• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી : સર્વાનુમતે થશે?

ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષપદેથી જગદીપ ધનખડે રાજીનામું આપ્યા પછી વિપક્ષી નેતાઓએ એમની શોધ કરવાની - એમને શોધવાની જાહેર માગણી કરી છે, પણ હજી સુધી `ભાળ' મળી નથી ત્યારે શાસક એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનની ઉમેદવારીને એનડીએના તમામ ઘટક પક્ષોએ સમર્થન આપ્યું છે. રાધાકૃષ્ણન તામિળ છે અને વડા પ્રધાને ગણતરીપૂર્વક એમની પસંદગી કરી છે. હવે કૉંગ્રેસ જૂથ યુપીએ માત્ર હાજરી પુરાવા ખાતર ઉમેદવારી કરે છે કે પછી તામિળનાડુના દ્રવિડ શાસક પક્ષને `તામિળ ધર્મસંકટ'માંથી ઉગારવા એનડીએના ઉમેદવારને ટેકો આપીને રાધાકૃષ્ણનની ચૂંટણી સર્વાનુમતે કરવામાં સહકાર આપે છે - તે જોવાનું છે.

નવમી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદનાં બંને ગૃહોના સભ્યો મત આપશે. બહુમતી માટે 392 મત જરૂરી છે, એનડીએ પાસે લોકસભાના 297 અને રાજ્યસભાના 134 મળીને કુલ 427 સભ્યો છે, જ્યારે યુપીએનું સંખ્યાબળ 354 છે તેથી ચૂંટણી થાય તો પણ રાધાકૃષ્ણનનો વિજય નક્કી છે.

તામિળનાડુના શાસક પક્ષનું સ્થાન ઇન્ડિ મોરચામાં મહત્ત્વનું છે. તેથી તમિળભાષી નેતા ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર હોય ત્યારે તેનો વિરોધ કરવાનું આસાન નથી. ભૂતકાળમાં યુપીએની સરકારે કૉંગ્રેસનાં પ્રતિભાદેવીસિંહ પાટીલને પ્રમુખપદના ઉમેદવાર બનાવ્યાં ત્યારે શિવસેનાએ એમને સમર્થન આપ્યું હતું. ઝૈલ સિંઘની ઉમેદવારીને અકાલી દળે ટેકો આપવો પડયો હતો અને પ્રણવ મુખરજીની ઉમેદવારીને સીપીએમ તથા મમતા બૅનરજીએ પણ ટેકો આપ્યો હતો. રાજકારણમાં ભાષાવાદની ભૂમિકા પણ હોય છે. હવે ડીએમકે અને રાધાકૃષ્ણન અપવાદ નહીં બને એમ મનાય છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે વડા પ્રધાન મોદીએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનનું નામ સૂચવ્યું તેના ઉપર સર્વસંમતિ થઈ છે. ધનખડ પછી તેઓ બીજા `પછાત જાતિ'ના નેતા છે. તામિળનાડુમાં રાજકીય રીતે વગદાર ગણાતી પછાત જાતિ - ગોંડર કોંગુ વેલ્લારના - પશ્ચિમ તામિળનાડુમાં વગદાર ગણાય છે. ભાજપના પૂર્વ પ્રમુખ અન્નામલાઈ તથા અણ્ણા ડીએમકેના મહામંત્રી ઈપીએસ પણ એમની જાતિના છે. જાતિવાદ ઉપરાંત રાધાકૃષ્ણનની પસંદગી માટે એમના રાજકીય અનુભવ અને નિષ્ઠાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. રાજ્યમાં ભાજપના મજબૂત કાર્યકર અને નેતા હોવા છતાં તમામ દ્રવિડ પક્ષો સાથે એમના સંબંધ સુમેળભર્યા રહ્યા છે. યુવા વયે આરએસએસમાં જોડાયા પછી લોકસભાની કોઈમ્બતુર બેઠક બે વખત જીત્યા છે. તેથી એમને રાજ્યસભામાં અધ્યક્ષ તરીકે ફાવટ રહેશે.