હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડના વિસ્તારોમાં લોકો અતિવૃષ્ટિ અને ભૂસ્ખલનનો ભોગ બન્યા છે. દેશભરમાં જલભરાવ અને પૂરની સ્થિતિ છે પણ મહાનગર મુંબઈ માટે નવાઈ નથી. દર વર્ષનો અનુભવ છે - અને બીએમસી માટે પણ `રાબેતા મુજબ'ની કામગીરી છે.
મુંબઈ સુધરાઈની ચૂંટણી
થાય ત્યારે ખરી પણ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીમાં `સમજૂતી' કરીને સામસામા ભ્રષ્ટાચારના
આક્ષેપ શરૂ કરી દીધા છે. લોકોની સુવિધાની ચર્ચા ક્યાંય સંભળાતી નથી. ચોમાસામાં મહાનગરનો
જળાભિષેક થાય અને માર્ગો ઉપર પાણી ભરાય, વાહન-વ્યવહાર અને ધંધા રોજગાર ખોરવાઈ જાય તે
વાર્ષિક અનુભવ છે. દર વર્ષે આવી સ્થિતિ હોય છે અને નેતાઓ વચનો આપે છે - `હવે પછી આવી
દશા-અવદશા નહીં હોય.' પણ ચૂંટણી વચનોની જેમ આ વચન પણ વરસાદના પાણીમાં `ધોવાઈ' જાય છે
અને કલાકો સુધી હસતા મોંઢે અને ક્યાંક ગુસ્સાથી લોકો હાડમારી સહન કરે છે: વર્ષોથી આ
તો `ન્યૂ નોર્મલ' બની ગયું છે અને કહેવાય એમ કે મુંબઈની `િસ્પરિટ જુઓ'. પણ લોકો હાડમારી
સહન કરે નહીં તો શું વરસાદ સામે હડતાળ પાડે? આ મજા નથી, સજા છે !
સ્વતંત્રતા દિવસ,
જન્માષ્ટમી અને રવિવારના લાંબા વીકઍન્ડના હૅન્ગઅૉવરમાંથી બહાર નીકળી મુંબઈનું જનજીવન
પાટે ચડી રહ્યું હતું ત્યાં સોમવાર અને મંગળવારે પડેલા ભારે વરસાદને કારણે ફરીવાર હૅન્ગ
થઈ ખોરવાઈ ગયું હતું. દર વર્ષે પાલિકા અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચોમાસા પૂર્વેની
તૈયારીઓ તથા નાળાસફાઈનાં બણગાં ફૂંકવામાં આવે છે અને દર વખતે મુંબઈગરા નાગરિકોને તંત્રની
નીંભરતાનો ભોગ બનવાનો વારો આવે છે. પૂર નિયંત્રણ બાબતે લેવાયેલાં પગલાં પાછળ થયેલા
કરોડો રૂપિયાના ખર્ચની પોલ વધુ એકવાર ઉઘાડી પડી ગઈ છે. મુંબઈ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં
વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે સાતથી વધુ લોકોના જીવ ગયા છે તથા પાંચથી વધુ લોકો
લાપતા છે. 800થી વધુ ગામડાં વરસાદથી અસરગ્રસ્ત થયાં છે અને ચાર લાખ એકર જમીન પરના પાકને
નુકસાન થયું છે. પૂરને કારણે નાંદેડ જિલ્લાનાં ચાર ગામોમાં રાહત અને બચાવ કામગીરીમાં
નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ (એસડીઆરએફ)
તથા સશસ્ત્ર દળો જોડાયાં હતાં. મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીઓ માથા પર છે, આમ છતાં
મુંબઈને જળબંબાકાર થતું અટકાવવાનાં અપૂરતાં પગલાં લેવાયાં છે અને રાજકારણીઓ ભાષાવાદ,
કબૂતરોને ચણ અને માંસાહાર જેવા મુદ્દે રાજરમતમાં વ્યસ્ત છે.
સોમવારે છ કલાકમાં
ખાબકેલા 177 મિ.મી. વરસાદને પગલે મુંબઈ જળનિમગ્ન થઈ ગયું હતું. મંગળવારે પણ ચાલુ રહેલી
હેલી સાથે અરબી સમુદ્રમાં આવેલી મોટી ભરતીને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલાં
પાણી ઓસર્યાં નહોતાં, જેના પગલે મીઠી નદી ભયજનક સપાટીને પાર કરી ગઈ હતી. મુંબઈ, થાણે,
પાલઘર અને મીરા-ભાયંદરની શાળા-કૉલેજોમાં મંગળવારે પહેલેથી જ રજા જાહેર કરી દેવાઈ હતી.
જોકે, સોમવારે માટુંગામાં સ્કૂલ બસમાંથી નાનાં બાળકોને પોલીસ કર્મચારીઓએ પોતાના ખભા
પર ઊંચકી સુરક્ષિત પહોંચાડ્યાં હતાં. તો શાળાઓમાં અડધા દિવસ પછી રજા જાહેર કરાયા બાદ
ઘરે પરત ફરી રહેલા સાત વર્ષના વિદ્યાર્થી અને તેની માતા વડાલામાં બેસ્ટની બસે અડફેટે
લેતાં જીવ ગુમાવ્યા હતા. તો કલવામાં બાળકોને હોડીમાં બેસાડી શાળાથી ઘરે પહોંચાડવામાં
આવ્યાં હતાં. મુંબઈ યુનિવર્સિટીએ મંગળવારે યોજાનારી 32 પરીક્ષાઓ 23મી અૉગસ્ટ પર મુલત્વી
રાખી છે.
ચેમ્બુર, વરલી અને
દાદર વિસ્તારમાં સોમવારે આઠ કલાકમાં સૌથી વધુ 100 મિ.મી. વરસાદ વરસ્યો હતો. 15-16 અૉગસ્ટ
દરમિયાન વિક્રમી 244.7 મિ.મી વરસાદ પછી તીવ્રતા ઓછી થઈ પણ અઠવાડિયાના પ્રથમ દિવસે જ
બાર કલાકમાં કોલાબામાં પંચાવન મિ.મી. અને સાંતાક્રુઝમાં 129.1 મિ.મી. વરસાદ નોંધાવાને
પગલે મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયું હતું. જોકે, આ બધા વચ્ચે સારા સમાચાર એ હતા કે, મુંબઈ
શહેરને પાણીપુરવઠો પૂરો પાડતું વિહાર તળાવ સોમવારે બપોરે છલકાયું હતું. આ વખતે 18મી
અૉગસ્ટે આ તળાવ છલકાયું, પણ દર વખતે જુલાઈના અંત સુધીમાં તે અૉવરફ્લૉ થતું હોય છે.
ગત શનિવારે તુલસી તળાવ છલકાયું પણ શહેરને પાણી પૂરું પાડતાં અન્ય છ તળાવોનાં જળગ્રાહ્ય
ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડ્યો નથી.
જરા સરખા વરસાદમાં જ પાણીથી છલોછલ થઈ જતાં મુંબઈના કિંગ્સ સર્કલ અને હિન્દમાતા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પૂર નિયંત્રણ માટે મુંબઈ પાલિકાએ ચાર વર્ષ પહેલાં રૂા. 156 કરોડનો ખર્ચ કરી લીધેલાં પગલાંનો લાભ થયો નહોતો. સોમવારે કલાકો સુધી આ બંને વિસ્તારોમાં પાણી ભરાયેલું રહ્યું હતું. આ ઉપરાંત મહાનગરની જીવનરેખા ગણાતી લોકલ ટ્રેનની બધી જ લાઈનો (મધ્ય, પશ્ચિમ, હાર્બર અને ટ્રાન્સ હાર્બર) ઓછા-વત્તા અંશે પ્રભાવિત થઈ હતી. 21મી અૉગસ્ટ સુધી મુંબઈ તથા રાજ્યના 15થી 16 જિલ્લાઓમાં વરસાદના રેડ ઍલર્ટની જાહેરાતના પગલે અને સોમવારે વરસાદે વેરેલા વિનાશને પગલે સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. જોકે, મુંબઈગરા ગુસ્સાથી લાલઘૂમ છે, કેમ કે દર વર્ષે ચોમાસા પહેલાંની તૈયારીઓ તથા નાળાસફાઈ વિશે પાલિકા અને રાજ્ય સરકાર મોટા મોટા દાવા કરે છે, પણ જોરદાર વરસાદમાં દર વર્ષે મુંબઈગરાને હાલાકીનો સામનો કરવાનો આવે છે. મુંબઈગરા રાજકારણીઓથી નારાજ છે, કેમ કે પ્રજાના નામે તમામ રાજકીય પક્ષો પોતાના સ્કૉર સૅટલ કરવામાં મગ્ન હોવાનું જોવા મળે છે. ગુજરાતી-મરાઠી ભાષાના મુદ્દે ખેલાઈ રહેલા આટાપાટા, કબૂતરોને ચણ ન નાખવાના મામલે રમાઈ રહેલી કબડ્ડી અને શાકાહાર-માંસાહાર જેવી બાબતને લઈને બે સમુદાયોને એકમેકની સામે ઊભા કરવાની ચાલી રહેલી કવાયત પાછળનો આશય લોકો સારી પેઠે સમજી રહ્યા છે. રાજકારણીઓ ભૂલે નહીં કે મુંબઈ મહાનગર પાલિકા તથા આસપાસની નગર પાલિકાઓની ચૂંટણી માથા પર છે ત્યારે ઈલેક્શન મૉડમાં આવી વિવાદોને પ્રોત્સાહન આપવાના કારસાથી મતદારો પ્રભાવિત થવાના નથી. સરકાર અને પાલિકાનું કામ નાગરિકોને હાલાકી ન થાય અને સમસ્યાઓ હળવી કરવાનું છે, પણ મુંબઈ અને મહારાષ્ટ્રમાં તો રાજકારણીઓને તો જાણે કે લોકોની હાલાકી વધારવામાં જ રસ હોય એવું લાગે છે.