• રવિવાર, 24 ઑગસ્ટ, 2025

સફેદ હાથી નામે મૉનોરેલ

મુંબઈની માળખાકીય સુવિધાઓમાં ધોળા હાથી કે શોભાના ગાંઠિયાનું બિરુદ મૉનોરેલને આપી શકાય. 11 વર્ષથી શહેરમાં મૉનોરેલ કાર્યરત હોવા છતાં અને આશરે વીસેક કિ.મી.ના પટ્ટા પર દોડતી હોવા છતાં પરિવહનના ઉપયોગી અને અસરકારક માધ્યમ તરીકે તેની ગણના થતી નથી. આર્થિક રીતે નુકસાનીમાં ચાલતી મૉનોરેલનો બે દિવસ મુંબઈમાં ઘમરોળનાર વરસાદના બીજા દિવસે ઉપયોગી થવાનો વારો આવ્યો ત્યારે આ સેવા અટકી ગઈ હતી. એટલું જ નહીં, 582 જણ ભરેલી મૉનોરેલની બે રૅક અધવચ્ચે અટકી પડી ત્યારે અનેકના જીવ પડીકે બંધાઈ ગયા હતા. સદ્નસીબે, મૉનોરેલ અટકી પડી એના કારણે કોઈ અપ્રિય ઘટના બની નહોતી, પણ ફાયર બ્રિગેડે આગ ઓલવવા માટેની વિશાળકાય સીડીઓનો ઉપયોગ મૉનોરેલમાં અટવાઈ ગયેલા ઉતારુઓને બહાર કાઢવા માટે કરવો પડયો. મંગળવારે સાંજે છ વાગીને આડત્રીસ મિનિટે ભક્તિ પાર્ક અને મૈસૂર કૉલોની વચ્ચે એક મૉનોરેલ અટકી ગઈ હતી, તો આચાર્ય અત્રે તથા વડાલા મૉનોરેલ સ્ટેશન વચ્ચે સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ બીજી મૉનોરેલ ખોટકાઈ ગઈ હતી. મૉનોરેલના સંચાલકોએ આ બે ઘટનાઓ માટે રૅકમાં ક્ષમતા કરતાં વધુ ઉતારુઓ હોવાનું કારણ આગળ કરી પોતાનો બચાવ કર્યો છે, તો રાજ્ય સરકારે ટેક્નિકલ પ્રોબ્લેમ હોવાનું જણાવી વધુ તપાસનું આશ્વાસન આપ્યું છે. છેક શરૂઆતથી જ વિવાદમાં રહેલી મૉનોરેલે અણીના સમયે મુંબઈગરાને દગો આપ્યો હોય એવી આ પહેલી ઘટના નથી. 

મુંબઈને શાંઘાઈ બનાવવાની આંબા-આંબલી રાજકારણીઓ નાગરિકોને વર્ષોથી દેખાડયા કરે છે, પણ મુંબઈગરાના ભાગે તો દર વર્ષે ચોમાસામાં અને ક્યારેક કોઈ પણ મોસમમાં હાલાકીનો સામનો કરવાનો આવે છે. ગત સોમ અને મંગળવારે શહેર તથા ઉપનગરોને ઘમરોળનાર વરસાદને પગલે રેલવે સેવા અને ઠેર-ઠેર પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. મધ્ય રેલવે અને હાર્બર લાઈનની સેવા તો ઠપ થઈ ગઈ હતી. આવામાં, નોકરી-ધંધેથી ઘરે પહોંચવા માટે મૉનોરેલનો આશરો લેનારા કમભાગી મુંબઈગરાઓને ત્રણ કલાક બંધ પડેલી મૉનોરેલમાં ગોંધાઈ રહેવું પડયું હતું. મૉનોરેલ સંચાલકોનું કહેવું છે કે ઉતારુઓના વધુ પડતા ધસારાને કારણે મૉનોરેલમાં કુલ વજન 109 મેટ્રિક ટનથી વટાવી ગયું હતું, આ ટ્રેનની મૂળ ક્ષમતા 104 મેટ્રિક ટન છે. આ વધુ વજનને કારણે પાવર રેલ અને કરન્ટ લૉકેટર વચ્ચેનો મેકેનિકલ સંપર્ક તૂટી ગયો હતો, ટ્રેન ચલાવવા માટે જરૂરી વીજળીનો પ્રવાહ તેના કારણે અટકી ગયો હતો. સાંજે સાડાછ વાગ્યાથી અટકેલી મૉનોરેલમાંથી 582 ઉતારુઓને ઉગારવાની બચાવ કામગીરી રાત્રે સવાદસ વાગ્યા સુધી ચાલી હતી. સદ્નસીબે, કોઈને ગંભીર ઈજા કે સમસ્યા થઈ નહોતી, પણ આ ઘટનાથી મુંબઈની નબળી સુવિધાઓની પોલ વધુ એકવાર ખૂલી ગઈ હતી.