`વોટ ચોરી'ની ફરિયાદ - અથવા આક્ષેપનો વિવાદ હવે વધુ ગંભીર બની રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે રાહુલ ગાંધીને સાત દિવસની મુદત આપી છે - એમની સહી સાથે સોગંદનામું પેશ કરો અથવા દેશ સમક્ષ - જાહેરમાં માફી માગો. આ બે સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી અને જો સોગંદનામું નહીં અપાય અને માફી પણ નહીં માગે તો એઁનો અર્થ કે આક્ષેપો તદ્દન ખોટા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી કમિશનરને આપેલા જવાબમાં નવો આક્ષેપ - મોદી સરકાર ઉપર કર્યો છે કે વર્ષ 2023માં નવો કાયદો પસાર કરીને ચૂંટણીપંચ - કમિશનર અને એમની કાર્યવાહી બદલ કોઈ કોર્ટમાં સજા થાય નહીં. આવું `રક્ષણ' આપવાની જરૂર કેમ પડી? એમ પૂછે છે.
આ વિવાદમાં કાનૂન કરતાં રાજકારણ વધુ હોવાનું
સ્પષ્ટ છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના ચૂંટણી અધિકારીઓએ પણ શપથ ઉપર ફરિયાદ આપવા રાહુલ
ગાંધીને લેખિતમાં જણાવ્યું હતું - પણ તેનો જવાબ નહીં મળતાં હવે મુખ્ય કમિશનરે - કાનૂની
ભાષામાં મહેતલ આપી છે, પણ રાહુલ આ `નોટિસ' સ્વીકારે નહીં તો શું? મુખ્ય ચૂંટણી કમિશનર
કહે છે કે ત્રીજો વિકલ્પ નથી અને આક્ષેપો જુઠ્ઠા ગણાશે! અગાઉ એમ કહેવાયું હતું કે જુઠ્ઠા
આક્ષેપ બદલ જેલની સજાનો પ્રબંધ છે - પણ આ વખતે સજાનો ઉલ્લેખ નહીં કર્યો હોવાથી - પ્રશ્ન
છે કે સાત દિવસ પછી શું પંચ આ આક્ષેપ - ફરિયાદને ખોટા ગણાવીને ફાઈલ બંધ કરશે? અને રાહુલ
ગાંધી જાહેર સભાઓમાં `વોટ ચોરી'ની જેહાદ જારી રાખશે?
રાહુલ ગાંધી સોગંદનામું નહીં પેશ કરે અને
માફી પણ નહીં માગે, કારણ કે આક્ષેપબાજી અને વિવાદ ચાલુ રાખવામાં એમને રસ છે, રાજકીય
લાભ દેખાય છે! સલાહકારોએ ઈન્દિરાજીનો અનુભવ રાહુલ ગાંધીને જણાવ્યો જ હશે. જનતા પાર્ટીના
શાસન દરમિયાન ગૃહપ્રધાન ચૌધરી ચરણસિંહે નજીવો ગુનો નોંધાવીને ઈન્દિરાજીની `ધરપકડ' કરાવી
એઁને રાજકીય સ્વરૂપ આપીને ઈન્દિરાજીએ લાભ મેળવ્યો હતો. એમની `વાપસી'માં આ ઘટના મહત્ત્વની
હતી. આ પછી શાહ પંચમાં પણ એમણે જુબાની - નિવેદન આપવાનો સાફ ઈનકાર કર્યો અને રાજકીય
આક્ષેપ - પ્રચાર કર્યો.
રાહુલ ગાંધી પણ આ રીતે જાહેરમાં પ્રચાર
કરીને સરકાર - મોદીને પડકારવા માગે છે. ચૂંટણી કમિશનરે આક્ષેપોનો જવાબ નથી આપ્યો એવી
દલીલ થાય છે, પણ જવાબમાં જ સોગંદનામું માગવામાં આવ્યું છે. આ જવાબ છે. ચૂંટણી કમિશનરોને
2023માં કાનૂની રક્ષણ આપવામાં આવ્યું ત્યારે વિપક્ષના ધુરંધર કાનૂન પંડિતોએ વિરોધ અને
પ્રચાર કરવો જરૂરી હતો.
બિહારની મતદાર યાદીની સાફસફાઈનો મુદ્દો
પણ સુપ્રીમ કોર્ટમાં છે. જોકે સુધારેલી યાદી - રદ થયેલાં નામ પણ પંચે સુપ્રત કર્યાં
છે એથી હવે સુપ્રીમ કોર્ટ શું કહે છે એના ઉપર ઘણો આધાર છે.