અમદાવાદની ઘટનાની ચર્ચા ચારેકોર છે. એક તો શાળામાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીની હત્યા કરી છે. મૃતકના વાલી શોકગ્રસ્ત હોય અને અન્ય વિદ્યાર્થીઓના વાલી-િવદ્યાર્થી પોતે પણ ડરી જાય તે સ્વાભાવિક છે. ઘટના છે પણ એવી કે કોમી એકતાના આદર્શની વાત સંપૂર્ણપણે ઊભી રહે તેમ નથી. સવાલ એ છે કે, શાળામાં છાત્રની હત્યા થાય એટલી હદે બાળમાનસ કઇ રીતે વિકૃત થઇ ગયું હશે? સમાજ કઇ દિશામાં જઇ રહ્યો છે? શિક્ષણ જેને કહીએ છીએ તે પ્રવૃત્તિ આટલી ખોખલી અને નમાલી છે? શિક્ષણ અને શિક્ષકનો મૂળ હેતુ સારા ડૉક્ટર, એન્જિનિયર્સ નિર્માણ કરવાનો જ નથી, તેનું મુખ્ય કાર્ય તો સારા મનુષ્યો સમાજને મળે તે છે, પરંતુ શિક્ષણનું વધુ પડતું નિજીકરણ અને વિશેષતઃ જેમનો વ્યવસાય શિક્ષણ નથી તેમના હાથમાં આ વ્યવસ્થા આવી એટલે એક પવિત્ર ક્ષેત્ર ધંધાકીય હરીફાઈનું માધ્યમ બન્યું. એક વિદ્યાર્થીની હત્યા તો કરુણ ઘટના છે જ,પરંતુ આ બનાવ સમગ્ર શિક્ષણવ્યવસ્થા સામેનો મોટો પ્રશ્નાર્થ છે.
એક વિદ્યાર્થી પોતાના દફ્તરમાં હથિયાર લઈને આવે તેમાં સિસ્ટમ
કે શાળા શું કરે? સામે એ વાત છે કે, વિદ્યાર્થી અવસ્થામાં કોઈ આટલી હદે ન જાય તેવું
વાતાવરણ કરવામાં શાળા, શિક્ષણક્ષેત્ર સફળ થયા નથી. આ આદર્શ લાગે તેવી વાત છે, પરંતુ
નક્કર વાસ્તવિકતા છે. સ્કૂલમાં ભણવા, શીખવા જવાનું હોય તે જાગૃતિ નથી, તેથીય વધારે
અણીદાર સવાલ છે કે, એવી કઈ બાબત છે જેને લીધે વિદ્યાર્થીમાં આટલું ખુન્નસ ઉત્પન્ન થયું?
રમત રમવાની ઉંમરે કોઈના રામ રમાડી દેવાની વિકૃતિ કેવી રીતે આવી? તેમાં ફક્ત ધર્મ-કોમ
જ નહીં, સામાજિક માળખું જવાબદાર છે.
આ કિસ્સામાં અલબત્ત આરોપીનો ધર્મ ચર્ચામાં છે, તેને અવગણી
શકાય નહીં. આવા કિસ્સા દેશભરમાં બનતા રહે છે. એક તરફ ઉશ્કેરાયેલા વાલીઓ સતત એવી માગણી
કરી રહ્યા છે કે, આ સ્કૂલમાંથી અમુક ધર્મના વિદ્યાર્થીઓને નિષ્કાશિત કરો. ટૂંકાગાળાનો
ઉકેલ આ હોઈ પણ શકે, પરંતુ માગણી તો એ પણ થવી જોઈએ કે, વિદ્યાર્થીઓનું ઘડતર વ્યવસ્થિત
થાય, તેમનાં મનોવલણો સાથે શિક્ષકો અનુકૂલન સાધે, જરૂર પડÎે તેમનું કાઉન્સેલિંગ થાય.
વિદ્યાર્થી અવસ્થામાં કોઈ છરી કે ઘાતક હથિયાર લઈને જાય, મારી પણ દે તે સમાજચિંતકો,
શિક્ષણવિદો સામે મોટો પડકાર છે. કિશોરવયે આટલી હિંસક પ્રકૃતિ શા માટે થઈ? તે મૂળ સમસ્યા
છે. સોશિયલ મીડિયા, ફિલ્મો, વેબસિરીઝને આરોપી બનાવવા હોય તો બનાવી જ શકાય સાથે જ પેરેન્ટિંગ-બાળકનો
ઉછેર, ઘરનું વાતાવરણ પણ સૌથી મોટો ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓને નાની વયે વાહન અને મોબાઈલ
જેવાં સાધનો આપીને ક્યાંક આપણે ભૂલ નથી કરતા ને? તેવો સવાલ વાલીઓને થવો જોઈએ. ગહન મનોવૈજ્ઞાનિક
અભ્યાસ કરીને, શિક્ષકો, સામાજિક અગ્રણીઓ, વાલીઓ, શિક્ષણવિદો એકઠા થઈને આ મુદ્દે વિચાર
કરે તે જરૂરી છે. દેશના ઇતિહાસમાંથી ભૂલો શોધવાને બદલે વર્તમાનની ભૂલો શોધી, ભવિષ્ય
સુરક્ષિત બનાવવું વધારે હિતાવહ છે.