાં સુદર્શનચક્ર
ગોઠવાશે. વિપક્ષોએ આ વ્યવસ્થાને આવકારવી જોઈએ. ભારતનું સંરક્ષણ ઇચ્છતા હોય તો...
વિપક્ષી નેતા રાહુલ ગાંધી મોદીને પડકારવા
અને ટ્રમ્પ સામે મેદાનમાં આવવા ઉશ્કેરી રહ્યા હતા - ટ્રમ્પનું નામ આપીને યુદ્ધવિરામનો
રદિયો આપે. મોદીએ સંસદમાં તો જવાબ આપ્યો. હવે ભારતવાસીઓને લાલ કિલ્લા ઉપરથી કહ્યું
છે કે કિસાનો, પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગના રક્ષણ માટે તેઓ દીવાલ બનીને ઊભા છે. કોઈ
દબાણને વશ નહીં થવાય.
આ સાંભળ્યા પછી રાહુલ ગાંધી મોદીનો આભાર
માનશે? અભિનંદન આપશે? આવી આશા રાખી શકાય? ભાજપના નામે ભારતનો - સમૃદ્ધ - સલામત ભારતનો
વિરોધ થઈ રહ્યો છે. રાષ્ટ્રના સંરક્ષણ માટે નહીં, સત્તા મેળવવા માટે આ વિરોધ છે.